
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાની ગર્ભવતી પરણિતાને સાત વર્ષના પુત્ર સાથે ઉત્તરપ્રદેશના ઈસમ દ્વારા અપહરણ.
મોરબી બાજુ કંપનીમાં મજુરી કામે જતા મહિલા સાથે ઉત્તર પ્રદેશના ઈસમ દ્વારા પરિચય કેળવી ગેરલાભ ઉઠાવ્યો.
અપહરણનો ભોગ બનેલી મહિલાના પેટમાં પાંચ માસનો ગર્ભ ઉછરી રહ્યો છે.
પરણિતાનુ ઉત્તરપ્રદેશના ઈસમ દ્વારા સુખસર માંથી અપહરણ થયું હોવા બાબતે પરિણીતાના પતિ દ્વારા પોલીસને જાણ કરાઈ.
સુખસર,તા.23
ફતેપુરા તાલુકામાં સગીરાઓ સહિત પુખ્ત ઉંમર અને પરિણીત મહિલાઓના અપહરણના કિસ્સાઓ વધતા જાય છે.જે પૈકી મોટાભાગના કિસ્સાઓમાં સમાધાન કરી લેવામાં આવતા પોલીસ દફતર સુધી પહોંચતા નથી.અને જે કિસ્સાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે તેમાંથી ગણ્યાગાંઠ્યા અપહરણકારોની વિરુદ્ધમાં ગુના દાખલ થાય છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ અપહરણકાર ઇસમો સામે ગુના દાખલ કરવામાં આવે તો ખાસ કરીને સગીરાઓ તથા પરણિત મહિલાઓ ના થતા અપહરણ ઉપર અંકુશ લાવી શકાય તેમાં કોઈ બેમત નથી.પરંતુ આવા કિસ્સાઓ ઉપર શામ,દામ,દંડ, ની નીતિ અપનાવી સમાધાન કરી લેવામાં આવતા અપહરણના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એક ગામડાનુ યુગલ મહેનત મજૂરી અર્થે મોરબી સાઈડ કંપનીમાં મજુરી કામે અવર-જવર કરતા હતા.અને જેઓને સંતાનમાં એક સાત વર્ષનો પુત્ર છે.અને મહિલાના પેટમાં હાલ પાંચ માસનો ગર્ભ પણ ઉછરી રહ્યો છે.જ્યાં સિધ્ધપુર,ધાસી અલ્હાબાદ,ઉત્તરપ્રદેશનો સુરેન્દ્રકુમાર આત્મજ પારસ યાદવ નામનો યુવક પણ મોરબી ખાતે કંપનીમાં કામ કરતો હતો.જ્યાં આ ઉત્તરપ્રદેશના યુવકે ફતેપુરા તાલુકાના યુગલ સાથે પરિચય કેળવ્યો હતો.અને સમય જતાં સુરેન્દ્ર કુમાર યાદવ નામના ઈસમે પરણિતાને પ્રેમના પાઠ ભણાવી વિશ્વાસ સંપાદન કર્યો હતો.ત્યારબાદ પરિણીતા પોતાના વતનમાં આવી હતી.વતનમાં આવ્યા બાદ પ્રેમાન્ધ બનેલી પરણિતા અને તેનો કહેવાતો પ્રેમી એકબીજા સાથે મોબાઈલ કોન્ટેક્ટમાં રહી પ્રેમાલાપ કરતા રહ્યા.આખરે ગત તારીખ- 30/4/2022 ના રોજ પરણિતા સુખસર ખાતે કપડા સીવડાવવા જવાનું હોવાનું જણાવી પિયર માંથી નીકળી સાત વર્ષના પુત્રને લઇ સુખસર આવી હતી.જ્યારે કહેવાતો પ્રેમી પણ સુખસર આવી પહોંચ્યો હતો. ત્યારબાદ પરિણીતા મોડે સુધી પતિના ઘરે કે પિયરમાં પરત નહીં પહોંચતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ પરણિતા કે તેના સાત વર્ષના પુત્રની કોઈ ભાળ મળી ન હતી.જ્યારે ચારેક દિવસ જતા ઉત્તરપ્રદેશની જે મોરબી કંપનીમા કામ કરતી હતી અને ફતેપુરા તાલુકાના યુગલ સાથે પરિચિત હતી તેવી યુવતીએ પરિણીતાના પતિને મોબાઈલ દ્વારા જણાવેલ કે,તમારી પત્ની તથા પુત્ર હાલ ઉત્તર પ્રદેશમાં સુરેન્દ્ર યાદવના ઘરે છે ની જાણ કરતા તારીખ-05/05/2022 ના રોજ પરિણીતાના પતિએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી હોવાનું જાણવા મળે છે.
આમ ફતેપુરા તાલુકાની ગર્ભવતી પરણિતાને પ્રેમના પાઠ ભણાવી સાત વર્ષના પુત્ર સાથે ઉત્તરપ્રદેશનો યુવક અપહરણ કરી જતા હાલ પરિણીતાનો પતિ પોતાના માસુમ પુત્ર અને ગર્ભસ્થ શિશુની ચિંતા સાથે ન્યાય માટે રાહ જોઈ રહ્યો છે.