સિંગવડ તાલુકાના 72 ગામ માટે માત્ર 7 રેવન્યુ તલાટી:બદલીઓ બાદ મહેસૂલી તંત્ર ઠપ્પ,અરજદારોને ધક્કા.!

Editor Dahod Live
2 Min Read

સિંગવડ તાલુકાના 72 ગામ માટે માત્ર 7 રેવન્યુ તલાટી:બદલીઓ બાદ મહેસૂલી તંત્ર ઠપ્પ,અરજદારોને ધક્કા.!

મહેકમ મુજબ તલાટીઓની નિમણૂક કરવાની ઉઠી માંગ; 7/12, 8-અ, વારસાઈ અને આવક-જાતિના દાખલાના કામો મહિનાઓથી પેન્ડિંગ

રિપોર્ટર:કલ્પેશ શાહ,સીંગવડ

સિંગવડ તા.30

સિંગવડ તાલુકાના 72 ગામો અને એક લાખથી વધુની વસ્તીના મહેસૂલી કામકાજ માટે અગાઉ માત્ર 7 રેવન્યુ તલાટીઓ જ ફરજ બજાવતા હતા. હવે તાજેતરની બદલીઓ બાદ તે જગ્યાઓ પણ ખાલી પડતાં સમગ્ર તાલુકાનું મહેસૂલી તંત્ર ગંભીર સ્ટાફની અછતનો સામનો કરી રહ્યું છે. નવા તલાટીઓ હાજર ન થતાં હાલ સમગ્ર કામગીરી મર્યાદિત સ્ટાફના ભરોસે ચાલી રહી છે, જેના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, એક તલાટી પાસે 10થી 12 ગામોનો વધારાનો ચાર્જ હોવાથી 7/12ના ઉતારા, 8-અ, વારસાઈ નોંધ, આવક અને જાતિના દાખલા સહિતના અનેક મહત્ત્વના કામોમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. અગાઉ પણ એક અઠવાડિયામાં પૂર્ણ થનારા કામમાં મહિનો જેટલો સમય લાગતો હતો, જ્યારે હાલની સ્થિતિમાં અરજદારોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓ અલગ-અલગ દિવસોએ જુદા-જુદા ગામોમાં હાજર રહેતા હોવાથી અરજદારોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડે છે. ઓનલાઈન અરજી કર્યા બાદ પણ તલાટીની સહી વગર પ્રક્રિયા આગળ વધી શકતી નથી, જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોના કામો અટવાઈ રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે.

સ્થાનિકોના મતે જો સરકાર મહેકમ અને સેજા સર્કલ મુજબ પૂરતા રેવન્યુ તલાટીઓની નિમણૂક કરે તો મહેસૂલી કામગીરી વધુ ઝડપી અને અસરકારક બની શકે. એક સેજા દીઠ એક તલાટી ઉપલબ્ધ હોય તો ઉતારા, નોંધ અને વિવિધ દાખલાઓનું કામ ટૂંકા સમયમાં પૂર્ણ થઈ શકે, જેના કારણે ખેડૂતોને લોન, પાક વીમો અને સરકારી સહાય યોજનાઓ માટે જરૂરી દસ્તાવેજો સમયસર મળી રહે.

સિંગવડ તાલુકામાં હવે લોકોની મુખ્ય માંગ આ છે.

72 ગામ અને સેજા સર્કલ મુજબ પૂરતા રેવન્યુ તલાટીઓની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે.

નવા તલાટીઓની નિમણૂક સુધી નજીકના તાલુકાઓમાંથી ડેપ્યુટેશન પર તલાટીઓની વ્યવસ્થા કરવામાં આવે.

“તલાટી આપો” અભિયાન હેઠળ ખાસ કેમ્પ યોજી પેન્ડિંગ મહેસૂલી અરજીઓ અને દાખલાઓનો ઝડપથી નિકાલ કરવામાં આવે.

Share This Article