દાહોદમાં વાઘ સંરક્ષણ માટે તંત્ર વધુ સક્રિય, સાગટાળા ખાતે અધિકારીઓને વિશેષ તાલીમ અપાઈ* *ટાઈગર મોનિટરિંગ માટે NTCAના માર્ગદર્શન હેઠળ કામગીરી તેજ; 

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદમાં વાઘ સંરક્ષણ માટે તંત્ર વધુ સક્રિય, સાગટાળા ખાતે અધિકારીઓને વિશેષ તાલીમ અપાઈ*

*ટાઈગર મોનિટરિંગ માટે NTCAના માર્ગદર્શન હેઠળ કામગીરી તેજ; 

દાહોદ, તા. 31

દાહોદ જિલ્લાના રતનમહાલ અને સાગટાળા વિસ્તારને કેન્દ્રમાં રાખીને વાઘના સંરક્ષણ અને મોનિટરિંગ માટે સરકાર દ્વારા ગુપ્ત રીતે હાથ ધરાઈ રહેલી કામગીરીને હવે સત્તાવાર સમર્થન મળ્યું છે. અગાઉ પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દાહોદમાં વાઘના કાયમી વસવાટ અને તેના સંરક્ષણ માટે એક્શન પ્લાન તૈયાર કરાયો હોવાની માહિતી સામે આવી હતી. હવે બારિયા વન વિભાગ દ્વારા કામગીરીની પુષ્ટિ થઈ છે.

બારિયા વન વિભાગના નાયબ વન સંરક્ષક દ્વારા તા. 28 થી 30 એપ્રિલ દરમિયાન “Training for Tiger Estimation and Monitoring in Potential Tiger Landscapes of Gujarat” વિષયક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર રહેતા તેમના માટે તા. 30 મેના રોજ સાગટાળા રેસ્ટહાઉસ ખાતે ફરીથી એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વન વિભાગના ગેરહાજર રહેલા તમામ વનપાલ, વનરક્ષક અને અન્ય કર્મચારીઓએ ફરજિયાત હાજર રહેવા જણાવ્યું હતું. આથી સ્પષ્ટ થાય છે કે દાહોદ જિલ્લામાં વાઘના સંરક્ષણ અને મોનિટરિંગ માટે તંત્ર ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહ્યું છે.

અગાઉ પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA), નવી દિલ્હી તથા વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, દેહરાદૂનની નિષ્ણાત ટીમોએ દાહોદની મુલાકાત લઈને વાઘના ફૂટપ્રિન્ટ, લેટ્રીન સેમ્પલ, મૂવમેન્ટ પેટર્ન અને રહેઠાણ અંગે વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કર્યો છે. સાગટાળા વિસ્તારમાં 14 જેટલા નાઈટ વિઝન કેમેરા પણ ગોઠવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ વાઘની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તેના માટે સ્થાનિક સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. વાઘના સંભવિત વિસ્તારોમાં પેટ્રોલિંગ, ટ્રેકિંગ અને માનવ-વન્યપ્રાણી સંઘર્ષ ટાળવા માટે વિશેષ માર્ગદર્શિકા પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ખાનગી સૂત્રોમાં એવી પણ ચર્ચા છે કે ભવિષ્યમાં દાહોદના જંગલોમાં વાઘની સંખ્યા વધારવા માટે અન્ય રાજ્યોમાંથી વાઘણો લાવવાની સંભાવનાઓનું પણ પ્રાથમિક સ્તરે મૂલ્યાંકન થઈ રહ્યું છે. જોકે આ અંગે વન વિભાગ અથવા NTCA દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

દાહોદના જંગલોમાં છેલ્લા કેટલાક મહિનાથી વાઘની સતત હાજરી નોંધાતા હવે સમગ્ર રાજ્યનું ધ્યાન આ વિસ્તાર તરફ કેન્દ્રિત થયું છે. વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે જો હાલની કામગીરી સફળ રહેશે તો ભવિષ્યમાં દાહોદ-રતનમહાલ વિસ્તાર ગુજરાતના મહત્વના ટાઈગર લેન્ડસ્કેપ તરીકે ઉભરી શકે છે.

Share This Article