
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરના કંથાગર સરકારી માધ્યમિક શાળામાં સ્ટાફ સાથે અન્યાય..
સરકારી માધ્યમિક શાળા કંથાગર ખાતે વર્ષોથી પટાવાળામાં નોકરી કરતા કર્મચારીને ચોકીદારમાં, જ્યારે એક વર્ષથી આ શાળામાં નોકરી કરતા ચોકીદારને પટાવાળામાં સમાવેશ કરાયો. ?
શાળામાં કર્મચારીની ફેરબદલી કરવા માટે સરકારના પરિપત્ર કે જાહેર ખબર આપવાની જરૂરત નહીં હોવાનું જણાવતા ઇન્ચાર્જ આચાર્ય!
સુખસર,તા.૧૯
ફતેપુરા તાલુકાની કેટલીક સરકારી કચેરીઓમાં જે-તે કચેરીના જવાબદારો દ્વારા સરકારના નિયમોને બાજુ ઉપર રાખી મનસ્વી વહીવટ ચલાવાય રહ્યો હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે.અને નિયમો વિરુદ્ધ વહીવટ ચલાવતા જવાબદારો ને પ્રોત્સાહન મળી રહ્યુ હોય સરકારમાં મનસ્વી વહીવટ ચલાવો તો કોઈ પૂછનાર નહીં હોવાની સરકારને ચેલેન્જ આપી દાખલા મજબૂત બનાવી રહ્યા હોય તેમ જણાય છે.તેવી જ રીતે ફતેપુરા તાલુકાના કંથાગર ખાતે આવેલ સરકારી માધ્યમિક શાળામાં વર્ષોથી સેવક તરીકે નોકરી કરતા એક કર્મચારીને શાળાના જવાબદારો ના મેળાપીપણાથી તેની મૂળ જગ્યાએથી હટાવી ચોકીદારમાં મૂકી અન્યાય કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કંથાગર ખાતે વર્ષ ૨૦૧૧ થી સરકાર સંચાલિત કંથાગર સરકારી માધ્યમિક શાળાના નામે શાળા શરૂ કરવામાં આવેલ છે.આ શાળા બાંધકામ માટે પોતાના મકાનોનું બલિદાન આપનાર બારીયા અનિલભાઈ તેરસિંગભાઈ આ શાળામાં વર્ષ ૨૦૧૭ થી સેવક (પટાવાળા) તરીકે નોકરી આપવામાં આવી હતી.તેમજ આ કર્મચારી દ્વારા છેલ્લા સાતેક વર્ષથી નિયમોનુસાર આ શાળામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.જ્યારે પટાવાળા તરીકે ફરજ બજાવતા અનિલભાઈ બારીયાને ગત બે માસ અગાઉ પટાવાળાની જગ્યા ઉપરથી હટાવી ચોકીદારની કામગીરી સોંપવામાં આવેલ છે.અને આ જગ્યા ઉપર ગત એક વર્ષથી આ શાળામાં ચોકીદાર તરીકે નોકરી કરતા વ્યક્તિને પટાવાળાની જગ્યા સોંપી અનિલભાઈ બારીયા સાથે અન્યાય કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.જોકે ચોકીદારની કે પટાવાળાની જગ્યા ભરવા માટે દૈનિક સમાચાર પત્રોમાં જાહેરાત પણ આપવામાં આવેલ નથી. છતાં ગત બે માસ અગાઉ પટાવાળા તથા ચોકીદારની જગ્યાની ફેરબદલી કરી શાળાના જવાબદારો દ્વારા મનસ્વી વહીવટ ચલાવવામાં આવ્યો હોવાનું અન્યાયના ભોગ બનેલા કર્મચારી દ્વારા જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, કંથાગર સરકારી માધ્યમિક શાળાના આચાર્ય દ્વારા કરાર આધારિત ચોકીદારની જગ્યા ભરવા માટે જાહેર સમાચાર પત્રોમાં જાહેરાત નહીં આપી કોમ્પ્યુટર કોપી કાઢી એક કાગજ શાળાની દિવાલ ઉપર ચિપકાવી દીધેલ છે.તેમજ આ જગ્યાની ભરતી માટે ૨૫ ઓક્ટોબર-૨૦૨૩ સુધીમાં અરજદારોએ શાળામાં અરજી આપવા જણાવ્યું છે. છતાં આ જગ્યા બે માસ અગાઉ પટાવાળા કર્મચારીને ચોકીદારમાં અને ચોકીદારને પટાવાળા કામગીરી સોપી ફેરબદલ કરી દેવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.તેમ છતાં આ શાળામાં ચોકીદારની ભરતી માટે શાળાની દિવાલ ઉપર કોમ્પ્યુટર કોપી કરેલ જાહેરાત ચોંટાડવાની જવાબદારોને જરૂરત કેમ પડી? તેમજ ઇન્ટરવ્યૂ પહેલા કર્મચારીઓની ફેરબદલ કરી ચાર્જ કઈ રીતે સોંપવામાં આવ્યો? અને તે પણ ત્રણ માસ પહેલા!તે પણ એક પ્રશ્ન છે.અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,હાલ આ શાળાના આચાર્ય હેમંતભાઈ પટેલ છેલ્લા એક માસથી કોઈ સરકારી કામગીરી માટે ગોધરા ખાતે હોવાનું જાણવા મળે છે.જ્યારે આ શાળામાં હાલ આચાર્યનો ચાર્જ ગીરીશભાઈ ગણાસવા પાસે છે.
અમારે શાળામાં કર્મચારીઓની ભરતી કરવા માટે સરકારના પરિપત્રની જરૂર પડતી નથી :- (ગીરીશભાઈ ગણાસવા,ઇન્ચાર્જ આચાર્ય,સરકારી માધ્યમિક શાળા કંથાગર)
અમારે શાળામાં કર્મચારીઓની ભરતી કરવા માટે સરકારના પરિપત્રની જરૂર પડતી નથી.અને જે-તે કર્મચારીની ફેર બદલી કે ભરતી કરવાની હોય છે તે શાળા દ્વારા કરવાની હોય છે.તેમજ અનિલભાઈ બારીયાની અરજી મોડી આવતા તેમને ચોકીદારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.તથા જે ચોકીદાર હતા તેમની સમયસર અરજી મળતા પટાવાળાનો ચાર્જ આપવામાં આવેલ છે.