ગૌરવ પટેલ ,લીમખેડા
રાજય સરકારની વનબંધુ યોજનાઓ આદિજાતિ સમાજના સર્વાંગી
વિકાસ માટે આશીર્વાદરૂપ બની રહી છે – મંત્રી શ્રી બ્રિજેશ મેરજા
રાજય સરકાર પરિણામલક્ષી નિર્ણયો લઇ આદિજાતિ સમાજના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબધ્ધ – મંત્રી શ્રી બ્રિજેશ મેરજા
રાજય સરકારની વિવિધ યોજનાઓના ર૬ લાભાર્થીઓને
મંજૂરી પત્ર-ચેક-એપ્રેન્ટીસ કરારના પત્રો એનાયત કરાયા
લીમખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
રાજયના શ્રમ-રોજગાર રાજય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ રાજય સરકારની વનબંધુ યોજનાઓ થકી આદિજાતિ સમાજને રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાથી આદિજાતિ સમાજ માટે આશીર્વાદરૂપ બની રહી હોવાનું કહ્યું હતું.
મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પ્રેરક માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સમગ્ર રાજયમાં અંબાજીથી ઉંમરગામ સુધી આદજાતિ વિસ્તારોમાં ર૭ જગ્યાએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે યજાયેલ આદિવાસી સંમેલનને સબોધતા રાજય સરકાર પરિણામલક્ષી નિર્ણયો લઇ આદિજાતિ સમાજના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબધ્ધ હોવાનું મંત્રી શ્રી મેરજાએ જણાવ્યું હતું.
મંત્રી શ્રી મેરજાએ રાષ્ટ્રના સર્વોચ્ચ પદ પર આદિવાસી મહિલા સુશ્રી દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિ પદ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તક પૂરી પાડી નિયુકિત થતાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે અભિનંદન પાઠવી આજની આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિશેષ બની રહી હોવાનું ઉમેર્યું હતું.
શ્રમ રાજય મંત્રી શ્રી મેરજાએ ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આદિજાતિ બંધુઓના કલયણ અર્થે શરૂ કરવામાં આવેલ વનબંધુ યોજનાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ પ્રત્યેક વનબંધુ પરિવારમાં વિકાસનું સ્મિત આવે અને તેઓનું કલ્યાણ થાય તે માટે સતત ઝઝૂમી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
શ્રી બ્રિજેશ મેરજાએ આ પ્રસંગે આદિવાસી સમાજના ઉત્થાન માટે બલિદાન આપનાર બિરસા મુંડા અને ગુરૂ ગોવિંદસિંહ સહિત સર્વેને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
શ્રી મેરજાએ આદિવાસી સમાજના ઉત્થાન અન ઉત્કર્ષ માટે કેન્દ્ર-રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ માટે ફાળવવામાં આવતી નાણાંકીય ભંડોળની તેમજ આદિજાતિ યુવાનોને ઉચ્ચ શિક્ષણ મળી રહેવાની સાથે રોજગારીની વિપુલ તકો મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ વિવિધ શાળાઓ, તાલીમ વર્ગોની વિગતો આપી તેનો લાભ લેવાનો અનુરોધ કરી આદિજાતિ સમાજના ઉત્થાન માટે સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહેશે તેની ખાત્રી આપી હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી બ્રિજેશ મરજાના હસ્તે વિવિધ યોજનાઓના ર૬ લાભાર્થીઓને મંજૂરી પત્રો-ચેક અને એપ્રેન્ટીસ કરારના પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. લીમખેડાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ પદ પર આદિવાસી મહિલા સુશ્રી દ્રૌપદી મુર્મુને તક આપી આદિવાસી સમાજનું ગૌરવ વધારવા બદલ આનંદની લાગણી વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી ભાભોરે આ પ્રસંગે આદિવાસી સમાજના ઉત્થાન માટે બલિદાન આપનાર બિરસા મુંડા, ગુરૂ ગોવિંદસિંહ સર્વને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરી વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આદિવાસી બંધુઓના સર્વાંગીણ વિકાસ માટે હાથ ધરવામાં આવેલ વનબંધુ યોજના, આદિવાસી મંત્રાલય, બિરસા મુંડા યુનિવર્સિટી, આદિવાસી મ્યુઝિયમ જેવી વિવિધ યોજનાઓની ઝાંખી કરાવી રાજય સરકાર આદિજાતિ સમાજના વ્યકિતગત અને સામુદાયિક લાભો પહોંચાડી તેમના અધિકારો અને અસ્મિતાનુ જતન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રાજય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વેએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે શ્રમ રાજય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાનું આદિવાસી સંસ્કૃતિ પરંપરા અનુસાર બંડી, કડુ અને તીર-કામઠાથી સ્વાગત કરી બહુમાન કરવામાં આવ્યું હતું જયારે કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિની ઝલક રજૂ કરતું આદિવાસી નૃત્ય કરનાર બાળાઓને મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ પોતાના તરફથી
રૂા. ૧૦૦૧/- પ્રોત્સાહક પુરસ્કાર આપ્યો હતો.
પ્રારંભમાં લીમખેડાના પ્રાંત અધિકારી શ્રી રાજ સુથારએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા જયારે અંતમાં લીમખેડાના તાલુકા વિકાસ અધિકારી શ્રી રમેશભાઇ રાઠવાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સરતનભાઇ ચૌહાણ, લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શર્માબેન મુનિયા, સીંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કાંતાબેન ડામોર, લીમખેડા તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી રૂપસીંગભાઇ માવી, તાલુકા પંચાયત સીંગવડ કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી રવેસિંહ તાવિયાડ, અગ્રણીઓ સર્વ શ્રી મહેન્દ્રભાઇ પટેલ, સ્નેહલભાઇ ધરિયા, રતનસિંહ રાવત, સી.કે. મહેડા, ટી.કે., સમરસિંહ પટેલ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી ભાઇઓ-બહેનો, યુવક-યુવતીઓ ઉપસ્થિત રહયા હતા.