
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત સુખસર પંથકમાં માં દશામાં ના વ્રત અને શ્રાવણના પ્રારંભે શ્રદ્ધાનો માહોલ.
8 ઓગસ્ટ-21થી શરૂ થયેલ દશામાના 10 દિવસના વ્રત 17 ઓગસ્ટ-21 રોજ દશામાની મૂર્તિઓ ઊંડા જળમાં વિસર્જિત કરાયા બાદ પૂર્ણ થશે.
તાલુકાના ગામડે-ગામડે દશામાની પ્રતિમાઓની સ્થાપના કરી સવાર-સાંજ ભાવિક બહેનો દ્વારા આરતી,દીપ,નેવૈધ,પૂજન- અર્ચન તથા વ્રત કથાઓનુ શ્રવણ કરવામાં આવી રહ્યું છે.
( પ્રતિનિધિ ) સુખસર,તા.09
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા દિવાસાના દિવસથી ધર્મપ્રેમી બહેનોએ દશામાના 10 દિવસના ઉપવાસ શરૂ કર્યા છે.ઉપાસક બહેનોએ વ્રતનો પ્રારંભ કરી ભક્તિ ભાવપૂર્વક ઘરેઘરમાં દશામાની પ્રતિમાઓની સ્થાપના કરી આનંદ, ઉમંગ અને ભારે શ્રદ્ધાપૂર્વક આ પર્વની શરૂઆત કરી રંગેચંગે ભાવિક બહેનો ઉત્સવ મનાવે છે.બહેનો પોતાની યથાશક્તિ પ્રમાણે મૂર્તિઓ લાવી તેને વિવિધ પોશાક અને આભૂષણોથી સજ્જ કરી માતાજીને પ્રસન્ન કરવા પૂજન અર્ચન કરતી નજરે પડે છે. દશામાના વ્રતથી ફતેપુરા તાલુકામાં ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. અને શ્રદ્ધાળુ લોકો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી રહેલ હોવાની પ્રતીતિ થાય છે.
ફતેપુરા તાલુકાના ફતેપુરા સહિત કાળીયા,સુખસર,આફવા,બલૈયા, પાડલીયા તથા અન્ય નાના-મોટા ગામડાઓમાં દશામાની પ્રતિમાઓની સ્થાપના કરી સવાર-સાંજ આરતી, દીપ,નેવૈદ,પૂજન,અર્ચન તથા વ્રત કથાઓનું શ્રવણ કરવામાં આવી રહ્યું છે.માં દશામાના વ્રતમાં શ્રદ્ધાળુ ભાઈ- બહેનો, વૃદ્ધ વડીલો,બાળ-ગોપાળ સૌ કોઈ ભક્તો માતાજી પાસે જઈ મનોરથની સિદ્ધિ માટે પ્રાર્થના કરતા નજરે પડે છે.ઘરે-ઘરે ગરબા ગવાતા હોય માં દશામા પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિના દર્શન થઈ રહ્યા છે.માં દશામાના દસ દિવસના 8 ઓગસ્ટ-21 દિવાસાના દિવસથી શરૂ થયેલ આ વ્રત દસ દિવસ બાદ 17 ઓગસ્ટ-21 ના રોજ વહેલી સવારે માતાજીની મૂર્તિઓ ને ઊંડા જળમાં પધરાવ્યા બાદ પૂર્ણ થશે.