સુખસર તાલુકામાં રામ ભરોસે ચાલતી કામગીરીમાં રેવન્યુ તલાટીઓના અભાવે જાતિ-આવકના દાખલા મેળવવા અઠવાડિયાઓથી ધરમધક્કા ખાતા અરજદારો

Editor Dahod Live
4 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

સુખસર તાલુકામાં રામ ભરોસે ચાલતી કામગીરીમાં રેવન્યુ તલાટીઓના અભાવે જાતિ-આવકના દાખલા મેળવવા અઠવાડિયાઓથી ધરમધક્કા ખાતા અરજદારો

પંચાયત તલાટીઓ રેવન્યુ કામગીરી કરવા તૈયાર નથી,જ્યારે અભ્યાસુ વિદ્યાર્થીઓના ખરા સમયે રેવન્યુ તલાટીઓને તાલીમમાં મોકલવામાં આવ્યા છે!?

સુખસર,તા.28

  સુખસર પંથકમાંથી અગાઉ ફતેપુરા તાલુકા મથક ટીડીઓ તથા મામલતદાર કચેરી ખાતેની કોઈ પણ કામગીરી માટે અવર-જવર કરવા માટે અરજદારોને સમય અને નાણાનો વેડફાટ થતો હતો.ત્યારે ફતેપુરા તાલુકા માંથી વિભાજન થઈ નવીન સુખસર તાલુકાની રચના કરવામાં આવતા હવે તાલુકા કચેરીઓની કોઈપણ કામગીરીની સુવિધા સ્થાનિક જગ્યાએ મળી રહેવાના અણસાર જણાતા પ્રજામાં ખુશીનો માહોલ સર્જાયો હતો.પરંતુ આ આશા ઠગારી નીવડી છે.વહીવટી તંત્રોની બેદરકારીથી તલાટીઓની સામાન્ય કામગીરી માટે સુખસર તાલુકાની પ્રજા ધરમધક્કા ખાઈ રહી હોવાની ચર્ચા સાંભળવા મળે છે.ત્યારે તાલુકાની પ્રજાના સરળતાથી સમયસર કામગીરી થઈ યોગ્ય ન્યાય મળી રહે તે બાબતે ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપવાની જરૂરત જણાઈ રહી છે.

        જાણવા મળેલ માહિતી મુજબ હાલમાં ખાસ કરીને ખેડૂતો તથા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જાતિ આવકના દાખલા તેમજ નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂરત પડતા આ દાખલા કાઢવા માટે તલાટીઓની સહીની ખાસ જરૂરત રહે છે. અને રેવન્યુ તલાટીઓ ના અભાવે કેટલાક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહેતા વર્ષ બગડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે.પંચાયત તલાટીઓ મહેસુલની કામગીરી નહીં કરવા એક પ્રકારે લાંબા સમયથી હડતાલ ઉપર છે.સુખસર તાલુકાના 46 ગામડાઓ માટે બે રેવન્યુ તલાટીઓ મૂકવામાં આવેલા હતા.અને કામગીરીના ભારણના લીધે 8 નવા તલાટીઓની રેવન્યુ તલાટી તરીકે જગ્યા ભરવામાં આવેલ હતી.બીજી બાજુ જોઈએ તો આ બંને રેવન્યુ તલાટીઓને ફરીથી ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી ખાતે બોલાવી લેવામાં આવ્યા છે. જ્યારે સુખસર ખાતે જે નવા આઠ રેવન્યુ તલાટીઓને મૂકવામાં આવેલ છે તે તલાટીઓ અઠવાડિયાઓથી તાલીમમાં ગયેલ હોવાનું કહેવાય છે. ત્યારે સુખસર તાલુકામાં તલાટીઓની કામગીરી રામ ભરોસે ચાલી રહી છે. જેના લીધે ખેડૂતો સહિત ખાસ કરીને વિદ્યાર્થીઓને હાલમાં વિવિધ દાખલાઓની જરૂરત પડતા પંચાયત તલાટીઓ રેવન્યુ કામગીરી કરવાથી અળગા છે.જ્યારે રેવન્યુ તલાટીઓ તાલીમમાં છે.જેના લીધે હાલમાં ખેતીવાડી તથા ભણતર સાથે સંકળાયેલી તાલુકાની જનતા મોટી મુશ્કેલી ભોગવી રહી છે.

       હાલ સુખસર મામલતદાર કચેરી ખાતે લાંબા સમયથી જાતિ,આવકના દાખલા,ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છે.ત્યારે તેઓ તાલુકા વહીવટી તંત્રોની લાપરવાહીથી વિદ્યાર્થીઓના ભણતરનું વર્ષ બગડે નહીં તેને ધ્યાને લઈ તાત્કાલિક સુખસર ખાતે રેવન્યુ તલાટીઓને રેગ્યુલર કરે અથવા તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તે બાબતે તાલુકા-જિલ્લાના જવાબદાર અધિકારીઓ ધ્યાન આપે તે ખૂબ જ જરૂરી છે.

અમો મારા પુત્રના જાતિના દાખલાના ફોર્મમાં રેવન્યુ તલાટીની સહી કરાવવા દિવસોથી તાલુકાના ધક્કા ખાઈ રહ્યો છુ.પરંતુ તલાટી મળતા નથી.જ્યારે પંચાયત તલાટી સહી કરવા તૈયાર નથી.અમારે છોકરાના એડમિશન માટે દાખલાની જરૂરત છે.સમયસર દાખલો નહીં મળે તો મારા છોકરાનું વર્ષ બગડે તેમ છે. 

*(જશુભાઈ લખાભાઇ કટારા, હિંગલા)*

 

જ્યાં સુધી પંચાયત તલાટીઓની માંગણીનો નિકાલ નહીં આવે ત્યાં સુધી રેવન્યુ કામગીરી રેવન્યુ તલાટીને સોંપવામાં આવેલ છે.તાલીમમાં ગયેલ રેવન્યુ તલાટીનો ચાર્જ કોને આપવામાં આવ્યો છે તેની મામલતદાર કચેરીમાં તપાસ કરો ત્યાંથી તમોને ખ્યાલ આવી જશે.

*(કિરીટ.કે.રાઠવા,તાલુકા વિકાસ અધિકારી સુખસર)*

સુખસર મામલતદાર કચેરી ખાતે બે રેવન્યુ તલાટીઓને મૂકવામાં આવ્યા હતા.પરંતુ જેઓને પરત ફતેપુરા બોલાવી લેવામાં આવ્યા છે.હાલ નવા આઠ રેવન્યુ તલાટીની નિમણૂક કરવામાં આવેલ છે.તેઓ તાલીમમાં છે.જેથી કામગીરીમાં વિક્ષેપ થાય છે.પરંતુ અમો તાત્કાલિક વ્યવસ્થા કરી કામગીરી ચાલુ કરાવી દઈશું.

*(કે.કે.કારોલીયા,સુખસર તાલુકા મામલતદાર)*

Share This Article