લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે પોલીસમાં ખોટી ફરિયાદ કરવાની અદાવતે ચાર ઈસમોએ એક મહિલાને ફટકારી….
લીમખેડા તા.17
લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામની આંગણવાડીમાં તેડાગર તરીકે નોકરી કરતી મહિલાને તેમના જ કુટુંબીજનો દ્વારા ખોટી ફરિયાદ કરતી હોવાના અદાવતે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપ્યાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામના નાની રેલ ફળિયાની રહેવાસી અને આંગણવાડી તેડાગર તરીકે ફરજ બજાવતી કોકીલાબેન રણજીતભાઈ મોહનિયા પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા તે સમયે તેમના જ કુટુંબીજનો મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ મોહનિયા, દિલીપભાઈ લક્ષ્મણભાઈ મોહનિયા,દેવેન્દ્ર લક્ષ્મણભાઈ મોહનિયા,રંગીબેન લક્ષ્મણભાઈ મોહનિયાનાઓ ઘરે આવી તો અમારા વિરુદ્ધ પોલીસમાં ખોટી ખોટી ફરિયાદ કરે છે.તેમ જણાવતા કોકીલાબેન મોહનિયા એ જણાવ્યું હતું કે તમે મારા ઉપર ડાકણ હોવાનો શક વહેમ ધરાવો છો તે માટે મેં મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેમ જણાવતા ઉશ્કેરાયેલા દેવેન્દ્ર લક્ષ્મણભાઈ મોહનિયા લાકડી વડે કોકીલાબેન ના કમરના ભાગે તેમજ બરડાના ભાગે લાકડીઓના ફટકા મારતા તે સમયે કોકીલાબેનના પતિ રણજીતભાઈ આવી જતા ઉપરોક્ત ચારેય ઈસમો દંપતીને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી ભાગી ગયા હતા.જે બાદ રણજીતભાઈએ 108 મારફતે ત્રીજાગ્રસ્ત થયેલા કોકીલાબેનને લીમખેડા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈને ગયા હતા.
ઉપરોક્ત બનાવ સંદર્ભે ખીરખાઈ ગામના નાની રેલ ફળિયાની કોકીલાબેન રણજીતભાઈ મોહનિયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.