રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણી: સુખસરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.!
વિકસિત ભારત 2047 માટે આ તિરંગા યાત્રાથી અત્યારથી જ કર્તવ્ય બંધ થવાનું આયોજન છે: નરેન્દ્ર મોદી।
બાબુ સોલંકી:સુખસર
સુખસર,તા.11
આઝાદીના અમૃત મહોત્સવ અને”હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજરોજ સુખસર ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ,સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સામાજિક કાર્યકરો તેમજ નાગરિકોએ હાજર રહી તેમજ કન્યા વિદ્યાલય સુખસરની કન્યાઓ સહિત વિદ્યાર્થીઓએ હાજર રહી ગગન ભેદી નારાઓથી સુખસર ગામને દેશભક્તિના રંગે રંગવામાં આવ્યું હતું.
સુખસર ખાતે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ”હર ઘર તિરંગા” હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.તિરંગા યાત્રા દરમ્યાન રાજ્ય સરકારના મંત્રી રમેશભાઈ કટારા સહિત સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો દ્વારા આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.તેમજ યાત્રા દરમ્યાન હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા લોકો દ્વારા ભારત માતાકી જય અને વંદે માતરમ ના ગગન ભેદી નારા લગાવવામાં આવ્યા હતા.દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે સુખસર ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.યાત્રા દ્વારા નગરજનોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના વધુ પ્રબળ બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.સુખસરમાં રેલી દરમ્યાન રેલી પૂર્ણ થવાના થોડા સમય પહેલા વરસાદે વિઘ્ન ઊભું કરતાં થોડા સમય માટે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
અહીંયા જણાવવું જરૂરી છે કે, તિરંગા યાત્રા એ દેશની એકતા અને અખંડિતતાની યાત્રા છે.અને જ્યારે આપણે હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ લઈને આ યાત્રામાં જોડાઈએ છીએ ત્યારે”એક ભારત, શ્રેષ્ઠ ભારત” નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ વિચાર સાકાર થાય છે.તેમજ આપણે વિકસિત ભારત 2047 માટે આ તિરંગા યાત્રાથી અત્યારથી જ કર્તવ્ય બંધ થવાનું છે. એટલું જ નહીં દેશ માટે જીવી જાણવાની અને ભારતમાતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવાની જે તક મળી છે તેને રાષ્ટ્ર પ્રથમના સંકલ્પથી પાર પાડવાની છે.
સુખસર ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં કૃષિ મંત્રી રમેશભાઈ કટારા, તાલુકા પંચાયત પ્રમુખ,નાયબ પોલીસ અધિક્ષક પટેલ,મામલતદાર કે.કે. કારોલીયા,તાલુકા વિકાસ અધિકારી કે.કે.રાઠવા,તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્ય,વિવિધ કચેરીઓના કર્મચારીઓ,સુખસર પોલીસ વિભાગના કર્મચારીઓ, હોમગાર્ડ,જીઆરડીના જવાનો, ગ્રામજનો,વિદ્યાર્થી,વિદ્યાર્થીનીઓ સહીત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા,ત્રિરંગા યાત્રામાં જોડાયેલા સૌએ રાષ્ટ્ર ધ્વજના સન્માન સાથે દેશની એકતા, અખંડિતતા અને પ્રતિષ્ઠા સહિત સ્વચ્છતાનો જન-જન સુધી સંદેશ પહોંચાડ્યો હતો.
