
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના જવેસી ગામે અજાણ્યા વાહનની અડફેટે આવેલા ૪૫ વર્ષીય પુરુષનું મોત.
જવેસી ગામના વીરસીંગભાઇ કટારા શુક્રવારના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં દુકાને જઇ પરત ઘરે આવતાં અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતા ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
અકસ્માત નોતરી વાહનચાલક સ્થળ ઉપરથી પોતાના કબજાના વાહને લઈ ફરાર થયો.
સુખસર,તા.11
ફતેપુરા તાલુકામાં એક અકસ્માત મોતની શાહી સુકાતી નથી ત્યાં જ બીજો અકસ્માત મોતનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે.તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ બનેલા વાહનચાલકો પોતાના કબજાના વાહનોને પોલીસ તથા આરટીઓના નિયમોની ઐસી તૈસી કરી કોઈપણ જાતના ડર વિના હંકારી રહ્યા છે.અને દિન-પ્રતિદિન વાહન અકસ્માત નોતરી રહ્યા છે.છતાં અકસ્માત બનાવોમાં ઘટાડો થાય તેવા કોઇ જ પગલાં ભરવામાં આવતા નથી.અને નિર્દોષ લોકો કાળનો કોળિયો બનતા જઈ રહ્યા છે. જેમાં વધુ એક બનાવ ફતેપુરા તાલુકાના જવેસી ગામે દુકાને જઈ પરત ઘરે આવી રહેલા 45 વર્ષીય વ્યક્તિ ને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઇ ગંભીર ઈજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના જવેસી ગામે રહેતા વીરસીંગભાઇ હકરાભાઈ કટારા ઉંમર વર્ષ આશરે 45 નાઓ શુક્રવાર રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં જવેસી ગામે દુકાન ઉપર જઈ પરત ઘરે આવી રહ્યા હતા.તેવા સમયે જવેસી મેઇન રસ્તા ઉપર આવેલ લખણપુર ચોકડી પાસે અજાણ્યા વાહનચાલકે પોતાના વાહનને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી વીરસીંગભાઇ કટારાને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.અને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી.અને વીરસીંગભાઇ કટારાનુ અકસ્માતના સ્થળ ઉપર જ કમાટી ભર્યું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.અકસ્માત નોતરનાર વાહનચાલક રાત્રી સમયનો ગેરલાભ ઉઠાવી પોતાના વાહનને સ્થળ ઉપરથી લઈ ફરાર થઈ ગયો હતો.આમ જવેસી ગામે અજાણ્યા વાહનચાલકે પરિવારના મોભીને અડફેટમાં લઇ મોત નિપજાવતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હોવાનુ જાણવા મળે છે.