બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના હડમત શીરા ફળીયા વર્ગ પ્રાથમિક શાળાના બોરની મોટર ચોરી કરી જતા અજાણ્યા તસ્કરો.
શાળાના આચાર્ય દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી.
સુખસર તા.10
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બોર તથા કુવામાં મૂકવામાં આવેલ ઇલેક્ટ્રિક મોટરોની ચોરીના બનાવો બની રહ્યા છે.જે બાબતની સુખસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધમાં લેખિત ફરિયાદો પણ આપવામાં આવે છે.પરંતુ આ મોટર ચોર લોકો સુધી પોલીસ પહોંચી શકતી નથી.જ્યારે કેટલાક કિસ્સાઓમાં મોટર ચોર તસ્કરો ઝડપાય છે,ત્યારે ચોરીનો શિકાર બનેલા પક્ષ તથા તસ્કર પક્ષ દ્વારા સમાધાન કરી લેવામાં આવતા મોટાભાગના મોટર ચોરીના બનાવો પ્રકાશમાં આવતા નથી.જેના લીધે કુવા તથા બોરની મોટર ચોરીના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે.તેવી જ રીતે ગતરોજ રાત્રિના ફતેપુરા તાલુકાના હડમત શીરા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના મૂકવામાં આવેલ બોરની મોટર,કેબલ તથા પાઇપની ચોરી કરી જતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં શાળાના આચાર્ય દ્વારા લેખિત ફરિયાદ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના હડમત ગામના શિરા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં શાળાના બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા માટે સરકારી બોરની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.આ બોરમાં ઈલેક્ટ્રીક મોટર ફીટ કરવામાં આવેલ હતી.અને તેના દ્વારા શાળાના બાળકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું.જ્યારે ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસા સુધી શાળાના બોરમાં ફીટ કરેલી મોટર,પાઇપ તથા કેબલ વાયર સહી સલામત હતા.ત્યારબાદ શાળા છૂટતા શાળાના શિક્ષકો સહિત બાળકો ઘરે જતા રહ્યા હતા.ત્યારબાદ રાત્રીના કોઈપણ સમયે કોઈ જાણ ભેદુ તસ્કરોએ શાળાના બોરને નિશાન બનાવી બોરમાં ફીટ કરવામાં આવેલ ઈલેક્ટ્રીક મોટર,કેબલ વાયર તથા મોટરની પાઇપોની ચોરી થઈ હોવાની આજરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં શાળામાં બાળકો તથા શિક્ષકો આવતા અને પાણી કાઢવા માટે બોરની મોટરની સ્વીચ ચાલુ કરતા પાણી નહીં આવતા શાળાની 100 ફુટ દૂર આવેલ બોર ઉપર જઈ તપાસ કરતા બોરમાં મોટર,કેબલ વાયર તથા પાઇપો જોવા મળી ન હતી.જે બાબતે શાળાના શિક્ષકો દ્વારા આસપાસમાં જાણ કરી હતી.ત્યારબાદ આ બોર માંથી મોટરની ચોરી થઈ હોવાની પાકી ખાતરી થતાં શાળાના આચાર્ય સોનલબેન કાળુભાઈ અમલીયારના ઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતાં સુખસર પોલીસે મોટરની તસ્કરી કરી જનાર તસ્કરોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.