*ફતેપુરાના હોળી ચકલા વિસ્તારમાં આજે આખલાઓના આતંકથી અફરાતફરીનો માહોલ સર્જાયો*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરાના હોળી ચકલા વિસ્તારમાં આજે આખલાઓના આતંકથી અફરાતફરીનો માહોલ સર્જાયો*

સુખસર,તા.3

  ફતેપુરામાંભરચક રસ્તા પર બે સાંઢ અચાનક સામસામે આવી જતાં તેમની વચ્ચે જોરદાર લડાઈ શરૂ થઈ હતી.જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી.લડાઈ દરમ્યાન એક આખલો બેકાબૂ બનીને રસ્તા કાંઠે આવેલા એક મકાનમાં સીધો જ ઘૂસી ગયો હતો.અચાનક ઘરમાં સાંઢ ઘૂસી આવતાં ઘરના સભ્યોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

            ઘરમાંથી બહાર નીકળતાં જ આ રઘવાયા થયેલા આખલાએ રસ્તા પરથી પસાર થઈ રહેલી એક સ્કૂટીને જોરદાર ટક્કર મારી પાડી દીધી હતી. આખલાને જોઈને મહિલા સ્કૂટી છોડીને ભાગી હતી.અને સ્થાનિકો તરત જ તેમની મદદ માટે દોડી આવ્યા હતા.રસ્તા પર આખલાઓનો આતંક જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.પરિસ્થિતિ વણસતી જોઈ સ્થાનિકોએ હિંમત દર્શાવી આખલાઓ પર પાણી છાંટીને તેમને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો.ભારે મશક્કત બાદ આખલાઓ શાંત પડ્યા હતા અને રસ્તો ખુલ્લો થયો હતો.

     આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અવારનવાર રખડતાં ઢોરના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય અને આકરાં પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો વતી માંગ ઉઠી છે.

Share This Article