Sunday, 26/06/2022
Dark Mode

સુખસર ગામમાં ત્રણ માસ અગાઉ બનાવેલ આર.સી.સી રસ્તાની હાલત બદતર:રાહદારીઓ તથા વાહન ચાલકો પરેશાન…

June 2, 2021
        1127
સુખસર ગામમાં ત્રણ માસ અગાઉ બનાવેલ આર.સી.સી રસ્તાની હાલત બદતર:રાહદારીઓ તથા વાહન ચાલકો પરેશાન…

બાબુ સોલંકી :- દાહોદ 

સુખસર ગામમાં ત્રણ માસ અગાઉ બનાવેલ આર.સી.સી રસ્તાની હાલત બદતર:રાહદારીઓ તથા વાહન ચાલકો પરેશાન.

વપરાશ તથા વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈનના આયોજન વગર રસ્તાની કામગીરી કરવામાં આવી છે. 

આર.સી.સી રસ્તાની ટેન્ડર પદ્ધતિ પ્રમાણે કામગીરી નહી થતા સ્થાનિકોમાં રોગચાળો ફાટી નિકળવાની સંભાવના.

વરસાદી તથા વપરાશના ગંદા પાણીના થતા ભરાવાના નિકાલ માટે તાત્કાલિક ગટર લાઈન બનાવવા સ્થાનિકોની માંગ. 

 સુખસર,તા.૨

 પ્રજાની મુશ્કેલી દૂર કરવા માટે સરકાર દ્વારા એટલે કે પ્રજાનાં નાણાંથી વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવે છે.જે પૈકી કેટલીક કામગીરી માત્ર પ્રજાના નાણાનો ભવિષ્યમાં નિર્માણ પામનાર પરિસ્થિતિને અવગણી વેડફાટ કરવા માટે જ વેઠ ઉતાર કામગીરી કરવામાં આવતી હોય તેવું જોવા મળે છે. અને તેવી જ કામગીરી સુખસર બસ સ્ટેશન વિસ્તારથી લઇ ગ્રામ પંચાયત સુધી ત્રણ માસ અગાઉ બનાવાયેલા આર.સી.સી રસ્તાની હાલત તેની ગવાહી પુરે છે.

  પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સુખસર ગામ માં પ્રવેશ દ્વાર પાસે બસ સ્ટેશનથી લઈ મહાદેવજી મંદિર,મેનબજાર થઇ ગ્રામ પંચાયત સુધી ગત ત્રણ માસ અગાઉ આર.સી.સી રસ્તાની લાખો રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવેલ છે. પરંતુ બજાર વિસ્તારમાં ઘર વપરાશના તથા વરસાદી પાણીના નિકાલ માટે જે ગટરલાઈન હોવી જોઈએ તેની અવગણના કરી રસ્તાની કામગીરી કરી દેવામાં આવી છે.જેના લીધે ઉપલી બજારથી સ્ટેશન વિસ્તાર બાજુ આવતા ગ્રામજનોના વપરાશના તથા વરસાદી પાણીનો ભરાવો મહાદેવજી મંદિરથી લઇ સ્ટેશન વિસ્તારમાં હાલથી જ પાણીનો ભરાવો થતા રાહદારીઓ તથા વાહનચાલકો સહિત સ્થાનિક દુકાનદારો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જ્યારે હાલથીજ આ પરિસ્થિતિ હોય તો આવનારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો આ જગ્યાએ ભરાવો થવાના કારણે રોગચાળો ફાટી નીકળે તેવા પણ સંજોગો નિર્માણ થવાના એંધાણ જણાઈ રહ્યા છે. ત્યારે મહાદેવજી મંદિર પાસે પાણીના થતા ભરાવાનો નિકાલ કરવા માટે તાત્કાલિક ગટર લાઈન બનાવી ખૂબ જ આવશ્યક છે.

આર.સી.સી રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ગ્રામજનોમાં ચર્ચા.

વધુમાં ગ્રામજનો દ્વારા સાંભળવા મળતી ચર્ચા મુજબ જે આ નવીન આરસીસી રસ્તો બનાવવામાં આવેલ છે તેની નિયમ મુજબ કામગીરી કરવામાં આવેલ નથી જેમાં રસ્તાની બંને સાઇડમાં પેવર બ્લોક લગાવવાના હતા તે કામગીરી કરવામાં આવી નથી. તેમજ ગટર લાઈન માટે જગ્યા છોડવાની હતી તે પણ છોડવામાં નહીં આવી હોવાનું સાંભળવા મળે છે.જોકે ટેન્ડરના નિયમ મુજબ રસ્તાની પહોળાઈમાં પણ ખાઈકી થઇ હોવાની ચર્ચા પણ અગ્રસ્થાને જોવા મળે છે. તેમજ થતી ચર્ચા મુજબ નિયમ મુજબ રસ્તાની કામગીરી થઇ હોય તો પેવર બ્લોક ક્યાં ગયા?અને જો નિયમ મુજબ રસ્તાની કામગીરીમા સ્થાનિકોએ દબાણ કરેલ હોય અને નિયમ મુજબ કામગીરી ન થઈ શકે તેમ હોય તો ટેન્ડરની શરતોની બાદબાકી કરી રસ્તો બનાવવા કોન્ટ્રાક્ટરને પરવાનગી કોને આપી? તેમજ બજાર વિસ્તારમાં ગટર લાઈન વિના ગામના વપરાશના બારેમાસ ગંદા પાણી તથા વરસાદી પાણીના ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળે તો તેના માટે જવાબદાર કોણ? બજાર વિસ્તારમાં ગટર લાઈન ફરજિયાત હોવી એક નિયમ છે,અને ગટર લાઈન માટેની જગ્યા સ્થાનિકોએ દબાણ કરેલ હોય તો લાગતા-વળગતા તંત્ર દ્વારા તેવા દબાણ હટાવી ગટર લાઈનની વ્યવસ્થા ગ્રામજનોને કરી આપવી તેમની ફરજ છે.

સુખસરમાં ત્રણ માસ અગાઉ બનાવાયેલ રસ્તાની રિપેરિંગ કામગીરી કરી ગટર લાઈન માટે ગ્રામજનોએ રજૂઆત કરી.

 નોંધનીય બાબત છે કે,હાલ વરસાદી પાણીનો માહોલ નથી.તેમ છતાં સુખસર ગામના પ્રવેશ દ્વારથી લઈ મહાદેવજી મંદિર સુધી પિંડી સમાણા પાણી ભરાઈ રહેતા વાહનચાલકો, રાહદારીઓ સહીત સ્થાનિક દુકાનદારો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે આવનાર ચોમાસામાં પાણીના ભરાવાની વિકટ પરિસ્થિતિ સર્જાય તેમ હોય તાત્કાલિક ધ્યાન આપી ત્રણ માસ અગાઉ આશિષ થયેલ રસ્તાને રીપેરીંગ કરી પાણીના થતા ભરાવાના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોએ નાયબ કાર્યપાલક ઇજનેર ઝાલોદ સમક્ષ રસ્તાની રીપેરીંગ કામગીરી કરવામાં આવે તથા ગટર લાઈનની કામગીરી વહેલી તકે કરવામાં આવે તે બાબતે ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!