
બાબુ સોલંકી :- સુખસર
સુખસર થી સંતરામપુર શાળાએ જવા નીકળેલી સગીરા ગુમ થતા અપહરણની ફરિયાદ નોંધાઇ.
ગુમ થયાના દિવસે સગીરા શાળામાં આવી ન હોવાનું આચાર્ય દ્વારા જણાવતા તપાસ બાદ ફરિયાદ કરાઈ.
ઝાલોદ સી.પી.આઇ.એ તપાસ હાથ ધરી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૭
ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારની એક ૧૬ વર્ષીય સગીરા સંતરામપુરમાં શાળાએ જવા નીકળ્યા બાદ સાંજ સુધી પરત ઘરે ન આવતા પરિવારજનો દ્વારા તપાસ શરૂ કરાઇ હતી.શાળામાં તપાસ કરતાં ગુમ થવાના દિવસે સગીરા શાળાએ આવી ન હોવાનું જણાવ્યું હતું.તેથી ગુમ સગીરાની ફરિયાદ આપતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી સગીર કન્યાઓ, યુવતીઓ તેમજ પરણિત મહિલાઓ ગુમ થવાના,અપહરણ કરવાના અને ભાગી જવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં મોટાભાગના કિસ્સાઓમાં લગ્ન કરવાના ઈરાદે ભાગી જતા હોવાનું સામે આવી રહ્યું છે.તેવી જ રીતે સુખસર વિસ્તારના એક ગામની ૧૬ વર્ષીય સગીરા રોજની જેમ ત્રણેક દિવસ અગાઉ સંતરામપુર એક શાળામાં અભ્યાસ અર્થે જવા નીકળી હતી.જેમાં મોડી સાંજ સુધી તે પરત ઘરે આવી ન હતી. જેથી પરિવારજનો દ્વારા પરિચિતો તથા સગાસંબંધીઓ માં તપાસ કરવા છતાં સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો.તેમજ સંતરામપુર ની શાળામાં જઇને પણ તપાસ કરતા ગુમ થયાના દિવસે સગીરા શાળામાં આવી જ ના હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી ગુમ સગીરાનું અપહરણ થયું હોવાની બાબતે સગીરાના પિતાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.ગુમસુદા અથવા અપ હરણનો ભોગ બનેલી સગીરાની ઝાલોદ સી. પી. આઇ. બી.આર સંગાડા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.