Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મળવા પાત્ર વિવિધ લાભો બાળકો અને મહિલાઓ સુધી સમયસર નહીં પહોંચતા હોવાની ઉઠેલી બૂમો.

September 23, 2022
        1600
ફતેપુરા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મળવા પાત્ર વિવિધ લાભો બાળકો અને મહિલાઓ સુધી સમયસર નહીં પહોંચતા હોવાની ઉઠેલી બૂમો.

બાબુ સોલંકી, સુખસર

 

ફતેપુરા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મળવા પાત્ર વિવિધ લાભો બાળકો અને મહિલાઓ સુધી સમયસર નહીં પહોંચતા હોવાની ઉઠેલી બૂમો.

 

સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તથા પોષણ સુધા યોજના હેઠળ સંગર્ભા તથા ધાત્રી બહેનોને આંગણવાડીના માધ્યમથી કિટ તથા પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.

 

તાલુકાના કેટલાક ગામડાઓમાં પ્રસુતા બહેનોને સરકાર દ્વારા મળવાપાત્ર રકમ ત્રણ વર્ષનો સમય વિતવા છતાં ફાળવવામાં નહીં આવી હોવાની ચર્ચા.

તાલુકાની કેટલીક આંગણવાડી કેન્દ્રો દ્વારા માતૃશક્તિ તથા પોષણ સુધા યોજનાની લાભાર્થી બહેનોને નિયમ મુજબ લાભ નહીં આપી કટકી કરવામાં આવતી હોવાની બૂમો.

 

તાલુકામાં આવેલ કેટલાક આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની બતાવવામાં આવતી સંખ્યાની સરખામણીએ જુજ બાળકો હાજરી આપે છે.

 

સુખસર,તા.23

        સ્ત્રીના જીવનમાં સંગર્ભા અને ધાત્રી અવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે.આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તથા પોષણ સુધા યોજના અમલમાં મૂકેલી છે.અને આ યોજનાનો લાભ આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી બાળકો તથા સંધર્ભા અને ધાત્રી બહેનો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.પરંતુ ફતેપુરા તાલુકાના કેટલાક આંગણવાડી કેન્દ્રોમાં સરકારના ધ્યેય મુજબ કામગીરી કરવામાં આવતી નહીં હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે.

      પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લાના નવ તાલુકાઓમાં ગત તારીખ 1/6/2022 થી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મૂકી તેની શરૂઆત કરવામાં આવેલ છે.જેમાં “સશક્ત મહિલા,સાક્ષર બાળક, સ્વસ્થ બાળક”ના ઉદ્દેશથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.અને તેમાં પ્રથમ વખતની સંગર્ભા મહિલા અથવા પ્રથમ બાળક (બે વર્ષ સુધી)નું થાય ત્યાં સુધી માતાને દર મહિને 2 કિલો ચણા,1 કિલો તુવેર દાળ તથા 1 લીટર ખાદ્ય તેલ આગણવાડી કેન્દ્રના માધ્યમથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

      જ્યારે પોષણ સુધા યોજનામાં સંગર્ભા બહેનોને અઠવાડિયામાં છ દિવસ સુધી પોષણયુક્ત આહાર આપવામાં આવે છે.તેમાં સોમવારના રોજ થેપલા,દાળ-ભાત તથા શાક. મંગળવાર પરોઠા,શાક અને દાળ ભાત.બુધવાર લાપસી,શિરો તથા દાળ-ભાત.ગુરૂવાર રોટલી,શાક અને ખીચડી.શુક્રવાર પરોઠા,ચણા તથા વઘારેલા ભાત.શનિવાર શીરો,લાપસી,શાક,દાળ-ભાત આંગણવાડી ખાતે તૈયાર કરીને આપવાનો નિયમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

     અહીંયા જણાવવું જરૂરી છે કે, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં આપવામાં આવતી ચણા, તુવર દાળ તથા ખાદ્યતેલની કીટમાં ફતેપુરા તાલુકાની કેટલીક આંગણવાડી કેન્દ્રોમાં જવાબદારો દ્વારા લાભાર્થી બહેનોને મળવા પાત્ર ચીજ વસ્તુઓમાં કપાત કરી આપવામાં આવતી હોવાની તેમજ કેટલીક આંગણવાડી કેન્દ્રો દ્વારા ચાર માસમાં આ કીટ માત્ર એકાદ-બે માસ વિતરણ કરી મહિલાઓ સાથે અન્યાય કર્યો હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળે છે.આંગણવાડી કેન્દ્રમાં પોષણ સુધા યોજના હેઠળ સંગર્ભા બહેનોને જે પૌષ્ટિક ભોજન આપવાનું હોય છે તેનો કેટલીક આગણવાડી કેન્દ્રો દ્વારા હાલ સુધી અમલ કરવામાં નહીં આવતો હોવાનું પણ જાણવા મળે છે.આ બાબત કલ્પના કે આક્ષેપ નહીં પરંતુ હકીકત છે.અને સરકારના નિયમોની અવગણના કરતા આંગણવાડી કેન્દ્રોના સંચાલકો સહિત નોંધાયેલ સંગર્ભા અને ધાત્રી બહેનોની ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો અનેક આગણવાડી સંચાલીકાઓ સહિત તાલુકાના જવાબદારોની બેદરકારીથી ચલાવવાથી લાલિયાવાડી પ્રકાશમાં આવી શકે તેમાં કોઈ બે મત નથી.

     ફતેપુરા તાલુકાના સરકારી દવાખાનાઓમાં બાળ સેવા કેન્દ્રોનું સંચાલન કરવામાં આવે છે.અને તેમાં બાળક સહિત તેની માતાને 14 દિવસ સુધી આ સેવા કેન્દ્ર ખાતે દવા અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા માતાના ખાતામાં રૂપિયા 2500/- સહાય આપવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક જવાબદારો દ્વારા સામાન્ય ભૂલ ઉભી કરી મહિનાઓ સુધી આ નાણાંની ચુકવણી કરવામાં નહીં આવતી હોવાના પણ કિસ્સા જોવા મળેલ છે.

      અહીંયા ખાસ એ પણ નોંધનીય બાબત છે કે,આંગણવાડી કેન્દ્રમાં પહેલી તથા બીજી પ્રસુતિની નોંધાયેલ સંગર્ભા બહેનોને પ્રસુતિ બાદ સરકાર દ્વારા ₹5,000 સહાય પેટે ચૂકવવામાં આવે છે.તેમાં ફતેપુરા તાલુકામાં કેટલાક ગામડાઓની બહેનોએ જે-તે સમયે જરૂરી ડોક્યુમેન્ટની પૂર્તતા કરવા છતાં ત્રણ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી આ નાણાની ચુકવણી કરવામાં નહીં આવી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામેલ છે. જેની બે થી ત્રણ વર્ષ અગાઉ આગણવાડીમાં નોંધાયેલ સંગર્બભા બહેનોની તપાસ સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી કેન્દ્રમાં કરવામાં આવે તો સત્યતાબહાર આવી શકે તેમ છે.ત્યારે આ લાભની વર્ષોથી રાહ જોતી બહેનોને મળવાપાત્ર સહાય વહેલી તકે ચૂકવી આપવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે

અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,ફતેપુરા તાલુકામાં અનેક આંગણવાડી કેન્દ્રો માત્ર કાગળ ઉપર ચાલી રહ્યા હોય તેમ જણાય છે.તેમાં કેટલીક આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ બાળકોની સંખ્યા મુજબ આંગણવાડીમાં બાળકોની હાજરી જોવા મળતી નથી.જ્યારે કેટલીક આંગણવાડી કેન્દ્રો સરકારના નિયમ મુજબ ચાલુ-બંધ કરવાના અને બાળકોને આંગણવાડી દ્વારા મળવા જોઈતા શિક્ષણના નિયમને પણ બાજુ ઉપર રાખી આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરવામાં આવતું હોવાનું જોવા અને જાણવા મળે છે. તેમજ બાળકોને જે પૌષ્ટિક આહાર ના પાઉચો આપવામાં આવે છે તે પાઉચો કેટલીક આગણવાડીઓ દ્વારા એક જ દિવસે આપી દઈ પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ માની લેવામાં આવતો હોવાનું પણ જોવા મળે છે. કેટલાક લોકો આ પાઉચોના પૌષ્ટિક આહાર નો પશુઓને ખવડાવવાના ઉપયોગમા લેતા હોવાની પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.ત્યારે આ બાબતે ફતેપુરા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી આંગણવાડી કેન્દ્રોની જિલ્લા સહિત રાજ્યકક્ષાએથી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સરકાર દ્વારા જે ધ્યેયથી કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તે સાર્થક થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!