બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકામાં તંત્ર દ્વારા એગ્રો સેન્ટરોની તપાસ હાથ ધરાતા સંચાલકોમાં ફાફડાટની લાગણી વ્યાપી.
ફતેપુરા તાલુકામાં એગ્રો સેન્ટરના સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી ખાતરના વધુ ભાવો પડાવતા હોવાના સમાચારો પ્રગટ થયા હતા.
સરકારના નિયમ મુજબ યુરિયા ખાતરની 45 કિલો એક બેગના રૂપિયા 266.50 પૈસાના ભાવે ખેડૂતોને આપવા એગ્રો સેન્ટરના સંચાલકો મજબૂર બન્યા!
સુખસર,તા.04
ફતેપુરા તાલુકામાં હાલ ખેડૂતોને ખેતીમાં ખાતર આપવાનો સમય ચાલુ થઈ ગયેલ છે.તેવા સમયે તાલુકામાં ચાલતા અનેક એગ્રો સેન્ટરોમાં સરકારના નિયત ભાવ કરતાં વધુ ભાવો વસૂલાત કરતા એગ્રો સેન્ટર સંચાલકોની વિરુદ્ધમાં સમાચારો પ્રગટ થતાં આજરોજ દાહોદ જિલ્લા તંત્ર દ્વારા સુખસર,બલૈયા તથા ફતેપુરામાં એગ્રો સેન્ટરોની તપાસ હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.અને દાહોદ જિલ્લા નાયબ ખેતીવાડી નિયામક કચેરીના જવાબદારો દ્વારા એગ્રો સેન્ટરના સંચાલકોને સરકારના નિયત ભાવ મુજબ જ ખાતર વેચાણ કરવા કડક સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ હાલમાં મકાઈ,તુવર,અડદ તથા ડાંગર જેવા પાકોની ખેતીમાં ખાતર નાખવા નો સમય ચાલી રહ્યો છે.તેવા સમયે તાલુકામાં સરકાર માન્ય એગ્રો સેન્ટરોમાં એગ્રો સેન્ટરના સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી સરકારના નિયત ભાવ કરતા વધુ નાણા પડાવવામાં આવતા હોવા બાબતે દાહોદ લાઈવ સહિત દૈનિક સમાચાર પત્રોમાં સમાચારો પ્રગટ થતા આજરોજ દાહોદ જિલ્લા નાયબ ખેતી નિયામકની કચેરીના કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં ખરેખર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ યુરિયા ખાતરની 45 કિલોની એક બેગના રૂપિયા 266.50 પૈસાના ભાવે ખેડૂતોને ખાતર આપવાનું હોવા છતાં ફતેપુરા તાલુકાના એગ્રો સેન્ટરોમાં રૂપિયા 280/- થી 330/- સુધી ભાવો વસૂલાત કરવામાં આવતા હોવા અંગે અમારા પ્રતિનિધિને જાણ થતા તે બાબતે માહિતી લઈ સમાચારો પ્રકટ કરતા આજરોજ દાહોદ જિલ્લાના તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.તેમજ યુરિયા ખાતરના નિયત ભાવ કરતા વધુ ભાવ વસૂલાત કરવામાં આવતા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું.ત્યારે તંત્ર દ્વારા એગ્રો સેન્ટરના સંચાલકોને સરકારના નિયમ પ્રમાણે ભાવો વસૂલાત કરી ખાતર વેચાણ કરવા કડક સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, હાલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરતા ફતેપુરા તાલુકામાં એગ્રો સેન્ટરના સંચાલકોએ સરકારના નિયત ભાવ મુજબ ખાતર વેચાણ કરવા મજબૂર બન્યા છે.પરંતુ સમય જતા ફરીથી ખાતર વેચાણમાં એગ્રો સેન્ટરના સંચાલકો દ્વારા ખાતર,બિયારણ તથા દવાઓના ભાવમાં લૂંટ ચલાવાય નહીં તે બાબતે વહીવટી તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવી ખૂબ જ જરૂરી જણાય છે.