બાબુ સોલંકી :- સુખસર
દાહોદના રળીયાતી ખાતે વાલ્મિકી સમાજના સામુહિક આવાસ યોજનાના મકાનોનો દસ વર્ષ ઉપરાંતથી જે-તે લાભાર્થીને કબજો નહીં સોંપાતા ખંડેર હાલતમાં રીનોવેશનની રાહ જોઈ રહ્યા છે..!!
દાહોદના રળીયાતી ખાતે ડૉ. આંબેડકર સફાઈ કામદાર સામૂહિક આવાસ યોજના હેઠળ આવાસ બાંધકામ કરેલ છે
દાહોદના રળીયાતી ખાતે વાલ્મિકી સમાજના 232 જેટલા સામુહિક આવાસ યોજનાના મકાનો વર્ષ 2008 આસપાસમાં બનાવેલા છે.
વાલ્મિકી સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા લાભાર્થીઓ માટે સામૂહિક આવાસ બનાવવા લાભાર્થી દિઠ નામ જોગ રૂપિયા ₹ 3,20000/-હજાર ફાળવવામાં આવ્યા,પરંતુ આ નાણા કોન્ટ્રાક્ટરે ઉપાડ્યા હોવાની ચર્ચા.!
દાહોદ સ્માર્ટ સિટીના લીધે રીનોવેશનની ભલામણ કરવામાં આવેલ છે,પરંતુ જવાબદારોની બેદરકારીથી લાભાર્થીઓને આવાસનો કબજો નહિ સોપાતા ખંડીયેર હાલતમાં ફેરવાયા છે.
સુખસર,તા.03
દાહોદ જિલ્લામાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે કાર્યરત છે. પરંતુ કેટલીક યોજનાઓ સાથે સંકળાયેલા જવાબદારોની બેદરકારીથી સરકારના આયોજન મુજબ લાભાર્થીઓ સુધી લાભ નહીં પહોંચતા કરોડો રૂપિયા વ્યર્થ જાય છે. જેનો વધુ એક જીવતો જાગતો પુરાવો દાહોદના રળીયાતી ખાતે આવેલ વર્ષો અગાઉ ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર સામૂહિક આવાસ યોજના હેઠળ બાંધકામ કરવામાં આવેલ આવાસો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં તેના લાભાર્થીઓને આજ દિન સુધી કબજો નહિ સોપતા બાંધકામ કરવામાં આવેલ આવાસો ખંડીયેરમાં ફેરવાઈ ગયેલા હોવાનું જોવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ દાહોદ જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ દાહોદના માધ્યમથી દાહોદના રળીયાતી ખાતે વર્ષ 2008 ની આસપાસમાં ડૉ. આંબેડકર સફાઈ કામદાર સામૂહિક આવાસ યોજના હેઠળ જે-તે વખતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અનુસૂચિત જાતિના મંત્રી ફકીરભાઈ વાઘેલાના હસ્તે વાલ્મિકી સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે આવાસ યોજનાનુ ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ 232 જેટલા આવાસોના બાંધકામની શરૂઆત પણ કરવામાં આવી હતી.અને આ આવાસના જે-તે લાભાર્થીના નામ જોગ આવાસના બાંધકામ માટે રૂપિયા 3,20,000/-હજાર પ્રમાણે રકમ ફાળવવામાં આવેલ હતી.પરંતુ આ ફળવાયેલ નાણા જે-તે લાભાર્થી ને મળવા જોઈએ તે નાણા લાભાર્થીને નહીં ફાળવી ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા મદદની જિલ્લા મેનેજર દાહોદના માધ્યમથી મળતીયા કોન્ટ્રાક્ટરને આ બાંધકામ સોંપી દઈ નાણાં કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની રીતે કામગીરી કરી મળતીયા જવાબદારોના મેળાપીપણાથી કામગીરી પૂર્ણ થઈ હોવાનું બતાવી બાંધકામ પાછળ થયેલ ખર્ચ રૂપિયા 74,240,000/- કોન્ટ્રાક્ટર દ્વારા ઉપાડવામાં આવેલ હોવાનું જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ આવાસ યોજનાના લાભાર્થીને રૂપિયા 60,000/- હજાર બિન વ્યાજકીય લોન પણ સરકાર દ્વારા મળવાપાત્ર હોય છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, વાલ્મિકી સમાજના 232 લાભાર્થીઓ ના નામ જોગ સામૂહિક આવાસ યોજના હેઠળ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ દાહોદના વડપણ હેઠળ આવાસ બાંધકામ કરવામાં આવેલ છે.ત્યારબાદ અનેક અધિકારીઓ જિલ્લામાં આવ્યા અને ગયા છે પરંતુ આજ દિન સુધી કોઈએ જવાબદારી સ્વીકારી વાલ્મિકી સમાજ માટે કરવામાં આવેલ ખર્ચ તરફ ધ્યાન આપવામાં નહીં આવ્યું હોવાનું જોવા અને જાણવા મળે છે.આવાસ યોજનામાં સમાવેશ કરેલ 13થી14જેટલા લાભાર્થીઓ વર્ષો સુધી આવાસ યોજનાનો લાભ મેળવવા રાહ જોવા છતાં તેઓને લાભ મળ્યો નથી.અને કુદરતી રીતે મરણ ગયેલ હોવાનું પણ જાણવા મળે છે.એક રીતે જોઈએ તો દાહોદ જિલ્લામાં અનુસૂચિત જાતિના લોકો માટે સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચનો સરકારના નિયમ મુજબ સદ્ઉપયોગ થતો નથી તેમાં કોઈ બે મત પણ નથી.આમ એક દલિત સમાજ માટે સરકાર દ્વારા સુવિધા પ્રાપ્તિ માટે કરવામાં આવેલો કરોડો રૂપિયાનો ખર્ચ સ્થાનિક જવાબદારોના પ્રતાપે વ્યર્થ ગયો છે.અને હાલમાં આ સામૂહિક આવાસ યોજનાના મકાનો ખંડીયેર હાલતમાં જોવા મળે છે.જોકે દાહોદને સ્માર્ટ સિટીના દરજ્જામાં સમાવેશ કરવામાં આવેલ છે.ત્યારે આ સામૂહિક આવાસોના રીનોવેશન માટે ભલામણ પણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.પરંતુ તેની કામગીરી કરવા જવાબદારો જવાબદારી લેવા તૈયાર ન હોય તેમ જણાઈ રહ્યું છે.
આમ,અનુસૂચિત જાતિના રોહિત,વણકર તથા વાલ્મિકી સમાજના ઉત્થાન માટે સરકાર દ્વારા વર્ષો વર્ષ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.પરંતુ દાહોદ જિલ્લાના સ્થાનિક જવાબદારોની બેદરકારીથી આ નાણાં વ્યર્થ જઈ રહ્યા છે.અને અનુસૂચિત જાતિના ગરીબી હેઠળ જીવતા પરિવારોને અન્યાય થઈ રહ્યો છે.ત્યારે દાહોદ જિલ્લામાં અનુસૂચિત જાતિના લોકોને થતા અન્યાયની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો પડદા પાછળ છુપાઈ ગયેલી અને ચાલી રહેલી સરકારના નિયમોથી પર એવી અનેક બાબતો પ્રકાશમાં આવી શકે તેમ છે.