બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલ કચેરીમાં ફરજ બજાવતા લાઈનમેનનું વાંગડ ખાતે મોટરસાયકલ અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત.
ફરજ પૂરી કરી પરત જતા વીજ કર્મચારીને અકસ્માતમાં હાથે, પગે,શરીરે તથા માથામાં જીવલેણ ઇજાઓ થતા સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું.
વીજ કર્મચારીની મોટરસાયકલ સાથે અજાણ્યા મોટરસાયકલ ચાલકે અકસ્માત કરી ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો.
સુખસર,તા18
ફતેપુરા તાલુકામાં વાહન ચાલકોને મળેલા છૂટા દોરને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.તાલુકામાં રાહદારીઓ તથા વાહન ચાલકો સાથે કયું વાહન ક્યારે અકસ્માત નોતરે અને જીવલેણ સાબિત થાય તે કાંઈ નક્કી નથી. સવારે ઘરેથી નીકળી કામ ધંધે જતા લોકો સાંજે સહી સલામત પરત ઘરે ફરશે કે કેમ તે કાંઈ નક્કી નથી.છતાં વાહન ચાલકો પ્રત્યે વહીવટી તંત્રો આંખ આડા કાન કરી રહ્યા છે. તાલુકામાં દિન-પ્રતિદિન વાહનચાલકોની બેદરકારીના કારણે ચિંતાજનક રીતે વાહન અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે.જેમાં કેટલાક વાહન ચાલકોની લાપરવાહીથી નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. જેમાં ફતેપુરા તાલુકામાં શનિવારના રોજ મોટી ઢઢેલી તથા વાંગડ ગામે વાહન અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નીપજવા પામેલ છે.જેમાં ફતેપુરા સબ ડિવિઝનમાં લાઈનમેન તરીકે ફરજ બજાવતા કર્મચારીને અજાણ્યા વાહન ચાલકે વાંગડ ગામે અડફેટમાં લઈ અકસ્માત કરતા સારવાર મળે તે પહેલા સ્થળ ઉપર જ કમ કમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલ કચેરી ખાતે લાઈનમેન તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ભલાભાઇ પારગી રહે.સલરા ડામોર ફળિયા તા.
ફતેપુરા નાઓ શનિવારના રોજ કાળીયા,નાની-મોટી ઢઢેલી,ઘાટાવાડા, લખણપુર વિગેરે ગામડાઓમાં પોતાની ફરજમાં આવતી કામગીરી કર્યા બાદ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પરત ફતેપુરા સબ ડિવિઝન ખાતે પોતાની મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા.તેવા સમયે વાંગડ ગામે સામેથી અજાણ્યા મોટરસાયકલ ચાલકે પુરપાટ અને ગફલત ભરી રીતે રોંગ સાઈડમાં પોતાના કબજાના વાહનને હંકારી લાવી ભરતભાઈ પારગીની મોટરસાયકલ સાથે ધડાકાભેર ટક્કર મારતા ભરતભાઈ જોશભેર જમીન ઉપર પટકાયા હતા.જેથી તેઓને હાથે, પગે,શરીરે તથા માથામાં ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને સારવાર મળે તે પહેલા જ અકસ્માત સ્થળે જ ભરતભાઈ પારગીનું કમકમાટી ભર્યુ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.ઘરના મોભીનું અકાળે અકસ્માતમાં મોત નીપજતા પરિવાર સહિત સ્ટાફમાં હાહાકાર સાથે શોકની લાગણી વ્યાપી જવા પામી હોવાનું જાણવા મળે છે.
અકસ્માત સંદર્ભે મૃતકના પુત્ર ઉમેશભાઈ ભરતભાઈ પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી ફરાર મોટરસાયકલ ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.