ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે હાઇવે પર સ્કોર્પિઓ ગાડીનું ટાયર ફાટતા ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી મારી : એકનું મોત પાંચ ઈજાગ્રસ્ત
દાહોદ તા.ર૧
લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે હાઈવે રોડ પર વહેલી પરોઢે પુરપાટ દોડી આવતી સ્કોર્પીયો ગાડીનું ડાબી સાઈડનું આગળનું ટાયર ફાટી જતા ચાલકે ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડના ડીવાઈડર સાથે અથડાઈને પલ્ટી ખાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમા ગાડીમાં બેઠેલાને ગંભીર ઈજાઓ થતા એકનું સ્થળ પર જ મોત નિપજ્યાનું તથા પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નવા માંડવા ચાણોદ વચલા ફળીયામાં રહેતા અજયકુમાર પ્રવીણભાઈ માછી પોતાના કબ્જાની જીજે ૦૬ ડી.જી.૦૬૩૮ નંબરની સ્કોર્પીયો ગાડીમાં તેમના ગામના આદર્શકુમાર, પ્રકાશભાઈ, જયેભાઈ તથા જયદીપભાઈ પ્રકાશભાઈ માવી તથા સાગરભાઈ પ્રકાશભાઈ પ્રજાપતિને બેસાડી ગત રોજ વહેલી પહોઢના સાડા ચાર વાગ્યાના સુમારે પોતાના કબ્જાની સ્કોર્પીયો ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જતા રસ્તામાં ઢઢેલા ગામે હાઈવે પર ગાડીનો ડાબી સાઈડનું આગળનું ટાયર અચાનક ફાટી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાડીના ચાલક અજયકુમાર માછીએ ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોડના ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલ્ટી ખાઈ જતા ગાડીમાં બેઠેલ આદર્શકુમાર, પ્રકાશભાઈ તથા જયેશભાઈને શરીરે વત્તીઓછી તથા સાગરભાઈ પ્રકાશભાઈ પ્રજાપતિ ગાડીમાંથી રોડ પર ફેંકાતા સાગરભાઈનો જમણો પગ ભાંગી ગયો હતો તથા શરીરે ઓછીવત્તી ઈજાઓ થવા પામી હતી. તેમજ જયદીપભાઈને માથામા જમણી બાજુ તથા જમણા હાથે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર મોત નિપજ્યું હતુ.
આ સંબંધે લીમખેડા પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.