Saturday, 20/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં આધુનિક ખેતી પદ્ધતિથી અજાણ ખેડૂતોને પૂરતું ઉત્પાદન નહીં મળતા હાલત ઠેરની ઠેર.

June 12, 2022
        836
દાહોદ જિલ્લામાં આધુનિક ખેતી પદ્ધતિથી અજાણ ખેડૂતોને પૂરતું ઉત્પાદન નહીં મળતા હાલત ઠેરની ઠેર.

બાબુ સોલંકી, સુખસર

 

દાહોદ જિલ્લામાં આધુનિક ખેતી પદ્ધતિથી અજાણ ખેડૂતોને પૂરતું ઉત્પાદન નહીં મળતા હાલત ઠેરની ઠેર.

ગ્રામ સેવકોની કામગીરી સામે પ્રશ્નાર્થ:મોબાઇલ એપ વિગેરે અભણ ખેડૂતો માટે બિન ઉપયોગી: આડેધડ દવા,બિયારણ વિગેરે પાછળ ખર્ચથી ખેડૂતોના માથે ભારણ વધે છે.

વધતા જતા વસ્તી વધારાને ધ્યાનમાં રાખી ખેત ઉત્પાદન વધારવું ખૂબ જ અગત્યનું છે.

ખેત ઉત્પાદન ઘટતા પ્રજા ભૂખમરામાં સપડાય તથા દેશ દેવાદાર બને તે પહેલા ચેતી જવાની જરૂર છે.

 

સુખસર,તા.12

ભારત ખેતીપ્રધાન દેશ છે.કૂદકે ને ભૂસકે વધતા જતા વસ્તી વધારાને ધ્યાનમાં રાખી ખેત ઉત્પાદન વધારવું ખૂબ જ આવશ્યક છે.જો ખેત ઉત્પાદન વધશે તો દેશ દેવાદાર બનતો અટકશે તથા ભૂખમરામાં સબડતાં લોકોને બે ટંક ભોજનની પણ સરળતા થશે.દાહોદ જિલ્લાના મોટાભાગના ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ વિશે જાણકારી નથી.તેઓને ગ્રામસેવક દ્વારા સિઝન પ્રમાણે નિયમિત આધુનિક ખેતી પદ્ધતિ વિશે જાણકારી મળી રહે તે પ્રત્યે લાગતા-વળગતા જવાબદાર અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી ખેડૂત પુત્રોની માંગ ઉઠવા પામેલ છે.દાહોદ જિલ્લામાં એંસી ટકા લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા છે.તન તથા મનથી ખેત ઉત્પાદન વધારવા રાત-દિવસ મહેનત મજૂરી કરવા છતાં ખેતીવાડી માંથી ધારી ઉપજ મેળવી શકતા નથી. જેનું કારણ છે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ વિશે જાણકારી નથી.ખેડૂતો મરજી માફક ખાતર,દવા આપી ખેતીને નુકશાન કરે છે.જિલ્લામાં ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ વિષે સિઝન પ્રમાણે નિયમિત ખેત પદ્ધતિ વિશે માહિતી મળી રહેતો ખેડૂતો ખેત ઉત્પાદન વધારી શકે.ખેતીવાડી સાથે સંકળાયેલા ખેડૂતો માટે ગ્રામ સેવકનો ફાળો અતિ મહત્ત્વનો હોય છે.જેમાં ગ્રામસેવક દ્વારા ખેડૂતોને ખેતી વિષયક માહિતીથી વાકેફ કરવાના હોય છે. જેમાં સુધારેલા બિયારણો ખેડૂતો જાણે,સમજે તથા તેનો ખેતીવાડીમાં ઉપયોગ કરી આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી ખેત ઉત્પાદન વધારી શકે તથા ખેતીવાડીમાં નુકસાન કરતી જીવાતો તથા તેના ઉપાય વિશે માહિતગાર કરી નુકસાનીમાંથી બચી શકે તે બાબતે જાણકારી આપી ખેતીમાં થતા નુકસાનથી બચી શકે તે વિશે સજાગ કરવાના હોય છે.પરંતુ મોટા ભાગના ગ્રામ સેવકો ખેડૂત પાસે જવાનું ટાળતા હોય છે.જેથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિ વિશે અજાણ છે.

સરકાર દ્વારા ખેતીવાડીના કોઈપણ પ્રકારના પ્રશ્નના નિરાકરણ માટે ગામડે-ગામડાંઓમાં ગ્રામ સેવકો જેવા કર્મચારીઓની નિમણુક કરવામાં આવેલ છે.પરંતુ ગ્રામ સેવકો જાણે સરકારનું છુપુ ઘરેણું હોય તેમ ગ્રામ્ય વિસ્તારોમાં તેમના દર્શન દુર્લભ છે. ત્યારે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ ની જાણકારી મળવી તે જોજનો દૂરની વાત છે.ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિથી અજાણ હોય બાપદાદાની પરંપરાથી ચાલી આવેલ પદ્ધતિ મુજબ ખેતી કરતા હોય તેમાં કોઈપણ પ્રકારનો સુધારો વધારો નહીં કરાતા તે જમીનમાં વર્ષોથી એક જ પ્રકારની ખેતી કરતા હોય ખેત ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે.મોટાભાગના ગ્રામ સેવકો પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહેતા હોય તે બદલ પ્રથમ કસૂરવાર હોય તો જે તે ગ્રામ પંચાયતના સરપંચ, બીજા નંબરે તલાટી કમ-મંત્રી તથા ખેડૂતોનો પણ ઓછો કસુર ગણી શકાય નહી.જોકે ગ્રામજનો તટસ્થ હોય તો જે-તે ગ્રામસેવક તેમની ફરજ પ્રત્યે બેદરકાર રહે તેટલી કોઇપણ સરકાર દ્વારા ગ્રામ સેવકોને સત્તા આપવામાં આવેલ નથી.

 દાહોદ જિલ્લામાં પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહેતા ગ્રામ સેવકો સિઝન પ્રમાણે ખેડૂતોના સંપર્કમાં રહે તથા ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિ અપનાવે તે તરફ ધ્યાન આપે તો ખેડૂતો પોતાની ખેતીવાડી દ્વારા સારી ઉપજ મેળવી શકે તેમ છે.પરંતુ ખેડૂતોમાં આધુનિક ખેત પદ્ધતિ વિશેની જાણકારીનો અભાવ છે.જ્યારે ખેડૂતો માટેની મોબાઈલ એપ વિગેરે અભણ ખેડૂતો માટે બિન ઉપયોગી છે.અને ખેડૂતો પોતાની રીતે આડેધડ દવા, બિયારણ વિગેરે પાછળ ખર્ચ કરે છે. અને તેનું ભારણ ખેડૂતોના માથે વધે છે.છતાં પણ ખેડૂતો ખેત ઉત્પાદન વધારી શકતા નથી.ત્યારે યાદ રાખવું જરૂરી છે કે,જો ખેત ઉત્પાદન ઘટશે તો દેશ દેવાદાર બનશે અને પ્રજા ભૂખે મરશે તે ભૂલવું જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!