
શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ ફતેપુરા
ફતેપુરા નગરમાં દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયેલી ગ્રામ પંચાયતને બરતરફ કરવા મુખ્યમંત્રીશ્રીને આવેદન પાઠવ્યું
ફતેપુરા પંથકમાં ગેરકાયદેસર દબાણોના મામલે ગામ પંચાયતની નબળી કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા.
દબાણ મામલે નબળી કામગીરીના સાથે જાગૃત નાગરિકો દ્વારા આવેદનપત્ર ફતેપુરામાં મામલો ગરમાયો
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી ઓફિસોની આજુબાજુની (શેઢા પાડોશી જમીન) અને ગામતળાવની આજુબાજુની (તળાવ તથા પાળ ફરતે શેઢા પાડોશી) સરકારી જમીનોમાં થયેલા દબાણો, પુરાણો તથા બાંધકામ દુર કરાવવા અને દબાણ કરનાર કરોડપતિ તથા વગદાર એવા કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા પંચાયત સદર સરકારી મીલક્તો જાળવવામાં નિષ્ફળ ગયેલ હોય પંચાયતોને બરતરફ કરવા બાબતે આજરોજ ફતેપુરા તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફતેપુરાના માલતદાર મારફતે આવેદનપત્ર રવાના કર્યું હતું.
દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં રહેતાં મહંમદરફીક ઈદ્રીશભાઈ શેખ, દીલિપભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ, યતિનકુમાર અશ્વિનભાઈ દેસાઈ તથા વિગેરે ફતેપુરાના ગ્રામજનો દ્વારા આજરોજ ફતેપુરાના મામલતદાર ને મુખ્યમંત્રીને સંબોધતું એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ગ્રામ પંચાયતના વિસ્તારની હદમાં સરકારી કચેરીઓ જેવી કે, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, આઈ.સી.ડી.એસ. કચેરી, એટીવીટી ઓફિસ વિગેરે સરકારી ઓફિસો જે સર્વે નંબરોમાં બનાવવામાં આવેલ છે તેજ સર્વે નંબરની બાકીની ખુલ્લી રહેલી જમીન તથા તેની આજુબાજુ શેઢા પાડોસમાં બીજી પણ સરકારી જમીન આવેલી છે તે સરકારી ઓફિસની પાડોશમાં આવેલી સરકારી જમીનમાં તો અધિકારીઓના નાક નીચે ગેરકાયેદસર બાંધકામ કરી આંખુ કોમ્પલેક્ષ બનાવી દેવામાં આવ્યું છે તથા તે સિવાયની ઓફિસોની પાડોશમાં આવેલ સરકારી જમીનોમાં બીજા પણ બાંધકામ કરીને તથા આ ભાગની જમીન ડુંગર હોઈ કેટલીક જગ્યાએ ખોદકામ કરીને ગેરકાદેસર રીતે કબજાે કરી લઈ સરકારી મિલ્કત પચાવવાની કોશિષ કરેલ છે. આમ, ગેરકાયદે રીતે ખોદકામ તથા બાંધકામમાંથી દબાણો કરીને પચાવી પાડેલી જમીનો પરના તમામ દબાણો ખુલ્લા કરવા જરૂરી છે તેવીજ રીતે ફતેપુરા ગામ તળાવ તરીકે ઓળખાતું લગભગ પાંચ એકર જમીનમાં એક તળાવ ફેલાયેલું છે તે તળાવની આજુબાજુ પણ કેટલાંક શેઢા પાડોશી તળાવના ભાગની જમીનને ખોટી રીતે પોતાની જમીન બતાવી તળાવની દક્ષિણ દિશામાં તથા પુર્વ દિશા તરફના ખેતર માલિકોએ તળાવમાં પુરાણ કરીને દબાણ કરેલ છે તેજ રીતે તળાવની ઉત્તર દિશામાં પણ શેઢા પાડોશી દ્વારા તળાવની પાળની જગ્યામાં ખોદાણ કરી દબાણ ઉભું કરી સરકારી મિલ્કત પચાવવાની કોશિષ કરેલ છે. કેટલાંક લોકો દ્વારા કાયદાને ઘોળીને પી ગયાં છે અને આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે ફતેપુરાના જાગૃત નાગરીકો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
————————–