
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના વાલ્મિકી સમાજના લાભાર્થીઓને સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ સહાય મેળવવા ત્રણ વર્ષથી ધરમધક્કા.!!!!
દાહોદ સમાજ કલ્યાણ શાખા દ્વારા વાલ્મિકી સમાજના આફવા,ફતેપુરા,ભોજેલા તથા વટલીના સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ લાભ મેળવવા 19 ગરીબ લાભાર્થીઓ બે વર્ષથી ધક્કા ખાય છે.
દાહોદ સમાજ કલ્યાણ શાખામાં આફવા,ફતેપુરા તથા વટલીના બાર લાભાર્થીઓ આવાસ યોજનાનો ત્રીજો હપ્તો મેળવવા ત્રણ વર્ષથી રાહ જોઈ રહ્યા છે.?
સફાઈ કામદાર આવાસ યોજનાના પ્રથમ હપ્તાનો લાભ મેળવવા 19 લાભાર્થીઓએ રૂપિયા 26000/-જ્યારે ત્રીજા હપ્તાની રકમ મેળવવા 12 લાભાર્થીઓએ રૂપિયા 11000/- શાખાના જવાબદારોને આપ્યા હોવાનો આક્ષેપ.
પાંચ માસ અગાઉ વાલ્મિકી સમાજના લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા ફતેપુરા મતવિસ્તાર ધારાસભ્ય અને દંડક રમેશભાઈ કટારાની ભલામણ સામે કચેરીના જવાબદારો દ્વારા આંખ આડા કાન કર્યા.?
નવ માસ અગાઉ ત્રીજા હપ્તાની રકમ મેળવવા નિયામક, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમને રજૂઆત કરી પરંતુ પરિણામ કોઈ નહીં.
સુખસર,તા.28
દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ (અનુસૂચિત જાતિ)શાખામાં વર્ષોથી મનસ્વી વહીવટ ચલાવાઈ રહ્યો છે. જેમાં રોહિત,વણકર તથા વાલ્મિકી સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને સમાજ કલ્યાણ દ્વારા મળતા વિવિધ લાભો મોટાભાગે મળતિયાઓ તથા તંત્રના જવાબદાર વહીવટકર્તાઓ દ્વારા ગેરલાભ ઉઠાવી સાચા લાભાર્થીઓ સાથે હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે. જ્યારે સાચા લાભાર્થીઓ દાહોદ સમાજ કલ્યાણ શાખાના મહિનાઓ કે વર્ષો સુધી ધરમધક્કા ખાવા છતાં તેમને ન્યાય નહીં મળતો હોવાની ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાંથી બૂમો ઊઠવા પામેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રોહિત સમાજ સહિત વાલ્મિકી સમાજના અનેક ગરીબ લાભાર્થીઓ દ્વારા દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખાના માધ્યમથી મળતા આંબેડકર આવાસ તથા સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ મેળવવા અનેક લાભાર્થીઓએ ડોક્યુમેન્ટ પૂરા પાડેલ હોવા છતાં વર્ષો વીતવા છતાં મોટાભાગના લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ નહીં આપી અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે.તેમાં ફતેપુરા તાલુકાના ફતેપુરા,આફવા,ભોજેલા,વટલી વિગેરે ગામડાઓમાં વસવાટ કરતા વાલ્મિકી સમાજના 12 જેટલા ગરીબ લાભાર્થી ઓએ સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ મકાન સહાય મેળવવા તમામ ડોક્યુમેન્ટની પૂર્તતા કચેરીમાં જમા કરાવેલ હોવા છતાં તેઓને ત્રણ વર્ષનો સમય વિતવા છતાં ત્રીજા હપ્તાની રકમ આજદિન સુધી ચૂકવવામાં નહીં આવી હોવાની બૂમો ઊઠી રહી છે.અને આ બાબતે નવ મહિના આગળ નિયામક,ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગરને પણ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં નહીં આવ્યું હોવાનું અરજદારો દ્વારા જાણવા મળે છે.
જ્યારે 19 જેટલા વાલ્મિકી સમાજના લાભાર્થીઓએ બે વર્ષ અગાઉ સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ લાભ મેળવવા દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખામાં તમામ ડોક્યુમેન્ટની પૂર્તતા કરી આપેલ હોવા છતાં તેઓને આજદિન સુધી પ્રથમ હપ્તાની રકમ ચૂકવવામાં નહિં આવી હોવાનું અરજદારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ લાભાર્થીઓને આવાસ યોજનાની સહાય મંજૂર કરવા ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા દ્વારા પાંચ માસ અગાઉ ભલામણ કરવામાં આવેલ હોવા છતાં તે ભલામણને પણ શાખાના જવાબદારો ધોળીને પી ગયા હોવાનું જાણવા મળે છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ દાહોદ સમાજ કલ્યાણ શાખા દ્વારા ફતેપુરા તાલુકાના વાલ્મિકી સમાજના જે 12 લાભાર્થીઓએ ત્રીજા હપ્તાની રકમ મેળવવા રૂપિયા 11000/- તથા 19 જેટલા લાભાર્થીઓએ પ્રથમ હપ્તાની રકમ મેળવવા રૂપિયા 26000/- હજાર ફુલ મળી રૂપિયા 37000/-હજાર રૂપિયા માત્ર એક આગેવાન દ્વારા શાખાના જવાબદારોને લાગવગ સ્વરૂપે આપ્યા હોવા છતાં પહેલા તથા ત્રીજા હપ્તાની રકમ ચૂકવવામાં નહિં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.ત્યારે ફતેપુરા તાલુકાના અન્ય ગરીબ દલિત લાભાર્થીઓ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં સમાજ કલ્યાણ શાખા દ્વારા આવાસ યોજના તથા અન્ય લાભો મેળવવા જતા દલિત લાભાર્થીઓ સામે સમાજનાજ મળતિયાઓ સહિત શાખાના જવાબદારો દ્વારા અંદર ખાને શું ચલાવાઇ રહ્યું છે?તેની તટસ્થ અને ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો વિચિત્ર વિગતો પ્રકાશમાં આવી શકે તેમ જણાઈ રહ્યું છે.