
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ તળાવમાંથી ટાઢીગોળી ગામની 19 વર્ષીય યુવતીની લાશ મળી આવતા ચકચાર.
મૃતક યુવતી તળાવ ઉપર કપડાં ધોવા ગયા બાદ ત્રણ દિવસથી લાપત્તા હતી.શોધખોળ દરમિયાન તેની લાશ તળાવમાંથી મળી.
સુખસર,તા.28
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં અધટીત ઘટનાઓ રોજબરોજ વધી રહી છે.તેમાં એક બનાવની શાહી જ્યાં સુકાતી નથી ત્યાં જ બીજો અપમૃત્યુના બનાવનો કિસ્સો બહાર આવી રહ્યો છે.તેવોજ વધુ એક કિસ્સો આજરોજ પ્રકાશમાં આવ્યો છે. તેમાં ટાઢીગોળી ગામની ત્રણ દિવસથી લાપત્તા 19 વર્ષીય યુવતીની લાશ નીંદકાપૂર્વ તળાવમાંથી મળી આવતા સુખસર પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ટાઢીગોળી ગામે રહેતા વેલજીભાઈ ભાવજીભાઈ વસૈયાને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હતી.જેમાં પુત્રના લગ્ન થઈ ગયેલા છે. જ્યારે પુત્રી રીનાબેન વેલજીભાઈ વસૈયા ઉંમર આશરે 19 વર્ષ જે દસમા ધોરણ સુધી ભણ્યા બાદ ઘરે ઘરકામ કરતી હતી.રીનાબેન મંગળવારના રોજ તળાવ ઉપર દાદી સાથે કપડા ધોવા માટે ગઈ હતી.અને તેની દાદી દાંતણ લેવા માટે તળાવથી થોડે દૂર ગયા હતા.જ્યારે તેઓ પરત આવતા રીનાબેન જોવા મળી ન હતી. અને તે ઘરે જતી રહી હોવાનું જાણી રીનાબેનની દાદી ઘરે જતા રહ્યા હતા. પરંતુ રીનાબેન ઘરે નહીં પહોંચતા અને શોધખોળ કરતા પણ રીના બેનનો કોઈ પત્તો લાગ્યો ન હતો.અને છેલ્લા ત્રણ દિવસથી લાપતા થઈ હતી.અને જેની શોધખોળ ચાલુ હતી.તે દરમિયાન આજરોજ રીનાબેનનો ભાઈ તળાવ બાજુ જતા તળાવના પાણીમાં કોઈ મહિલાની લાશ હોવાનું નજરે પડતા આ વાત ગામમાં વાયુવેગે ફેલાઇ ગઇ હતી.અને લાશને જોતા આ લાશ રીનાબેનની હોવાનું માલુમ પડતા પરિવારજનોમાં રોકકળ મચી જવા પામી હતી.ત્યારબાદ નીંદકાપૂર્વ તળાવમાં યુવાન મહિલાની લાશ હોવાની જાણ સુખસર પોલીસને કરવામાં આવતા સુખસર પોલીસે ઘટના સ્થળે જઇ લાશનો કબ્જો મેળવ્યો હતો.અને પંચનામા બાદ લાશને પી.એમ અર્થે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવી હતી.
ઉપરોક્ત બાબતે મૃતક રીનાબેન ના ભાઈ અશ્વિનભાઈ વેલજીભાઈ વસૈયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અકસ્માતે તળાવના પાણીમાં પડવાથી મોત નીપજયું હોવા બાબતે જાણવાજોગ નોંધ કરી લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી પી.એમ બાદ લાશનો કબજો વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.