બાબુ સોલંકી:- સુખસર
ફતેપુરા તાલુકાના બલૈયામાં પીવાના પાણી માટે વલખા મારતાં સ્થાનિકો.
બલૈયામાં પીવાની પાણીની વ્યવસ્થા માટે કરવામાં આવેલ ભાણા સિમલ યોજના,નલ સે જલ યોજના મોટર વિથ બોર સહિત સાર્વજનિક કુવાઓ પાછળનો ખર્ચ વ્યર્થ.
બલૈયાના ચૌહાણ,મીઠાઈ તથા બારીયા ફળિયાના સ્થાનિકો પીવાના પાણી માટે દર-દર ની ઠોકરો ખાઈ રહ્યા છે.
સુખસર,તા.28
ફતેપુરા તાલુકામાં પીવાના પાણીની સુવિધા માટે ભાણાસિમલ જૂથ પાણી પુરવઠા યોજના,નલ સે જલ યોજના તેમજ ફળિયાઓ માં બોર વિથ મોટર અને સાર્વજનિક કુવાઓ પાછળ સરકાર દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.છતાં તાલુકાના કેટલા ગામડાંઓના ફળિયાના સ્થાનિક લોકો સુધી સરકારના આયોજન મુજબ અને થતી જાહેરાતો પ્રમાણે મળવો જોઈતો પાણીનો લાભ ઉપલબ્ધ થઈ શક્યો નથી.તેવી જ રીતે બલૈયા ગામના ત્રણેક ફળિયાના સ્થાનિકો ને ભર ચોમાસામાં પીવાના પાણી માટે વલખાં મારવાં પડી રહ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયામાં ભાણા સિમલ જૂથ પાણી પુરવઠા યોજના,નલ સે જલ યોજના સહિત બોર વિથ મોટર તેમજ સાર્વજનિક કુવાઓ પાછળ સરકાર દ્વારા વર્ષો વર્ષ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.છતાં બલૈયા ગામના કેટલાક ફળિયાઓમાં આ લાભ પહોંચી શક્યો નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે.તેમાં ચૌહાણ ફળિયા,મીઠાઈ ફળિયા તથા બારીયા ફળિયામાં આગાઉ ભાણા સીમલ જૂથ પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું.પરંતુ આ લાઈન છેલ્લા પંદર દિવસ ઉપરાંત થી બંધ કરી દેવામાં આવી છે.ત્યારે અહીંયા ના સ્થાનિક લોકો પીવાના પાણી માટે માટલાં ઓ સાથે દર-દરની ઠોકરો ખાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ જોઈએ તો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નલ સેજલ યોજનાની પાઇપલાઇન મહિનાઓ અગાઉ નાખવામાં આવેલ છે.પરંતુ આ યોજનાના શ્રી ગણેશ આજ દિન સુધી કરવામાં આવેલ નથી.અને હાલમાં આ યોજના ગામ માટે શોભાના ગાંઠીયા સામાન સાબીત થઈ રહી છે.
બીજી બાજુ જોઈએ તો તાલુકાના ગામડાઓમાં ફળિયા દીઠ બોર વિથ મોટરની કામગીરી સહિત સાર્વજનિક કુવાઓઓની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ છે.છતાં હાલ ભર ચોમાસામાં પીવાના પાણી માટે સ્થાનિકો વલખા મારી રહ્યા છે.અને આ ત્રણ ફળિયાના લોકો એક વ્યક્તિગત મોટર ધરાવતા વ્યક્તિના ઘરેથી પીવાનું પાણી મેળવી રહ્યા છે.પાણી ભરવા માટે કતારોમાં લાગેલા લોકોમાં બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાય છે.અને આ બાબત સ્થાનિક સહિત તાલુકાના જવાબદાર તંત્રો માટે શરમજનક ગણી શકાય.
ગામમાં નળ શે જળ યોજના અંતર્ગત નળ નાખ્યા પરંતુ પાણી ન આવતા વલખા મારવા પડે છે :-(પનીબેન નાથુભાઈ ચૌહાણ, બલૈયા,સ્થાનિક)
અમારા ચૌહાણ ફળિયા તથા મીઠાઈ ફળિયામાં અને બારીયા ફળિયામાં હાલ નળ દ્વારા આપવામાં આવતું પાણી બંધ હોય અમો પીવાના પાણી માટે માટલા સાથે ગામમાં રઝળપાટ કરી રહ્યા છીએ.અમોએ આ બાબતે ગામના સરપંચ તથા ડેપ્યુટી સરપંચને અનેકવાર રજૂઆતો કરવા છતાં તે પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. અને અમોને પાણી માટે વલખાં પડી રહ્યા છે.તો અમને પડતી પાણીની સમસ્યા તાલુકા તંત્ર દ્વારા વહેલી તકે ધ્યાન આપી નિવારવામાં આવે તેવી અમારી માંગણી છે.