Saturday, 01/10/2022
Dark Mode

ફતેપુરા તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશને દાહોદ જિલ્લા ડી.ડી.ઓ દ્વારા ફરજ મોકુફ કરાયા.

August 8, 2022
        1126
ફતેપુરા તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશને દાહોદ જિલ્લા ડી.ડી.ઓ દ્વારા ફરજ મોકુફ કરાયા.

બાબુ સોલંકી, સુખસર / શબ્બીર સુનેલવાલા, ફતેપુરા

 

 

ફતેપુરા તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશને દાહોદ જિલ્લા ડી.ડી.ઓ દ્વારા ફરજ મોકુફ કરાયા.

 

તાલુકા પંચાયતના એકાઉન્ટ વિભાગમાંથી ચેકની ચોરી કરી ધી આફવા વિભાગ મ.કા.સ મંડળી લી ના સંચાલક દ્વારા રૂપિયા 65,15,547/- ઉપાડી લેવામાં આવ્યા હતા.

 

ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ શાખામાંથી ચેકની ચોરી થતાં ફરજમાં નિષ્ક્રિયતા અને દુર્લક્ષતા દાખવવા બદલ ફરજ મોકુફ કરાયા.

 

સુખસર,તા.08

 

     ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતેથી આફવા મંડળીના સંચાલક દ્વારા ચેકની ચોરી કરી તેમાં લાખો રૂપિયાની રકમ ભરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઝાલોદ શાખામાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાતા હિસાબી શાખાના નિયમિત જવાબદાર કર્મચારી તરીકે કામગીરીમાં નિષ્ક્રિયતા તથા દુર્લક્ષતા દાખવવા બદલ નાયબ હિસાબનીશને ફરજમાં મોકુફ કરાતા અને તપાસનો ધમધમાટ શરૂ થતાં તાલુકા પંચાયત સહિત ગેરરીતિ આચરવામાં ભાગ ભજવનાર કૌભાંડીઓમાં ચકચાર મચી જવા પામી છે.અને પોતાના બચાવ માટે દોડાદોડી કરી હવાતીયા મારી રહ્યા હોવાનું જાણવા મળે છે.

     પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી માંથી ગત 1 ઓગસ્ટ-22 પહેલા એકાઉન્ટ શાખા માંથી ચેકની કહેવાતી ચોરી થઈ હતી. અને આ ચેકમાં ફતેપુરા તાલુકાના આફવા ગામે આવેલ ઘી આફવા વિભાગ મ.કા.સ મંડળી લી.ના સંચાલક રાજેશભાઈ ભેમાભાઈ લબાના દ્વારા રૂપિયા 65,15,547/- ભરી નાણા ઉપાડી લેવામાં આવ્યા હતા.જે બાબતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી જે.એમ.ઠાકોર દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.તેના અનુસંધાને રવિવારના રોજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયત કચેરી ફતેપુરાની મુલાકાત લઇ હિસાબી શાખાના એક નિયમિત જવાબદાર કર્મચારી તરીકે આ પ્રકારે કામગીરીમાં નિષ્ક્રિયતા તથા દુર્લક્ષતા દાખલવા બદલ નાયબ હિસાબનીશ એચ.બી.ભાવસારને ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ)નિયમો-1997 ના નિયમ-5 ની જોગવાઈ હેઠળ સાક્ષી પુરાવાને તેમજ રેકર્ડને નુકસાન કરે/કરાવે નહીં તે માટે નાયબ હિસાબનીશ સંવર્ગના નિમણૂક સત્તાધિકારીની રુએ અધિકાર પરત્વે ફરજ મોકુફી સમય દરમિયાન જી.સી.એસ.આર ના નિયમો (ફરજ પર જોડાવાનો સમય, રાજ્યેત્તર સેવા,ભારત બહાર પ્રતિનિયુક્તિ,ફરજ મોકુફી, બરતરફી અને રુખસદ)- 2022 ના નિયમ-68,69 ની જોગવાઈ મુજબ ફરજ મોકૂફીના પ્રથમ છ માસ માટે હાલ મળતા પગારના કર્મચારી અર્ધપગારી રજા પર હોય તેને જે પગાર મળવાપાત્ર થાય તે પગાર જેટલી રકમ અને સદર હું પગાર ઉપર મળવા પાત્ર મોંઘવારી ભથ્થુ નિર્વાહ ભથ્થા તરીકે ચૂકવવાની શરતે ફરજ મોકુફ કરાયા હોવાનું જાણવા મળે છે.

      માની લો કે ચેકની એકાઉન્ટ શાખામાંથી ચોરી થઈ છે,જવાબદાર અધિકારીઓની ડુપ્લીકેટ સહીઓ કરવામાં આવી છે,પરંતુ સિક્કા ક્યાંથી આવ્યા?અને ડુપ્લીકેટ સહી-સિક્કાથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવી રાષ્ટ્રીય કૃત બેંકમાં સરકારી નાણાનો ચેક જમા કરાવી માતબર રકમ ઉપાડી લેવામાં આવી હોય તો સામાન્ય નાગરિકો કે જેઓ બેંક ખાતેદારો છે તેમના નાણાની સલામતી કેટલી?આ જ પ્રકારે ગત સમયમાં ગેરરીતિઓ નહીં આચરવામાં આવી હોય તેવું કઈ રીતે માની શકાય?એ વાત પણ ગળે ઉતરે તેમ નથી કે,તાલુકા પંચાયતના કર્મચારી સિવાય બાહ્ય વ્યક્તિ તાલુકા ની એકાઉન્ટ શાખામાં પ્રવેશ કરે,ચેક ચોરી જાય,ડુપ્લીકેટ સહી સિક્કા કરે, રાષ્ટ્રીય કૃત બેંકમાં આ ચેક નાખે અને બેંક સહી સિક્કા બાબતે તપાસ કર્યા વિના લાખો રૂપિયા કોઈપણ વ્યક્તિને ચૂકવી આપે!

       હાલ તો ફતેપુરા તાલુકાની એકાઉન્ટ શાખામાંથી ચેક ચોરીની ઘટના ટોક ઓફ ધી ટાઉન બનવા પામેલ છે.પરંતુ ખરેખર આ ચેકની ચોરી થઈ છે કે પછી તેમાં અન્ય કોઈ તાલુકાના જવાબદારો કે બાહ્ય વ્યક્તની સંડોવણી છે?તેની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી સત્યતા બહાર લાવવી ખૂબ જ જરૂરી જણાય છે કારણ કે આ નાણાં કોઈ એક વ્યક્તિના નથી પરંતુ તે પ્રજાના છે અને પ્રજાના નાણાંનો કોઈ વ્યક્તિગત લોકો દૂર ઉપયોગ કરી જાય તે કેટલા અંશે વ્યાજબી છે..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!