બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના ઘાણીખુંટ હાઇવે માર્ગથી પીકપ ડાલામાં ઝાલોદ કતલખાને લઈ જવાતા ચાર પશુઓ ઝડપી પાડતી સુખસર પોલીસ.
સુખસર પોલીસે ચાર ભેંસો જેની કિંમત રૂ 40,000/- તથા પીકપ ડાલાની કિંમત રૂપિયા 2,15000/- મળી કુલ 2,55000/- હજાર રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો.
કતલખાને પહોંચાડવા પશુની હેરાફેરીમાં સંડોવાયેલા બે આરોપીઓની બાતમીના આધારે પોલીસ દ્વારા ધરપકડ કરી.
સુખસર,તા.14
કતલખાનાઓને ધમધમતા રાખવા મૂંગા પશુઓની હેરાફેરી કરતા તત્વો ફતેપુરા તાલુકાના નાના-મોટા માર્ગો ઉપરથી દરરોજ પસાર થઈ રહ્યા છે.પંચમહાલ,મહીસાગર જિલ્લામાંથી વહન કરવામાં આવતા ઘરડા અને અસક્ત પશુઓ વર્ષોથી રાજસ્થાનના કતલખાનાઓ સુધી પહોચાડવામાં આવી રહ્યા છે.છતાં મોટાભાગના કતલખાનાઓ માટે પશુઓની હેરાફેરી કરતા તત્વો અનેક પોલીસ સ્ટેશન પાર કરી સહી સલામત જે-તે કતલખાના સુધી પશુઓને પહોંચાડી દેતા હોય છે.જોકે જે રસ્તા ઉપરથી નિયમિત કતલખાના સુધી મૂંગા પશુઓની હેરાફેરી કરતા લોકોને બાતમીના આધારે વર્ષમાં એકાદ-બે વાર ઝડપી કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં આવે છે. તેવી જ રીતે મંગળવારના રોજ સુખસર પોલીસે સંતરામપુર થી ઝાલોદ જતા ઘણીખુંટ ગામે હાઇવે માર્ગ ઉપરથી ચાર ભેંસો ભરેલ પીકઅપ ડાલાને ઝડપી તેમાં સંડોવેલા બે આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારના રોજ સંતરામપુર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપરથી પીકપ ડાલા નંબર-જીજે-20.યુ-3500 માં ચાર ભેસો ભરી કતલખાને લઈ જવામાં આવી રહી હોવા બાબતે સુખસર પીએસઆઇ એમ.કે.પટેલનાઓને ચોક્કસ બાતમી મળતા સુખસર પોલીસ બાતમી વાળી ગાડીની તપાસ અર્થે ઘણીખૂટ ગામે હાઇવે માર્ગ ઉપર વોચમાં ગોઠવાઈ હતી.અને બાતમી વાળી ગાડી આવતા તેને ઉભી રાખી આ પીકઅપ ડાલાના ચાલક તથા તેની સાથેના ઈસમની પશુઓની હેરાફેરી બાબતે પૂછપરછ કરતા તેઓએ ગલ્લા ગલ્લા કર્યા હતા.અને આ પશુઓ કતલખાનામાં લઈ જવામાં આવતા હોવાની ખાતરી થતાં પશુઓની હેરાફેરીમાં સંડોવાયેલા ઇસમોની પૂછપરછ કરી તેઓના નામ પૂછતા પિકઅપ ડાલા ચાલક જીગરભાઈ બાબુભાઈ કટારા રહે.ઝાલોદ નવા ધરાફળીયુ તથા ઇરફાન રહીમ મુકુલ રહે.ઝાલોદ માંડલી ફળિયા,તાલુકો.ઝાલોદનાઓની ધરપકડ કરી હતી.સુખસર પોલીસે પીકપ ડાલા સાથે ચાર ભેંસોનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં ચાર ભેંસોની કિંમત રૂપિયા 40,000/- તથા પીકઅપ ડાલાની કિંમત રૂપિયા 2,15000/- મળી કુલ રૂપિયા 2,55000/- ની કિંમતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલ છે.જ્યારે ઝડપાયેલ ભેંસોને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
સુખસર પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરીમાં સંડોવાયેલા જીગર કટારા તથા ઇરફાન મુકુલની વિરુદ્ધમાં ધી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ 11(1)(ડી)(ઇ)(એફ)(એચ) મુજબનો પશુધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે