Tuesday, 16/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં પશુ સારવાર માટે ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સમાં ગણતરીના ગામડાઓ નો સમાવેશ કરાયો:અન્યગામડાઓની બાદબાકી કેમ?

September 21, 2022
        546

બાબુ સોલંકી, સુખસર

 

ફતેપુરા તાલુકામાં પશુ સારવાર માટે ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સમાં ગણતરીના ગામડાઓ નો સમાવેશ કરાયો:અન્યગામડાઓની બાદબાકી કેમ?

 

ફતેપુરા તાલુકામાં 2 એમ્બ્યુલન્સની ફાળવણી કરી 24 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો,જ્યારે 72 ગામડાઓના પશુપાલકો એમ્બ્યુલન્સ સેવાથી વંચિત.

 

ફતેપુરા તાલુકામાં પશુ સારવાર માટે ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સમાં સમાવેશ કરવામાં આવેલ ગામડાઓની માહિતીથી સુખસર પશુ ચિકિત્સક અજાણ.!?

 

સુખસર,તા.21

 

ફતેપુરા તાલુકામાં ફતેપુરા બલૈયા તથા સુખસર ખાતે પશુ સારવાર કેન્દ્રો આવેલા છે.જેમાં પશુઓને ઘર બેઠા સારવાર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા બે એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવેલ છે.અને આ એમ્બ્યુલન્સને જાણ કરતા પશુ ડોક્ટર જે-તે પશુપાલકના ઘરે પહોંચી દવા સારવાર આપી રહ્યા છે.પરંતુ ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સોને તાલુકાના માત્ર 24 ગામડાઓ પૂરતી મર્યાદિત રાખવામાં આવ્યા છેજ્યારે બાકીના પશુપાલકો જે-તે પશુ ચિકિત્સાલયમાં પોતાના પશુને લઈને જાય છે,અથવા તો પશુની ગંભીર સ્થિતિમાં પશુ દવાખાના માંથી જે-તે કર્મચારીને પશુપાલકો ઘરે બોલાવી સારવાર કરાવતા હોય છે.ત્યારે પશુ સારવાર માટે ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ માં તાલુકાના તમામ ગામડાઓનો સમાવેશ થાય અથવા તો નવીન એમ્બ્યુલન્સ મૂકવામાં આવે તે જરૂરી છે.

      જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં 96 ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને તમામ ગામડાઓમાં ખેડૂતો પશુપાલન પણ કરતા આવેલ છે.પશુઓમાં બીમારી કે રોગચાળા જેવા સંજોગોમાં પશુપાલકો ઘર બેઠા પોતાના પશુની સારવાર કરાવી શકે તે હેતુથી સરકાર દ્વારા બે એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવેલ છે.જેમાં એક એમ્બ્યુલન્સ મોટી ઢઢેલી ખાતે ફાળવવામાં આવેલ છેતેમાં 12 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.તે પૈકી મોટીઢઢેલી, નાનીઢઢેલી,નાના બોરીદા,મોટા બોરીદા, માનાવાળા બોરીધા,ઘાણીખૂંટ, હડમત,પટીસરા, વાંસિયાકુઈ,મોટાનટવા,ડબલારા, ભીતોડી ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. 

         જ્યારે બીજી એમ્બ્યુલન્સ ચીખલી ખાતે ફાળવવામાં આવેલ છે. તેમાં વાંકાનેર,હિંગલા,મારગાળા, ખાતરપુરના મુવાડા,પાટડીયા,જવેસી, કુંડલા,લખનપુર,ઝાબપૂર્વ,આસપુર સરસવાપૂર્વ અને ચીખલી ગામનો સમાવેશ કરવામાં આવેલ છે.આમ બે એમ્બ્યુલન્સ 24 જેટલા ગામડાઓમાં પશુઓને સારવાર આપવા કોલ મળતા પહોંચી જતી હોય છે.જ્યારે તાલુકાના 72 જેટલા ગામડાના પશુપાલકો આ સેવાથી વંચિત છે.અને પોતાના પશુની બીમારીમાં કોઈપણ હાલતે પશુ સારવાર કેન્દ્ર ખાતે પોતાના પશુઓને લઈને જતા હોય છે અથવા તો પશુ સારવાર કેન્દ્રમાંથી કોઈ કર્મચારીને પોતાના ઘરે બોલાવવા પડતા હોય છે.ત્યારે પશુ સારવાર માટે પશુની બીમારીના ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સમાં દરેક ગામડાનો સમાવેશ કરવામાં આવે તેવી પશુપાલકોની માંગ ઉઠવા પામેલ છે.

     અહીંયા એ પણ નોંધનીય બાબત છે કે,પશુ સારવાર એમ્બ્યુલન્સમાં સમાવેશ કરવામાં આવેલ ગામડાઓ ની માહિતી માટે અમારા પ્રતિનિધિએ મોબાઈલથી પૂછપરછ કરતા ફતેપુરા તાલુકા પશુ ચિકિત્સક નુરદાસ સંગાડા દ્વારા જણાવાયું હતું કે,પશુ સારવાર એમ્બ્યુલન્સમાં કયા-કયા ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની જાણકારી મારા પાસે નથી અને તેની માહિતી મેળવવી હોય તો અમદાવાદ ખાતે પૂછપરછ કરવી પડશે.મને આ બાબતે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું!ત્યારે પ્રશ્ન એ થાય કે, ફતેપુરા તાલુકાના પશુ ચિકિત્ચાલય ના જવાબદારને જો પશુ સારવાર એમ્બ્યુલન્સમા કેટલા ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની જાણકારી ન હોય તો ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને અભણ ખેડૂત પશુપાલકોને પોતાના ગામનો સમાવેશ પશુ સારવાર એમ્બ્યુલન્સમાં કરવામાં આવ્યો છે કે કેમ?તેની જાણકારી ક્યાંથી હોય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!