Saturday, 27/11/2021
Dark Mode

દાહોદ:સરકાર તથા તબીબી આલમની ખેંચતાણમાં દર્દીઓને દુ:ખતા ઉપર ડામ કેમ ?તબીબી ક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ દર્દી પ્રજાને રામભરોસે છોડી તેમની જવાબદારી માંથી છટકે તે યોગ્ય નથી.

May 14, 2021
        782
દાહોદ:સરકાર તથા તબીબી આલમની ખેંચતાણમાં દર્દીઓને દુ:ખતા ઉપર ડામ કેમ ?તબીબી ક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ દર્દી પ્રજાને રામભરોસે છોડી તેમની જવાબદારી માંથી છટકે તે યોગ્ય નથી.

બાબુ સોલંકી :- સુખસર 

સરકાર તથા તબીબી આલમની ખેંચતાણમાં દર્દીઓને દુ:ખતા ઉપર ડામ કેમ ?

તબીબી ક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ દર્દી પ્રજાને રામ ભરોસે છોડી તેમની જવાબદારી માંથી છટકે તે યોગ્ય નથી.

પોતાની યોગ્ય માંગણી માટે તબીબી ક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ પ્રજાની મુશ્કેલીના સમયેજ હડતાલ ઉપર ઉતરી પ્રજાને બાનમાં લે તે કેટલા અંશે વ્યાજબી છે ?

( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૩

ગુજરાત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રે ફરજ બજાવતા તબીબી પ્રાધ્યાપકો તેમજ નર્સોની પડતર પ્રશ્નોની માંગણી નહીં સંતોષાતા આખરે તબીબો અને નર્સોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.પોતાના હકની માગણી ન સંતોષાય તો આંદોલનનું હથિયાર ઉગામવુ દરેક નાગરિકનો હક છે.પરંતુ જાહેર ક્ષેત્રે સંકળાયેલા અને પ્રજાની મુશ્કેલીના સમયે સરકાર સામે બાંયો ચડાવી પ્રજાને બાનમાં લેવામાં આવે તે યોગ્ય નથી. જ્યારે હાલ ગુજરાતમાં કોરોના બીમારીએ શહેરી વિસ્તારોથી લઈ ગ્રામ્ય વિસ્તારો સુધી હાહાકાર મચાવ્યો છે. તેમજ હાલમાં પણ કોરોનાના દર્દીઓ સરકારી-ખાનગી દવાખાનાઓમાં સારવાર મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે.તેમજ કેટલાક લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે,અને અનેક લોકોએ સમયસર સારવાર મેળવી મોતને હાથતાળી પણ આપી છે.અને હજી આ રોગચાળો ગુજરાતમાંથી વિદાય લેવા જઈ રહ્યો હોય અને તેવા જ સમયે તબીબી ક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ પોતાની યોગ્ય અને વ્યાજબી માંગણી માટે સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવે અને પ્રજાને દુ:ખતા ઉપર ડામ દેવાય તે હાલના સમયને જોતા યોગ્ય નથી જ.ત્યારે સરકાર અને તબીબી કર્મચારીઓ પ્રજાની મુશ્કેલી સામે જોઈ સમજાવટ કરે તેવી હાલના સમયની માંગ છે.
હાલ તબીબી ક્ષેત્રે સંકળાયેલા ડોક્ટર તથા નર્સોની છેલ્લા ત્રણ થી ચાર વર્ષની પડતર વિવિધ માંગણીઓ માટે સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. તેના માટે વાંધો નથી પરંતુ વાંધો ત્યાં છે કે,હાલ ગુજરાતમાં કોરોનાનો કહેર પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે.અને તેવા સમયે તબીબી ક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવે તેમાં ભોગવવાનું પ્રજાના ભોગે આવે છે. આંદોલન કરવા કે હડતાલ પર ઉતરવુ અથવા પોતાની ફરજ થી અમુક સમય માટે દૂર રહેવું હોય તો સામાન્ય સમયમાં પણ આ કરી શકાય.પરંતુ જ્યારે પ્રજા કોરોનાથી ભયભીત છે.તેવા જ સમયે આંદોલનને હડતાલ પાડી ગરીબ દર્દી પ્રજાને બાનમાં લેવામાં આવે અને તેમાં દર્દી લોકો જાન ગુમાવે તેમાં જવાબદારી સરકારની કે સરકારના જવાબદાર કર્મચારીઓની ? માની લો કે આરોગ્ય કર્મચારીઓ આંદોલન હડતાલ કરે અને ત્યારબાદ તેમની માંગણી સંતોષી આપવામાં પણ આવે પરંતુ નિર્દોષ દર્દીઓનો ભોગ લેવાય તેની ભરપાઈ કોણ કરી આપશે? તબીબો સહિત આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે અને તેઓ જ પોતાની વર્ષોની માંગણી નહીં સંતોષાતા પ્રજાના કપરા સમયમાં ફરજથી અળગા રહી પ્રજાને નુકસાન થાય તેવું પગલું ભરે તે શોભાસ્પદ નથી. હાલ પ્રજાને સરકાર અને તેના જવાબદાર કર્મચારીઓ વચ્ચે વિવાદ શું છે તે જાણવા માગતી નથી.પરંતુ કોરોના સહિત અન્ય બીમારીમાં દર્દીઓને સમયસર સારવાર મળી જાય તે જરૂરી છે.
જ્યારે સરકારે પણ આરોગ્ય લક્ષી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓની વ્યાજની માગણી હોય તો તે સંતોષી આપવી જોઈએ.પરંતુ હાલના સમય અને સંજોગોને જોતા સરકાર અને આરોગ્ય કર્મચારીઓની લડાઈમાં નિર્દોષ પ્રજાનો ભોગ ન લેવાય તે બંને પક્ષે વિચારવું જોઈએ. નહીં તો પ્રજાને થયેલ નુકસાન ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!