
પ્રેમ સબંધમાં પ્રેમી પંખીડાનું કરૂણ અંજામ:બંને પ્રેમી પંખીડાએ મોતને વ્હાલું કર્યું…
પ્રેમીના બે દિવસ અગાઉ અન્ય જોડે લગ્ન થતાં નાસીપાસ થયેલી પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવતા પ્રેમીએ પણ અન્ય સ્થળે જઈ ગળેફાંસો ખાધો.
ત્રણ દિવસ પહેલા લગ્નગ્રંથિમાં જોડાયેલી નવોઢાનું ઘર સંસાર ભાંગ્યું:મરણ જનાર યુવતીના વાળ કાપેલા તેમજ લોહીના નિશાન મળતા અનેક શંકા કુશંકાઓ..
દાહોદ તા.24
દાહોદ જિલ્લામાં પ્રેમ સંબંધમાં પ્રેમી પંખીડાનું કરૂણ અંજામ સામે આવ્યું છે જેમાં પ્રેમીના ત્રણ દિવસ અગાઉ લગ્ન બીજા જોડે થતા પ્રેમમાં નાસીપાસ થયેલી પ્રેમિકાએ ઘરમાં પંખા પર લટકી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.તો બીજી તરફ પ્રેંમીએ પણ અન્ય સ્થળે જઈ ગળે ફાંસો ખાઈ લેતા તેનું પણ મોત નીપજ્યું હતું. જોકે બંને પ્રેમી પંખીડાએ જુદા જુદા સ્થળે આત્મહત્યા કરી લેતા એક તરફ પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો છે. તો બીજી તરફ ત્રણ દિવસ અગાઉ જ સપ્તપદીના ફેરા ફરી લગ્નગ્રંથિમાં જોડાઇ જીવનની નવી શરૂઆત કરનાર નવોઢાનું સેથીનું સિંદૂર ભૂંસાઈ જતા બેકસુર નવોઢાનો ઘર સંસાર પણ ભાંગ્યો છે.હાલ આ બંને આત્મહત્યાના બનાવમાં જુદા જુદા પોલીસ મથકોમાં અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી પોલીસે ચલ સ્પર્શી તપાસનો દોર આરંભયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુવાડા રાયણ ફળિયાના રહેવાસી કાળુભાઈ વસૈયા ની ૨૩ વર્ષીય પુત્રી નિશાબેન હાલ દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરી શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલા હાઈસ્કૂલ ની સામે વસવાટ કરી રહી હતી. તો તેમના જ ગામના તેમના ફળીયાનો નવીન કુમાર અનુપભાઈ વસૈયા વચ્ચે પ્રેમના અંકુરો ફૂટતા ઉપરોક્ત બંને યુવક યુવતી પ્રેમ સંબંધમાં બંધાયા હતા. પરંતુ કોઈ કારણોસર નવીન વસૈયાના કોઈક કારણોસર ત્રણ દિવસ અગાઉ એટલે કે 21 મે રવિવારના રોજ સમાજના રીત રિવાજ મુજબ અન્ય યુવતી જોડે થઈ ગયા હતા. જોકે પોતાના પ્રેમીના અન્ય યુવતી જોડે લગ્ન થયા હોવાની જાણ તેની પ્રેમિકા નિશાબેન ને થતા તેના પર પહાડ તૂટી ગયો હોય તેમ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નવીન ને whatsapp પર ઘણી ખરી સંભળાવી દીધી હતી. અને પ્રેમમાં નાસીપાસ થઈ હોય તેમ આખરે આ આની દુનિયાને અલવિદા કરવાનું મનોમન નક્કી કરીને બેઠેલી નિશાબેને ગતરોજ તેની નોકરી પૂર્ણ કર્યા બાદ ગોવિંદ નગર ખાતે તેના રૂમ ઉપર આવી હતી અને રાત્રિના સમયે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોતાની પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી હોવાની જાણ નવીન વસૈયા ને થતા નવીન વસૈયા તેના મિત્ર જોડે નિશાબેન ના રૂમ ઉપર પહોંચ્યો હતો જ્યાં તેની લાશ લટકતી જોવા હતા. તે ક્ષણભર માટે અવાક બની ગયો હતો. જોકે આ બાબતે જાણ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકને થતા દાહોદ એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મરણજનાર નિશાબેન વસૈયાના મૃતદેહનો કબજે લઈ પીએમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દીધો હતો તે સમયે તેનો પ્રેમી નવીન વસૈયા પણ ઝાયડસ હોસ્પિટલ ખાતે આવ્યો હતો ત્યારબાદ આજે વહેલી સવારે નવીન વસૈયાએ ઝાયડસ હોસ્પિટલ થી નીકળી ગોધરા રોડ કેન્દ્રીય વિદ્યાલયની પાસે આવેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના સબ સ્ટેશનની સામે આવેલા હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર લટકી ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસને થતા દાહોદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આ બનાવ બી ડિવિઝન પોલીસની હદમાં આવતો હોવાથી બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરાતા બી ડિવિઝન પોલીસના જવાનો તેમજ દાહોદ ડિવિઝનના એએસપી જગદીશ બાંગરવા પર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ મરણ જનાર નવીન વસૈયાનો મૃતદેહને નીચે ઉતારી દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી દીધો હતો. અત્રે ઉલ્લેખની છે કે આ બંને બનાવોમાં બંને પ્રેમી પંખીડાએ જુદા જુદા સ્થળે આત્મહત્યા કરી લેતા એક તરફ પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.
મરણ જનાર યુવતીના કપડા પર લોહીના ડાઘા તેમજ માથાના વાળ કાપેલી હાલતમાં જોવા મળતા હત્યા કે આત્મહત્યા: અનેક શંકા કુશંકા વચ્ચે પોલીસે તપાસમાં જોતરાઈ.
ઉપરોક્ત અપમૃત્યુ બનાવમાં મરણજનાર નિશાબેન વસૈયાએ ગત રોજ રાત્રિના સુમારે તેના રૂમ ઉપર પંખા વડે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે આ બનાવમાં મરણ જનાર નિશાબેનના કપડા ઉપર લોહીના ડાઘા જોવા મળતા અને તેના માથાના વાળ કાપેલી હાલતમાં જોવા મળતા અનેક શંકા કુશંકાઓએ જન્મ લીધો છે. ત્યારે આ બનાવમાં પ્રેમી નવીન વસૈયાના લગ્ન અન્ય યુવતી જોડે થતા નિશાબેન પ્રેમમાં નાસીપાસ થઈ ગઈ હતી.અને કદાચ તેના પ્રેમીને રૂમ ઉપર બોલાવી બંને વચ્ચે કદાચ ઝઘડો અથવા ઉગ્ર બોલાચાલી થઈ હોય તે દરમિયાન નિશાબેને ગુસ્સા ગુસ્સામાં લે તારા નામનું ન્હાવી નાખું અથવા ટકો કરાવી લઉં તેમ કહી તેના વાળ કાપ્યા હોય અને તે દરમિયાન ઝપાઝપીમાં નિશાબેન ને ઈજા થતા લોહી નીકળતા કપડાં લોહીવાળા થયા હોય અને ત્યારબાદ એકદમ ઉસ્કેરાટમાં આવી નિશાબેને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી જોકે હાલ આ તમામ બાબતો વચ્ચે મરણ જનાર નવીન વસૈયા સાથે આવેલા તેના મિત્રની પોલીસ દ્વારા ઘનીષ્ટ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ ઉપરોક્ત બાબતમાં પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. ત્યારે બંને પ્રેમી પંખીડાના પીએમ રિપોર્ટ બાદ જ સત્ય હકીકતો બહાર આવશે તેમ છે.
પ્રેમ સંબંધમાં બંને પ્રેમી પંખીડાઓ વચ્ચે નિર્દોષ નવોઢાનું સેથીનો સિંદૂર ભુસાતા ઘર સંસાર ભાંગ્યું.
ઉપરોક્ત બનાવમાં બંને પ્રેમી પંખીડાએ જુદા જુદા સ્થળે લટકી પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. પરંતુ આમાં ત્રણ દિવસ પહેલા જ સપ્તપદીના ફેરા ફરી દાંપત્ય જીવનની શરૂઆત કરનાર નવોઢાનો શું વાંક.? ત્રણ દિવસ પહેલા જ મરણ જનાર નવીન વસૈયા સાથે લગ્ન કરનાર નવોઢાની મહેંદી નો કલર હજી ઉતર્યો નથી. હજી તો દાંપત્યજીવનની શરૂઆત કરે તે પહેલા જ નવોઢાની સેથીનો સિંદૂર ભુસાઈ જતા ઘર સંસાર શરૂ થાય તે પહેલા જ ભાંગી ગયો હતો. ઉપરોક્ત બનાવ સમાજમાં લાલબત્તી સમાન કિસ્સો છે. કોઈપણ યુવક યુવતી જો પહેલેથી જ પ્રેમ સંબંધમાં બંધાયેલા હોય તો હિંમત કરી તેમના પરિવારજનોને સત્ય હકીકત બતાવી કમ સે કમ કોઈ બીજાની જિંદગી બરબાદ ન કરે તે પણ આવશ્યક છે. અથવા માતા-પિતા પણ બદલાતા સમયના વેણમાં ગંભીરતા દાખવી યુવક યુવતીના બંને પાત્રોની સંમતિ અને સંબંધોની તટસ્થ તપાસ કર્યા બાદ જ લગ્ન યોજે જેથી કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય.