
ઝાલોદમાં જમાઈ જ જમ બનતા ચકચાર…પત્નીને ચપ્પુ મારતાં પિયર જતી રહેતા મધરાતે જમાઈએ સાસુ-સસરા પર અસ્ત્રો લઈ ફરી વળ્યો,એકનું મોત,એકના જીવન-મરણ વચ્ચે ઝોલા
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામમાં પત્નીને સાસરે ન મોકલતા સાસુ અને સસરા પર ઉશ્કેરાયેલા જમાઈએ અસ્ત્રા વડે હુમલો કર્યો હતો. જીવલેણ હુમલામાં સાસુનુ મૃત્યુ થયુ છે, જ્યારે સસરા સારવાર હેઠળ છે. પોલીસે જમાઇની ધરપકડ કરી હતી.
પ્રાથમિક પ્રાપ્ત માહિતી અનુસાર પીપલેટ ગામમાં રહેતા દંપતીની પુત્રી છેલ્લા કેટલાક સમયથી પિયરમાં જ છે. તેના પતિ અને સાસરિયાઓ વચ્ચે દોઢેક માસથી વિખવાદ ચાલી રહ્યો છે. જેથી જમાઈ સાસરીમા આવી તેમની પુત્રીને લઈ જવા માંગણી કરતો હતો, પરંતુ કોઈક કારણોસર તેના માતા પિતા પુત્રીને મોકલતા ન હતા.અને પત્નીને લઈ જવાની માંગ કરી હતી. ત્યારે ફરીથી ના પાડતા જમાઈ સમસમી ગયો હતો. ઉશ્કેરાયેલા જમાઈએ રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં જમાઈએ અસ્ત્રા વડે સાસુ અને સસરા પર અચાનક જ હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામા સાસુનુ મોત નીપજ્યુ છે, જ્યારે ઈજાગ્રસ્ત સસરા દવાખાને સારવાર હેઠળ છે.
મધરાતે આવીને મારી માને મારી નાંખી: આરોપીની પત્ની
આ અંગે હત્યારાની પત્ની મનિષાબેને જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં જ એણે મને ચપ્પુ માર્યું હતું. જેથી હું ઝાયડસમાં ભરતી થઇ હતી અને એક દિવસ સારવાર લીધી હતી. ત્યારબાદ હું મારા માતા-પિતાને ત્યાં જતી રહી હતી. ત્યાં પણ એ મને મારવા માટે આવ્યો હતો. જોકે, બાદમાં તેના મા-બાપના ઘરે જતો રહ્યો હતો. એના પંદર દિવસ પછી એટલે કે ગતરાત્રે ત્રણ વાગ્યે મારા મા-બાપના ઘરે ધારિયું, ચપ્પુ અને અસ્ત્રો લઇને આવ્યો હતો ને મારા મા-બાપ પર હુમલો કરી મારી માને મારી નાંખી અને મારા પપ્પાને પણ ઇજાઓ પહોંચાડી છે.