
ફતેપુરાના વાંગડમાં દીકરીએ કોર્ટ મેરેજ કરતા પિયરયાઓએ દીકરીનુ જ ઘર બાળી લાખોનું નુકસાન કર્યુ, સાસુને જીવતી બાળવાની ધમકીઓ આપતા ફરિયાદ
ફતેપુરા તા.15
વાંગડમા દીકરીએ પ્રેમી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. જેથી પિયરીયા દીકરી પરત મેળવવા મરણિયા બન્યા હતા. ટોળાએ ઘર સળગાવી દઇ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
છોકરીએ પિતાના ઘરે જવાનો ઈન્કાર કરી દીધો ફતેપુરા તાલુકાના વાંગડ ગામના ગરાડીયા ફળિયામાં રહેતા દમયંતીબેન રમણભાઇ પારગીનો છોકરો હિતેશ ગામના જ વરસીંગભાઇ કાળુભાઇ પારગીની છોકરીને અઢી મહિના પહેલા ભગાડી ગયો હતો અને તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. ત્યારે છોકરીના પિતા સહિતના પરિવારજનો અવાર નવાર છોકરાના ઘરે જઇ છોકરી પરત સોંપી દેવા ધાકધમકી આપતા હતા પરંતુ છોકરીએ કોર્ટ મેરેજ કર્યા હોવાથી પિતાના ઘરે જવાની ના પાડી દીધી હતી.
યુવતીના પિતા તેમજ ટોળાએ કાકડાઓ સળગાવી ઘર ફૂંકી માર્યુ
જેથી તેની અદાવતે છોકરીના પિતા વરસીગભાઇ કાળુભાઇ પારગી સહિતનું ટોળુ એકાએક ધસી આવ્યું હતું. છોકરીના ભાઇએ દશરો તુવેરના સુકા સરેટાથી બનાવેલ ઢાળીયાની દીવાલ ઉપર કેરોસીન છાંટી દિવાસળીથી આગ ચાંપી સળગાવી દીધી હતી. વાંસના લાકડાવાળા કાકડાઓ લઇ આવી તેના ઉપર કેરોસીન રેડી સળગાવી ઘરની બન્ને ભાગે આગ લગાડી દીધી હતી. જેથી ઘર વખરી,તીજોરીમાં મુકેલા દાગીના, અનાજ ખાખ જતાં 3,33,000 રૂપિયાનું નુકસાન થયુ હોવાનુ અનુમાન છે.
દમયંતીને સળગાવી દો તેવી બૂમો પાડી ધમકીઓ આપી
દમયંતી સળગાવી દો કહેતા દમયંતીબેન ત્યાંથી જીવ બચાવી નાસી ગયા હતા. ત્યાર બાદ ટોળુ કીકયારી કરી જતા રહ્યા હતા અને ધમકીઓ આપી કે આજે તું એકલી છે એટલે બચી ગઇ છે પણ જે દિવસે બધા ભેગા મળી જશો તે દિવસે એક સાથે બધાને સળગાવી દઇશું. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા.