
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા નગરમાં ડેંગ્યુનો હાહાકાર આરોગ્ય વિભાગ નિષ્ક્રિય નગરમાં ફોગીંગ કે સર્વે કરવામાં આવતું નથી
સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં પુરતી સારવારના અભાવે દર્દીઓ બહારના ખાનગી દવાખાનાઓમાં જવા મજબૂર બન્યા છે.
(પ્રતિનિધિ ) સુખસર,તા.06
ફતેપુરા તાલુકામાં કેટલાક વહીવટી તંત્રો મનમાની ચલાવી રહ્યા હોવા છતાં ઉચ્ચ તંત્રો દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય પ્રજા ને મૂંગા મોઢે સહન કર્યા સિવાય છૂટકો નથી. પછી તેમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ હોય કે આરોગ્ય સેવાઓ!પરંતુ તમામ જગ્યાએ અન્યાય કરવામાં આવતો હોવાનુ જોવા અને સાંભળવા મળે છે.ત્યારે તાલુકામાં સરકારના નિયમો મુજબ વહીવટી તંત્રો વહીવટ ચલાવે તે આવશ્યક છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ડેન્ગ્યુના રોગે નગરને ભરડામાં લીધું છે.આજે તારીખ 6 ઓક્ટોબર 2021 ની પરિસ્થિતિએ ફતેપુરા નગરમાં સંખ્યાબંધ ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે.ફતેપુરા નગરના અલગ-અલગ વિસ્તારોમાં ડેન્ગ્યુના રોગે પગ પેસારો કર્યો છે.જેમાં આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતાને કારણે ગ્રામજનોને ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવાનો વારો આવ્યો છે.જેમાં ફતેપુરામાંથી અમુક લોકોને સંતરામપુર,દાહોદ,વડોદરા, અમદાવાદ,લુણાવાડા જેવા શહેરોની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળે છે.ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ફતેપુરા નગરમાં કોઈપણ જાતનું સર્વે કરવામાં આવતું નથી.તેમજ ફતેપુરામાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસ વિસ્તારમાં કે આજુબાજુના વિસ્તારોમાં ફોગિંગ પણ કરવામાં આવતું નથી.જો ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ સત્વરે નક્કર કામગીરી કરીને સર્વે કરીને ચોક્કસ પગલાં લઈને નગરના અલગ-અલગ વિસ્તારોમાં ફોગિંગ અથવા ધુમાડિયું અથવા તો લોક સંપર્ક કરીને ડેન્ગ્યુના કેસો વિશે માહિતી નહીં મેળવે તો નજીકના ભવિષ્યમાં ફતેપુરા નગરમાં ડેન્ગ્યુના કેસોમાં ઉછાળો આવવાની ગંભીર શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો કાબુ બહાર જાય એ પહેલા આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિદ્રા છોડી સત્વરે પગલા લે તે જરૂરી જણાય રહ્યું છે.