Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટના નાણાંથી કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને બિલ માટે તાલુકા કચેરીના મહિનાઓથી ધરમધક્કા ?..!!

June 20, 2021
        1159
ફતેપુરા તાલુકામાં ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટના નાણાંથી કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને બિલ માટે તાલુકા કચેરીના મહિનાઓથી ધરમધક્કા ?..!!

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકામાં ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટના નાણાંથી કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને બિલ માટે તાલુકા કચેરીના મહિનાઓથી ધરમધક્કા ?..!!

૧૫માં નાણાપંચની ગ્રાન્ટના નાણાથી કામગીરી પૂર્ણ કરનાર તમામ ગ્રામપંચાયતોને તાત્કાલિક ઓનલાઈન ચુકવણું કરવામાં આવે તેવા પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ સરકારના આદેશનું તાલુકાના જવાબદારો દ્વારા ઉલ્લંધન?

ફતેપુરા તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોમાં ૧૫મા નાણાપંચની ગ્રાન્ટના નાણાથી વિકાસ કામો ચાલુ કરવા પાછી પાની કેમ?

( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૦

ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ કરવા માટે ગ્રામ પંચાયત નો ફાળો મહત્વનો હોય છે.વર્ષોવર્ષ ગ્રામ પંચાયતોને સરકાર દ્વારા લાખો રૂપિયા ફાળવવામાં આવે છે. તે પૈકી કેટલીક ગ્રામ પંચાયતોમાં ફાળવવામાં આવતી ગ્રાન્ટનો પુરેપુરો સદ્ઉપયોગ નહીં થતો હોવા બાબતે પ્રજાના અવાજો ઊઠે છે.તેમજ કેટલીક ગ્રામ પંચાયત દ્વારા કામગીરી પુર્ણ કરવા છતાં થયેલ કામગીરીના બિલના નાણા તાલુકાના જવાબદારો દ્વારા સરપંચોને નહીં ચૂકવાતા હોવાની પણ ફરિયાદો સાંભળવા મળે છે.તેવી જ રીતે તાલુકાની અનેક ગ્રામ પંચાયતોએ ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટના નાણાના આધારે પોતાની જવાબદારીથી સરપંચો દ્વારા મટીરીયલ્સ લાવી કામગીરી પૂર્ણ કરેલ હોવા છતાં તેના નાણા ત્રણ માસ બાદ પણ નહીં ચૂકવાતા મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળે છે.

#Paid pramotion

Contact us :- sunrise public school 

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં ૬૨ જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે.આ ગ્રામ પંચાયતોમાં સરકાર દ્વારા ૧૫માં નાણાપંચના નાણાં ફાળવી આપવામાં આવેલ છે.અને આ નાણા સરપંચોના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ પાછળ ખર્ચ કરવાના હોય છે.જોકે જે-તે મંજુર થયેલ વિકાસ કામની શરૂઆત કર્યા બાદ તાલુકા કક્ષાના જવાબદારો દ્વારા તપાસ કરી આ બિલ નાણાં પંચાયતોને ઓનલાઇન ફાળવવાના હોય છે.જેમાં ફતેપુરા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોએ સી.સી રોડ,બોર વિથ મોટર તથા અન્ય વિકાસ લક્ષી કામગીરી પૂર્ણ કર્યા બાદ અને તાલુકા કક્ષાના જવાબદારો દ્વારા જે-તે કામની સ્થળ તપાસ કર્યાનો લાંબો સમય વિતવા છતાં અને થયેલ કામગીરીના બીલના નાણાં મેળવવા અનેકવાર સરપંચો દ્વારા તાલુકા કચેરીના ધક્કા ખાવા છતાં બિલના નાણાં નહીં આપી ધરમ ધકકા ખવડાવવામાં આવતા હોવા બાબતે સરપંચોમાં ગણગણાટ ઉભો થયો હોવાનું જાણવા મળે છે.તેમજ કામગીરી પુર્ણ કરનાર ગ્રામ પંચાયત સરપંચોને બે દિવસમાં બીલ કાઢી આપવા જવાબદારો દ્વારા જણાવવામાં આવે છે. તેમ છતાં કામગીરી પુર્ણ કરનાર ગ્રામ પંચાયતોને બિલના નાણા કયા કારણોસર ફાળવવામાં આવતા નથી ? તે પણ એક ખાસ તપાસનો વિષય છે. જોકે જે તે સરપંચ પોતાની ક્રેડિટથી વેપારીઓ પાસેથી મટીરીયલ્સ ખરીદતા હોય છે.જ્યારે જે-તે વેપારીને સમયસર નાણાં ભરપાઇ નહીં થતા વેપારી-સરપંચોના સબંધો બગડતા હોય છે.જે ગ્રામ પંચાયતોએ વિકાસ લક્ષી કામગીરી પૂર્ણ કરી હોય તેઓને તાત્કાલિક બિલ છુટા કરી આપવામાં આવે તેવી પણ સરપંચ આલમમાં માંગ ઉઠવા પામેલ છે.

ફતેપુરા તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતો ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટના નાણાથી કામગીરી કરવા પાછી પાની કરી રહ્યા છે

ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ થાય તે હેતુથી સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને નાણાપંચ દ્વારા લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે.હાલ ફતેપુરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવેલ છે.તેમાં મોટાભાગની ગ્રામ પંચાયતોએ ગ્રામ વિકાસના કાર્યો કર્યા છે.પરંતુ કેટલીક ગ્રામ પંચાયતોમા ગ્રાન્ટના નાણાં સહી સલામત જમા પડ્યા હોવાનું જાણવા મળે છે.જોકે ગ્રામ વિકાસના કામો શિયાળુ,ઉનાળુ સમયમાં થઈ શકે. જ્યારે હાલ ચોમાસુ વરસાદ થવાની તૈયારીમાં છે. તેમજ ફતેપુરા તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતોમાં સરપંચો ની સમય મર્યાદા પૂર્ણ થવા ગણતરીના મહિના બાકી રહ્યા છે.તેમ છતાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામોમાં ઉપયોગ કરવા રાહ જોવાતી હોય તેમ કેટલીક ગ્રામ પંચાયતોના લાખો રૂપિયા ગ્રામ પંચાયતના નામે સહી સલામત હોવાનું જાણવા મળે છે. જોકે ફતેપુરા તાલુકામાં તમામ ગામડાનો સંપૂર્ણ ભૌગોલિક વિકાસ થઈ ગયો હોય અને નાણાપંચના નાણાં ગ્રામ પંચાયતના નામે સલામત રહે એ ખુશીની બાબત છે.પરંતુ તેવું જોવા માટે હજી કદાચ વર્ષોનો સમય લાગશે. ત્યારે જે તે ગ્રામપંચાયતને વિકાસ કામો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો સમયસર સદુપયોગ થાય તે ખૂબ જ જરૂરી જણાય છે. અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે, અગાઉના વર્ષોમાં કેટલાક બોર વિથ મોટરની કામગીરી કરવામાં આવે છે તે નિયમો મુજબ કરવામાં આવેલ નથી.જ્યારે કેટલાક આર.સી.સી રસ્તાઓ ઓન પેપર બનાવી નાણા હડપ કરવામાં આવેલ છે.તેનું હવે પછી પુનરાવર્તન થાય નહીં તે પ્રત્યે પણ તાલુકા-જિલ્લા જિલ્લા તંત્રો દ્વારા ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

સરકારના પરિપત્રનું પણ તાલુકાના જવાબદારો દ્વારા ઉલ્લંઘન !?…

સરકારના ૨૪ મે ૨૦૨૧ ના પરિપત્ર વીક/ઓડિટ/યુ-૭/૧૫ મુ નાણાપંચ/૨૦૨૧-૨૨ મુજબ જે ગ્રામ પંચાયતોની ઓન બોર્ડ તેમજ ડી.એસ.સી ની કામગીરી પૂર્ણ કરેલ હોય તેવી તમામ ગ્રામ પંચાયતોમાં મોડામાં મોડું તારીખ-૦૧/૦૬/૨૦૨૧ ના રોજથી પી.એફ.એમ.એસ મારફતે ઓનલાઇન ચુકવણું શરૂ થાય તે પ્રકારનું આયોજન તાત્કાલિક હાથ ધરવા જણાવાયું છે.તેમજ ૧૫ મા નાણાપંચ અંતર્ગત પી.એફ.એમ.એસ મારફત ઓનલાઇન ચુકવણાની કામગીરી તાત્કાલિક શરૂ કરવા તથા ભારત સરકાર તરફથી યોજવામાં આવેલ વિડીયો કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના તમામ જીલ્લાને લગત કામગીરીની પ્રગતિ સંતોષકારક ન હોય તેને ગંભીરતાથી લેવા અને બાકી કામગીરીની ગ્રામ પંચાયત વાઇઝ સમીક્ષા હાથ ધરી બાકી કામગીરી પૂર્ણ કરવા કડક સુચના આપવામાં આવેલ છે.તેમ છતાં ફતેપુરા તાલુકાના જવાબદારો દ્વારા આ પરિપત્રનુ ઉલ્લંઘન કરવામાં આવતું હોય તેમ જણાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!