બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના કાળીયા લખણપુરના શિક્ષિત પરિવારની પુત્રીને દહેજ,દારૂ અને ડી.જે વગર સાદાઈથી લગ્ન કરાવી સમાજમાં દાખલો બેસાડ્યો.
બિરસામુંડા ભીલ સમાજના પગલે અને માર્ગદર્શન હેઠળ શિક્ષિત પરિવારની દીકરીને દહેજ વિના લગ્ન કરાવી જીવન જરૂરી કન્યાદાન આપી સાસરીયે વળાવી.
દીકરીના લગ્ન પ્રસંગમાં કેબિનેટ મંત્રી,સાંસદ,ધારાસભ્ય સહિત દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ,જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ઉચ્ચ અધિકારી અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા હતા.
સુખસર,તા.16
દહેજ ના ખપ્પરમાં હોમાઈ જતી નારી નવોઢા અને તેમના ઉપર સાસરી પક્ષ દ્વારા ગુજારવામાં આવતા સિતમ ના બનતા કિસ્સાઓની કોઈ સીમા નથી.અબળા ગણાતી નારીને દહેજના દૂષણ સામે સરકાર દ્વારા કાનૂની કવચ પૂરું પાડવામાં આવેલ છે.અનેક નારી સંરક્ષણ સંસ્થાઓ આ ક્ષેત્રે કાર્યરત રહી સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડે છે.ત્યારે પુરુષ પ્રધાન કહેવાતા આ યુગમાં આદિવાસી સમાજમાં ગણાતી કેટલીક જ્ઞાતિઓમાં અવળીગંગા વહે છે.આ જ્ઞાતિઓમાં વર પક્ષવાળા કન્યાને દહેજ આપે છે.દહેજની રકમ કન્યાના કુટુંબ અને ભણતર મુજબ નક્કી થાય છે.આ રકમ દહેજ રૂપે આપ્યા બાદ જ લગ્ન સંભવિત બને છે.અને ત્યારબાદ સામાન્ય પણે દહેજના પાપે શોષાતી રહેતી નારીઓના જોવા મળતા કિસ્સાઓની જેમ જ આ જ્ઞાતિઓમાં વર શોષાતા રહ્યા છે.શોષિત થતા વરને કાનૂની કવચ કે સામાજિક સંસ્થાઓ તરફથી ખાસ રક્ષણ મળે છે ખરું?એ વિચાર માંગતો પ્રશ્ન છે.
દહેજ આપવું કે લેવું તે કાયદાકીય રીતે ગુનો બને છે.તેમ છતાં કાયદાકીય જોગવાઈઓને વિસારે પાડી આદિવાસી સમાજમાં દહેજ આપ- લેની પ્રથા ફુલિફાલી બિન રોકટોક ચાલી રહી છે.ત્યારે બિરસામુંડા ભીલ સમાજના સભ્યો દ્વારા આદિવાસી સમાજમાં દહેજ પ્રથા નાબૂદ થાય તે પ્રત્યે કાર્યરત છે.જેના પગલે ફતેપુરા તાલુકાના કાળીયા લખણપુર ગામના શિક્ષિત પરિવારની પુત્રીને દહેજ,દારુ અને ડી.જે વગર સાદાઈથી લગ્ન કરાવી સમાજમાં પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મૂળ કાળીયા લખણપુર ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે ઓ.એન.જી.સી મા ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા વિરસિંહભાઈ વાલાભાઈ મછારના પુત્રી દિવ્યાબેન મછાર એમ.એસ.સી બીએડ ના લગ્ન દહેજ,દારુ અને ડી.જે વગર સાદાઇથી દહેજ પેટે એક પણ રૂપિયો લીધા વિના ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના વતની દિલીપસિંહ વીરસિંહભાઈ ચારેલના પુત્ર ગુંજન ભાઈ ચારેલ આસિસ્ટન્ટ એન્જિનિયર સાથે આદિવાસી રીત રિવાજ અને પરંપરા મુજબ સમાજને દહેજ,દારુ અને ડી.જે ના ચક્રમાંથી બહાર લાવવા અને બિરસામુંડા ભીલ સમાજના પગલે અને માર્ગદર્શન હેઠળ દહેજ વગર જીવન જરૂરી સાધન સામગ્રી કન્યાદાન રૂપે આપી પોતાની દીકરી સુખી અને આનંદમય રહે તેવા આશીર્વાદ સાથે દીકરીના લગ્ન કરાવી સાસરીયે વળાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું જાણવા મળે છે.
આ લગ્ન પ્રસંગમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર,દાહોદના સાંસદ જશવંતભાઈ ભાભોર,ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા,દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર તેમજ ઉચ્ચ અધિકારી અને મિત્ર મંડળ સહિત આદિવાસી સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં સગાં સંબંધીઓ અને પરિવારે ઉપસ્થિત રહી કન્યાને આશીર્વાદ આપી સાસરીયે વિદાય આપવામાં આવી હતી.