બાબુ સોલંકી :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના સુખસરમાં રાહદારી નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનાવતા બેફામ બનેલા વાહન ચાલકો.
પ્રજાપતિ વાસથી આસપુર ચોકડી જતા માર્ગ ઉપર નિર્દોષ રાહદારી લોકોના અનેકવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે.
આજરોજ મોટરસાયકલ ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટમાં લઈ અકસ્માત કરતા બંને પગે,માથામાં તથા શરીરના પાછળના ભાગે ઇજાઓ પહોંચાડી.
સુખસર,તા.03
સુખસર સહીત આસપાસના વિસ્તારમાં ટુ-ફોર વ્હીલર વાહન ચાલકો બેફામ બનતા દિનપ્રતિદિન નાના-મોટા વાહન અકસ્માતો વધતા જાય છે.જેમાં આજરોજ વધુ એક બનાવ સુખસર પોલીસ સ્ટેશન, પ્રજાપતિ વાસથી બેંક ઓફ બરોડા થઈ આસપુર ચોકડી જતા માર્ગ ઉપર મોટરસાયકલ ચાલકે એક આશરે 60 વર્ષીય વૃદ્ધને અડફેટમાં લઈ લઇ અકસ્માત સર્જતા વૃદ્ધને બંને પગે, માથામાં તથા શરીરના પાછળના ભાગે ઇજાઓ થતા તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે મોકલી આપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ સાગડાપાડા ગામના માલાબારીયા ફળિયામાં રહેતા સળીયાભાઈ ગવાભાઈ અમલીયાર ઉંમર વર્ષ આશરે 60 નાઓ સવારના 11:30 વાગ્યાના અરસામાં ઘર સામાન લેવા સુખસર આવ્યા હતા.તે દરમિયાન પ્રજાપતિ વાસથી આસપુર ચોકડી બાજુ પગદંડી જઈ રહ્યા હતા.ત્યારે એક મોટરસાયકલ ચાલકે તેના કબજાની મોટરસાયકલને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી સળિયાભાઈ અમલીયારને અડફેટમાં લીધા હતા.જેથી તેઓ રસ્તા ઉપર પટકાતા બંને પગે,માથામાં તથા શરીરના પાછળના ભાગે ઇજાઓ પહોંચતા તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર બાદ માથાના તથા શરીરના પાછળના ભાગે વધુ ઇજાઓના કારણે સંતરામપુર ખાતે ઓથોપેડિક ખાનગી દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.મોટરસાયકલ ચાલક પાટડીયા ગામનો હોવાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્ત સળિયાભાઈ અમલીયાર બહેરા મૂંગા હોવાનું પણ જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે ઇજાગ્રસ્ત સળિયાભાઈ અમલીયારના ભત્રીજા મુકેશભાઈ જળીયાભાઈ અમલીયારે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.