બાબુ સોલંકી :- સુખસર
સંતરામપુરના નવા ડબગરવાડ વિસ્તારમાં ગટરના રેલાતા પાણીના નિકાલ માટે સ્થાનિકો દ્વારા નગરપાલિકા સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત.
રહેઠાણ વિસ્તારમાં રેલાતા પાણીના કારણે માખી મચ્છરોનો ઉપદ્રવ તથા કાદવ કિચડ થતાં રોગચાળો ફાટી નીકળવાનો સ્થાનિકોમાં ભય.
નગરપાલિકાના જવાબદારોને અનેકવાર રૂબરૂ મળી સમસ્યાનુ સમાધાન કરવા જણાવવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં સ્થાનિકોએ લેખિતમાં રજૂઆત કરી.
સુખસર તા.04
સંતરામપુર તાલુકાના મુખ્ય મથક સંતરામપુરના નવા ડબગરવાડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વરસાદી તથા ઘર વપરાશના પાણીના નિકાલ માટે ગટર લાઈનની સુવિધા કરવામાં આવેલ ન હોવાના કારણે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા કાદવ કીચડ સાથે માખી મચ્છરોનો ઉપદ્ર વધતો જાય છે.જે બાબતની સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખને રૂબરૂ મળી અનેક વાર રજૂઆતો કરવા છતાં ગટર લાઈનની સુવિધા નહીં થતા આ બાબતે સ્થાનિકો દ્વારા નગરપાલિકા સહિત મામલતદાર સંતરામપુર તથા મહીસાગર જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ સંતરામપુર બાયપાસ રોડ,બીજેપી કાર્યાલય સામે આવેલ નવા ડબગર વાડ વિસ્તારમાં અનેક સ્થાનિકો પરિવાર સાથે વસવાટ કરે છે.પરંતુ અહીંયા ગટર લાઈનના અભાવે વરસાદી તથા ઘર વપરાશના પાણીનો નિકાલ ન હોવાના કારણે ઊંચાઈવાળા મકાનોના પાણી એક જ જગ્યા ઉપર જમા થતા કાદવ,કીચડ,ગંદકી થતી હોય છે અને તેના લીધે માખી મચ્છરનો ઉપદ્ર પણ વધી રહ્યો છે. જેના લીધે રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેસત વર્તાઈ રહી છ.અને આ બાબતે સ્થાનિકો દ્વારા સંતરામપુર નગરપાલિકાના જવાબદારોને અનેકવાર રૂબરૂ તેમ જ ફોન દ્વારા તેમને નડતી સમસ્યા બાબતે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરેલ ન હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળે છે.અને માંગણી કરવામાં આવે છે કે, નવા ડબગરવાડ ખાતે ભૂગર્ભ ગટર યોજના હેઠળ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરી સ્થાનિકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે તેમજ જ્યાં સુધી ભૂગર્ભ ગટરની કામગીરી નહીં થાય ત્યાં સુધી નવા ડબગરવાડમાં સફાઈ કામદારો દ્વારા અઠવાડિયામાં કમ સે કમ એકવાર સાફ-સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ તથા સંતરામપુર મામલતદાર સહિત મહીસાગર જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.