બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના વાઘવડલા ગામના 22 વર્ષીય યુવાનની પત્ની,સસરા તથા સાળા દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ.
મૃતક યુવાન ત્રણ માસ અગાઉ ધાનપુર તાલુકાની યુવતીને પોતાના ઘરમાં પત્ની તરીકે લાવ્યો હતો.
છોકરા-છોકરી પક્ષની પંચોએ સમાધાન કરી લેવડ-દેવડ પૂરી થતાં સસરાએ પુત્રી-જમાઈને જુનાગઢ થી મળવા માટે ચાંગોદર બોલાવ્યા હતા.
ચાંગોદર પોલીસ દ્વારા મૃતક યુવાનની લાશ કબજે લઈ પીએમ અર્થે મોકલી આપી.
સુખસર,તા.14
ફતેપુરા તાલુકાના વાઘવડલા ગામના એક યુવાનના પરિચયમાં ધાનપુર તાલુકાની યુવતી સાથે અમદાવાદ ચાંગોદર ખાતે કંપનીમાં કામ કરતા પરિચય થયો હતો.સમય જતા બંને વચ્ચે પ્રેમ પાંગરતા ગત ત્રણેક માસ અગાઉ સાથે જીવવા મરવાના કોલ સાથે ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ બંને પક્ષોની પંચોએ મળી સમાધાન કરી સમાજના રિવાજ પ્રમાણે લેવડ-દેવડ પૂર્ણ કરી હતી.અને યુવાન-યુવતી પોતાનો ઘર સંસાર ચલાવી રહ્યા હતા.જેઓને યુવતીના પિતાએ જે કંપનીમાં પરિવાર સાથે મજૂરી કામ કરે છે ત્યાં સોમવારના રોજ અમદાવાદના ચાંગોદર ખાતે મળવા બોલાવ્યા હતા.ત્યારે મંગળવાર રાત્રિના યુવાન સાથે અજુકતો બનાવ બન્યો હોવાનું અને યુવાનની લાશ ગળે ફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં સસરાના મકાનમાંથી મળી આવતા મૃતક યુવાનને મોતને ઘાટ ઉતારી હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવા કોશિશ કરવામાં આવી હોવાનો મૃતક યુવાનના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.હાલ પરિવારજનો અમદાવાદ ખાતે ગયા હોવાનું જાણવા મળે છે.મૃતક યુવાને આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે પીએમ રિપોર્ટ બાદ જ સત્યતા બહાર આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના વાઘવડલા ગામના કલ્પેશભાઈ લવજીભાઈ દામા ઉંમર વર્ષ આશરે 22 નાઓ અગાઉ અમદાવાદના ચાંગોદર ખાતે કંપનીમાં મજૂરી કામે ગયેલા હતા.જ્યાં ધાનપુર તાલુકાનો એક પરિવાર ચાંગોદર કંપનીમાં મજૂરી કરવા માટે આવેલ હતો.ત્યાં ધાનપુર તાલુકાના રાધિકાબેન મંગાભાઈ વહોનીયા રહે. નાનીમલુ ગામના નિશાળ ફળિયા તા.ધાનપુર જિ.દાહોદ નાઓ પણ કંપનીમાં મજૂરીકામ કરતી હતી.ત્યારે કલ્પેશ તથા રાધિકાની આંખ મળી જતા પ્રેમના અંકુરો ફૂટ્યા હતા.સમય જતા આ બંને પ્રેમી પંખીડા ઓએ સાથે જીવવા મરવાના કોલ સાથે ગત ત્રણેક માસ અગાઉ ત્યાં ત્યાંથી ભાગી છુટ્યા હતા.ત્યારબાદ વાઘવડલા તથા નાનીમલુ ગામની પંચોએ મળી સમાજમાં ચાલતા રિવાજ મુજબ કરી સમાધાન કર્યું હતું.અને હાલમાં જુનાગઢ ખાતે આ કપલ ખેતીવાડીમાં ભાગીયા તરીકે મજુરી કામ કરી પોતાનો ઘર સંસાર ચલાવી રહ્યા હતા. જ્યારે 12 સપ્ટેમ્બર 2022 ના રોજ કલ્પેશ તથા રાધિકાને રાધિકાના પિતા મંગાભાઈ વહોનીયાએ જુનાગઢ થી મળવા માટે ચાંગોદર તેઓ જે કંપનીમાં મજૂરી કામ કરતા હતા ત્યાં બોલાવ્યા હતા.જેથી તેઓ ચાંગોદર ખાતે આવ્યા હતા.જ્યારે ગત રાત્રીના કલ્પેશ સાથે કોઈક અધટીત ઘટના બની અને કલ્પેશની શંકાસ્પદ હાલતમાં લાશ તેના સસરાના મકાન માં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેની જાણ ચાંગોદર પોલીસમાં કરવામાં આવી હતી. ચાંગોદર પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી આપી હોવાનું જાણવા મળે છે.
હાલ મૃતક કલ્પેશના પરિવારજનો કલ્પેશની હત્યા કરવામાં આવી હોવા બાબતે અને હત્યાના બનાવ ને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.અને આ હત્યા કલ્પેશની પત્ની રાધિકાબેન,સસરા મંગાભાઈ તથા તેના સાળાએ કરી હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે.ત્યારે કલ્પેશે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે?તે પીએમ રિપોર્ટ બાદજ સત્ય હકીકત પ્રકાશમાં આવશે.પરંતુ દાંપત્ય જીવનમા ડગ માંડે તે પહેલા જ એક આશાસ્પદ જુવાન જોધ યુવાન પુત્રના અકાળે નીપજેલા મોતથી પરિવારજનોમાં હાહાકાર સાથે શોકની કાલીમાં છવાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.