
જીગ્નેશ બારીયા :- દાહોદ
ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામેં ચૂંટણીની અદાવતે પાંચ વ્યક્તિઓએ ભેગા મળી બે વ્યક્તિઓને લાકડીઓ વડે ફટકાર્યો..
દાહોદ તા.૫
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધિત થયેલ ઝઘડા તકરારમાં પાંચ જેટલા ઇસમોએ ભેગા મળી બે વ્યક્તિઓને લાકડી વડે તેમજ ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડતા પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
ગત તારીખ 3 જાન્યુઆરી ના રોજ મુનખોસલા ગામે પટેલ ફળિયામાં રહેતા વિપુલભાઈ બચુભાઈ વસૈયા, સર્જનભાઈ ગેંદાલભાઈ વસૈયા, પ્રભાતભાઈ વરસીંગભાઈ તુવર, કિરણભાઈ પ્રભાતભાઈ તુવર અને કલ્પેશભાઈ મગનભાઈ વસૈયાનાઓ પોતાની સાથે લાકડીઓ લઇ પોતાના ગામમાં રહેતા જગદીશભાઈ બાબુભાઇ ભાભોરના ઘરે આવ્યા હતા અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, કેમ તમે અમને ચૂંટણીમાં સાથ સહકાર આપેલ નથી, તેમ કહેતા જગદીશભાઈએ કહેલ કે, અમારા ઘરના ઉમેદવારો હોય અમારે બીજાને સાથ સહકાર આપવાની જરૂર રહેતી નથી, તેમ કહેતા ઉપરોક્ત પાંચેય જણા એકદમ ઉશ્કેરાયા હતા અને પોતાની સાથે લાવેલ લાકડી વડે જગદીશભાઈ તથા તેમની સાથેના કીર્તનભાઈને મારી મારી શરીરે હાથે-પગે તેમજ માથાના ભાગે ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી ભારે હંગામો મચાવતા આ સંબંધે ઇજાગ્રસ્ત જગદીશભાઈ બાબુભાઇ ભાભોર દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.