
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં વરસાદના અભાવે ખેતીપાકો નીષ્ફળ જવાના ભયથી ખેડૂતોમાં નિરાશાના વાદળો છવાયા.
તાલુકામાં વરસાદી પાણીના અભાવે ડાંગરની ખેતી લાયક અનેક ખેતરો ખેતી વિના જેમ ને તેમ પડ્યા છે.
પાછોતરો વરસાદ દગો દે તો ચોમાસુ ખેતી સહિત શિયાળુ સિઝન સંપૂર્ણ નિષ્ફળ જવાનો ભય.
( પ્રતિનિધિ ) સુખસર,તા.12
ફતેપુરા તાલુકામાં હાલ સુધી મુશળધાર કહી શકાય તેવો વરસાદ વરસ્યો નથી.તાલુકામાં સામાન્ય વરસાદથી ખેડૂતોએ પોતાની ખેતીમાં કેટલાક પાકોની વાવણી કરી છે.જ્યારે ડાંગર જેવી ખેતી માટે ખેડૂતો હજી સુધી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ડાંગરની ખેતી લાયક કેટલાક ખેતરો હજી વરસાદની રાહ સાથે જેમના તેમ પડેલા છે.જોકે હજી થોડો સમય વરસાદ દગો દે તો ડાંગરની ખેતી સાથે મકાઈની ખેતી પણ નિષ્ફળ જવાનો અને સાથે-સાથે રવી સીઝન માટે ખેડૂતોને મોટી મુશ્કેલી ઊભી થાય તેવા એંધાણ જણાતા ખેડૂતો નિરાશામાં ગરકાવ થયેલા જોવા છે.
ફતેપુરા તાલુકાની વાત કરીએ તો તાલુકા આજ દિન સુધી મુશળધાર કહી શકાય તેવો વરસાદ વરસ્યો નથી. તેમજ સામાન્ય વરસાદથી ખેડૂતોએ મકાઈ,સોયાબીન,તુવર,અડદ જેવા ખેતી પાકોની ખેતી કરી ચૂક્યા છે. જ્યારે ડાંગર વાવણી અને રોપણી લાયક અનેક ખેતરો જેમના તેમ પડ્યા છે.અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.તાલુકામાં નદી-નાળા કૂવા, તળાવો વિગેરે ખાલીખમ જોવા મળે છે.જ્યારે હેન્ડ પંપ અને બોરમાં પણ પૂરતા પ્રમાણમાં પાણીની આવક થઇ નથી.અને હજી થોડો સમય વરસાદ વિલંબ કરે તો જેમતેમ મકાઈની ખેતી ડચકા ખાતી છતાં પાકણી તરફ આગળ વધતી જોવા મળે છે તે મકાઈનો પાક પણ નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.જ્યારે ડાંગર વાવણી અને રોપણીનો સમય નીકળી ગયા બાદ વરસાદ થાય તો પણ ડાંગરની ખેતી સંપૂર્ણપણે નિષ્ફળ જાય તેવા પણ એંધાણ વર્તાઇ રહ્યા છે.હાલ ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.અને ટૂંકા દિવસોમાં વરસાદ થઈ જાય તો મકાઈ તથા અન્ય પાકો સહિત ડાંગરની ખેતી કરી ખેડૂતો પાકો લઈ શકે તેમ છે.નહીં તો ચોમાસાની સિઝન સાથે આવનાર રવી સીઝન અને ઉનાળાના સમયે પીવાના પાણી માટે કપરા સંજોગો ઉભા થાય તેવા સંકેત જણાઈ રહ્યા છે.હાલ ખેડૂતો પોતાની ખેતીમાં ખેતી પાકો સફળ થાય તેના માટે રાતદિવસ પરસેવો પાડી ખેતી કામમાં જોતરાયેલા જોવા મળે છે.પરંતુ વરસાદ વિલંબથી થાય કે હાથતાળી આપે તો ખેડૂતોએ મોંઘા ભાવે ખાતર, બિયારણ લાવી ખેતી કરી સારી ઉપજ મેળવવા મહેનત મજૂરી કરી છે અને સીઝન નિષ્ફળ જાય તો ખેડૂતો પાયમાલી તરફ ઉકેલાશે તેવું જણાઈ રહ્યું છે.
*ગુજરાતમાં છેલ્લા સાત વર્ષનો સૌથી ઓછો 12 ઇંચ વરસાદ ચાલુ વર્ષે થયો છે.*
એક તરફ ભારતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.પણ ગુજરાત કોરું ધાકોર છે.જોકે હાલ વરસાદ આવવાની કોઈ આશા પણ નથી. હવામાન વિભાગ મુજબ ગુજરાત ઉપર હજી કોઈ સિસ્ટમ સક્રિય નથી. હજી ચારેક દિવસ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા નહિવત છે. ત્યારબાદ કેવો વરસાદ પડશે તે કહી શકાય નહીં.પરંતુ સમગ્ર સિઝન દરમિયાન આવોજ વરસાદ રહેશે તો આવનાર રવી સીઝન સહિત ઉનાળો આકરો રહેશે તેમ જણાય છે.પ્રજાને પાણી વિના વલખા મારવાનો સમય ઉભો થશે તેવું પણ જણાઈ રહ્યું છે. જોકે ગુજરાતમાં છેલ્લા સાત વર્ષનો સૌથી ઓછો વરસાદ ચાલુ વર્ષે થયો છે.ગત વર્ષે આ સમય સુધીમાં સરેરાશ 17 ઇંચ વરસાદ સાથે 52 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો હતો.જ્યારે ચાલુ વર્ષે માત્ર 12 ઇંચ વરસાદ પડ્યો છે.આમ ગુજરાતમાં ચાલુ વર્ષે 44 ટકા વરસાદની ઘટ છે.વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં આ વખતે વરસાદનું પ્રમાણ ખૂબ જ સાધારણ રહ્યું છે. જેમાં જૂન મહિનામાં 4.73 ઇંચ, જુલાઈમાં 6.95 જ્યારે 9 ઓગસ્ટ સુધીમાં માત્ર 0.30 ઇંચ વરસાદ નોંધાયો છે.રિજિયોન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં સૌથી ઓછો 5. 51 ઇંચ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 23.07 ઇંચ વરસાદ નોંધાયો છે. તે સિવાયના જિલ્લાઓમાં ગત વર્ષોની સરખામણીએ સંપૂર્ણ ખેતીલાયક વરસાદ કહી શકાય તેવો વરસાદ થયો છે.