
બાબુ સોલંકી :- સુખસર
કોરોનાની ત્રીજી લહેર સામે રક્ષણ મળી રહે તે અર્થે ફતેપુરા તાલુકાની તમામ પ્રજાને રોગ પ્રતિકારક શક્તિ વધારવા મોરિંગા પાવડર અપાશે.
ફતેપુરા ટીડીઓ જગતસિંહ ઠાકોર દ્વારા સરાહનીય કાર્ય.
નાણાપંચ યોજના હેઠળ તાલુકાની તમામ પ્રજાને આવરી લેવાશે.
( પ્રતિનિધિ ) સુખસર,તા.05
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ સેવાઈ રહી છે.જેમાં ત્રીજી લહેર સામે રક્ષણ મળી રહે તે અર્થે રોગ પ્રતિકારક શક્તિ વધારવા સૌપ્રથમ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની તમામ પ્રજાને મોરિંગા પાવડર આપવાનું આયોજન કરાયું છે. તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોર દ્વારા સરાહનીય કાર્યની શરૂઆત કરવામાં આવી છે. નાણાપંચની યોજના હેઠળ તાલુકાની તમામ પ્રજાને આવરી લેવામાં આવશે તેવુ જણાવ્યું હતું.
રાજ્યમાં કોરોના મહામારી દરમ્યાન બીજી લહેરમાં ભારે હાહાકાર મચ્યો હતો.ચારે તરફ કોરોનાથી બચવા પ્રજા ધમપછાડા કરી રહી હતી. જેમા અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.જ્યારે હાલમાં ત્રીજી લહેરની સંભાવનાઓ સેવાઈ રહી છે. આ ત્રીજી લહેર સામે રક્ષણ મળી રહે અને રોગ પ્રતિકારક શક્તિ વધે તે અર્થે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે.ભારત સરકાર દ્વારા પોષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને આરોગ્યની સંભાળ માટે મોરિંગા પાવડરના ઉપયોગ માટે ભાર મુકવામાં
આવ્યો છે.આયુષ્યમાન ભારત અંતર્ગત પણ મોરિંગા પાવડરના ઉપયોગ માટે સમર્થન મળેલ છે.જેમાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોર દ્વારા પ્રજામાં રોગપ્રતિકારક શક્તિ વધે તે અર્થે એક ઉમદા કાર્યની શરૂઆત કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોરિંગા પાવડર (સરગવાની સિંગ માંથી બનતો પાવડર) તમામ પ્રજાને
આપવાના કાર્યની શરૂઆત કરાઈ છે.નાણાપંચની યોજના હેઠળ તમામ ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ તમામ પ્રજાને કોરોનાની ત્રીજી લહેરથી બચવા રોગ પ્રતિકારક શક્તિ વધારવા મોરિંગા પાવડર આપવાની સૂચના આપવામાં આવી હતી.
રોગ પ્રતિકારક શક્તિ વધારવા વ્યક્તિદીઠ 1.50 કિલો પાવડર આપવાનું આયોજન કરાયું.
ગ્રામ પંચાયત દ્વારા ગામની વસ્તી પ્રમાણે વ્યક્તિદીઠ છ મહિના ચાલે તેટલો મોરિંગા પાવડરનો જથ્થો ખરીદી માટે કાર્યાલય આદેશ કરવામાં આવ્યો છે.250 ગ્રામનું પેકેટ એક વ્યક્તિને એક મહિનો ચાલે છે.જેથી છ મહિના ચાલે તેટલો જથ્થો વ્યક્તિદીઠ આપવા માટે સૂચના આપવામાં આવી હતી.એટલે કે પ્રતિ વ્યક્તિ દીઠ 1.50 કિલોગ્રામ મોરિંગા પાવડર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપવામાં આવશે.