
સીન્ગોર તાલુકાના રાણીપુર ગામે નિંદ્રાધીન 60 વર્ષથી વૃદ્ધ મહિલા પર દીપડાનો હુમલો, વૃધ્ધાને સારવાર અર્થે દવાખાને ખસેડાઇ…
દાહોદ તા.3
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રાણીપુર ગામએ ઘરમાં મીઠી નિંદર માણી રહેલ એક ૬૦ વર્ષીય વૃદ્ધ મહિલા ઉપર દીપડાએ હુમલો કરતાં ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને વડોદરાની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યાનું જાણવા મળે ત્યારે દીપડાના હુમલાના પગલે વૃદ્ધાએ બૂમાબૂમ કરી મૂકતા દીપડો ભાગી ગયો હતો. આ અંગેની જાણ સ્થાનિક વનવિભાગને કરાતા તેઓ પણ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દિપડાને પાંજરે પુરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સીંગવડ તાલુકાના રાણીપુર ગામે રહેતા 60 વર્ષીય ભાભોર ભુરકિબેન ચુનિયાભાઈ આજરોજ વહેલી સવારે ૪ થી ૫ના સમયગાળા દરમિયાન પોતાના ઘરમાં ઓસરીના ભાગે ઊંઘી રહ્યા હતા અને ઘરનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો ત્યારે હિંસક દિપડાએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મીઠી નિંદર માણી રહેલા ભુરકિબેનને ઓઢી રાખેલ ગોદડી ખેચી હતી અને ભુરકિબેનનો હાથ બહારના ભાગે નીકળતા દીપડાએ પંજા માર્યા હતા તેમજ બચકા ભર્યા હતા. ભુરકિબેને બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ દરમિયાન દીપડો નાસી ગયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત ભુરકિબેનને પ્રથમ દાહોદની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી ગોધરા લઈ ગયા હતા જ્યાં ભુરકિબેનની સ્થિતિ નાજુક જણાતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક વનવિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં હાલ દીપડાને પાંજરે પૂરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે.