પ્રોહિબિશનના ગુનામાં સિંગવડ તાલુકાના કેસરપુર ગામના બુટલેગરને દાહોદ LCB પોલીસે પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં ધકેલ્યો..
દાહોદ તા.૨૬
પ્રોહીબીશનના અસામાજીક પ્રવૃતિ ગુન્હામાં સંડોવાયેલ ઈસમને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી દાહોદ કલેક્ટર સમક્ષ રજુ કરતાં કલેક્ટર દ્વારા આરોપીને પાસા હેઠળ ધકેલવાનો હુકમ કરતાં દાહોદ જિલ્લાના બુટલેગર આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વિધાનસભાની ચુંટણી શાંતિ પુર્ણ માહૌલમાં યોજાઈ તેવા હેતુસર દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓ ડામવા, નાસતા ફરતાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા, અસામાજીક તત્વો સામે કાર્યવાહી સહિત અનેક કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલ આરોપી શૈલેષભાઈ દલાભાઈ પટેલ (રહે. તળાવ ફળિયું, કેસરપુર, તા.સીંગવડ, જિ.દાહોદ) નાને ઝડપી પાડ્યો હતો. આરોપીને ઝડપી પાડી દાહોદ એલ.સી.બી. પોલીસે દાહોદ જિલ્લા કલેક્ટર સમક્ષ રજુ કરતાં કલેક્ટર દ્વારા આરોપી વિરૂધ્ધ પાસા પ્રપોઝલ ગ્રાહ્ય રાખી પાસા હેઠળ અટકાયત કરવાનું વોરંટ ઈસ્યુ કરતાં આરોપીને જિલ્લા ભુજ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.