લીમખેડામાં ટ્રકચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળથી આવતી બાઈક ટ્રકમાં ઘૂસી જતા દાહોદના બે યુવાનો મોતને ભેટ્યા..
પરિવારજનોમાં માતમ છવાયો:સમગ્ર ડબગર સમાજમાં શોકનો માહોલ
દાહોદ તા.16
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે હાઇવે ઉપર ગઈકાલે રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બાઈક ઉપર સવાર ડબગર સમાજના બે યુવકોનું માથામાં થયેલી ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
દાહોદ શહેરના મોટા ડબગરવાસમાં આવેલા મંદિર ફળિયામાં રહેતા ધર્મેન્દ્રકુમાર દેવચંદભાઈ દેવડા (ઉં. વ. 40) તથા સતિષભાઈ કિશોરભાઈ દેવડા (ઉં .વ. 33) ગઈકાલે બાઈક પર હાલોલ ખાતે મકાનના કાચ લેવા માટે ગયા હતા .બાઈક પર કાચ લઈને પરત ફરતી વેળા રાત્રિના 11:30 કલાકના સુમારે રસ્તામાં લીમખેડા નજીક પાલ્લી ગામે હાઇવે પર બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આગળ ચાલતી એક ટ્રકના ચાલકે અચાનક જ શોર્ટ બ્રેક માર્યો હતો. જેને લઈને પાછળ ચાલતી તેઓની બાઈક આ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.જેથી સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ધર્મેન્દ્ર કુમાર દેવચંદ દેવડા તેમજ સતિષભાઈ કિશોરભાઈ દેવડાને પણ માથામાં ગંભીર ઈજા થઈ હતી.જેમાં ધર્મેન્દ્ર દેવડાનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું જ્યારે સતિષભાઈ દેવડાને દાહોદની ઝાયડસ હોસ્પિટલમા રીફર કરવામાં આવ્યા હતા.પરંતુ તેનુ પણ માથામાં થયેલી ગંભીર ઈજાના કારણે ટૂંકી સારવારદરમિયાન ઘણું મોત થયું હતું.ત્યારે આ અકસ્માત કરી ટ્રક સ્થળ પર છોડી ચાલક ભાગી છૂટ્યો હતો.
આ બનાવ સંદર્ભે દાહોદના અનિલકુમાર દેવચંદભાઈ દેવડાએ નોંધાવેલી ફરિયાદના કારણે લીમખેડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.