બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં નિર્ભય બનેલા તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર:બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખોની ચોરી.
સુખસર પોલીસ સ્ટેશનથી માત્ર સો ફૂટના અંતરે આવેલ છઠ્ઠા નંબરના બંધ મકાનને નિશાન બનાવી લાખોની બિન્દાસ ચોરી કરી જતા તસ્કરો.
સુખસરમાં છેલ્લા એક વર્ષમાં સાત જેટલી ચોરીના બનાવોમા સી.સી.ટી.વી ફૂટેજ સ્પષ્ટપણે જોવાયા હતા પરંતુ તસ્કરો સુધી પોલીસ પહોંચી શકી નથી.!?
સુખસર,તા.20
ફતેપુરા તાલુકાના સુખસરમાં ગત છેલ્લા એક વર્ષમાં ચોવીસ કલાક વાહનોથી ધમધમતા બસ સ્ટેશનના ભરચક વિસ્તાર સહિત સંતરામપુર રોડ સોસાયટીમાં સાતેક જેટલા મકાન અને કરિયાણાની દુકાનોમાં તસ્કરોએ પોતાનો કસબ અજમાવી લાખો રૂપિયાની ચોરી કરી ગયેલ હોવાના બનાવો બની ચૂકેલા છે.અને આ ચોરીઓ પૈકી કેટલીક જગ્યાએ તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય તેમ કેદ પણ થયેલા હતા.તેમ છતાં સુખસર પોલીસ આ તસ્કરોનું પગેરું શોધી શકી નથી.જેથી બિન્દાસ બનેલા તસ્કરો એ ગત રાત્રીના સુખસર પોલીસ સ્ટેશન થી માત્ર સો ફૂટના અંતરે આવેલ છઠ્ઠા નંબરના બંધ મકાનને તથા એક અન્ય મકાનને નિશાન બનાવી તાળાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરી,કબાટની તોડફોડ કરી લાખો રૂપિયાની મત્તા ચોરી કરી તથા એક શિક્ષકના ભાડા વાળા મકાનમાં ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર આપી બિન્દાસ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકા સુખસર પોલીસ સ્ટેશન પાસે રહેતા ગૌરવભાઈ નારજીભાઈ પલાસ પોતાનુ રહેણાંક મકાન ધરાવે છે.અને આ મકાનને તાળા મારી ગત બે દિવસ અગાઉ પરિવાર સાથે વડોદરા ગયેલ હતા.જેનો ગેરલાભ ઉઠાવી કોઈ જાણ ભેદુ તસ્કર લોકોએ શુક્રવાર રાત્રિના મકાનના આગળના ભાગેથી તાળાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ્યા હતા. અને મકાનમાં આવેલી તિજોરીઓ અને તેના લોકરો વિગેરેની તોડફોડ કરી અંદરનો સામાન વેરી ખેર કરી તિજોરી ની અંદર રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ નાણાની ચોરી કરી ચોર લોકો આસાનીથી ફરાર થઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
મકાનના તાળાં તૂટેલા જોતા પાડોશીઓએ ગૌરવભાઈ પલાસને મોબાઇલથી જાણ કરતા સુખસર આવી પહોંચ્યા હતા.અને અંદર જઈ જોતા છ જેટલી તિજોરીઓ તથા તેના લોકરો વિગેરેની તોડફોડ કરેલી નજરે પડી હતી.અને લાખો રૂપિયાના સોના- ચાંદીના દાગીના અને રોકડ નાણાંની ચોરી થઈ હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.પરંતુ આ લખાય છે ત્યાંરે ડોગસ્કોડ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની રાહ જોવાઈ રહી છે.અને તેની તપાસ બાદ જ ખરેખર મકાનમાં કેટલી માલમત્તાની ચોરી થઈ છે તેની જાણ થઈ શકશે.જ્યારે સુખસર પ્રજાપતિ ફળિયામાં ભાડે રહેતા એક શિક્ષકના મકાનના તાળા તોડી ચોર લોકોએ મકાનમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે,સુખસરમાં છેલ્લા એક વર્ષમાં સંતરામપુર રોડ સોસાયટીમાં તથા ચોવીસ કલાક વાહનોથી ધમધમતા સુખસર બસ સ્ટેશન વિસ્તારના રહેણાંક મકાન તથા કરિયાણાની દુકાનોમાં સાત જેટલી ચોરીઓ થયેલ છે.જેમાં કરિયાણાની દુકાનોમાં ચોરી કરી જનાર તસ્કરો સ્પષ્ટ પણે સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયેલા જોવા મળ્યા હતા.તેમ છતાં આજ દિન સુધી આ તસ્કરોનું પગેરું સુખસર પોલીસ મેળવી શકી નથી. જ્યારે હાલમાં બિલકુલ પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલા મકાનમાં ચોરી કરી પોલીસ સામે પડકાર ફેંકી જનાર તસ્કરો સુધી પોલીસ પહોંચી શકશે કે કેમ?તેવી ગ્રામજનોમાં ચર્ચા ઊઠવા પામેલ છે.