
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા મુકવામાં આવેલ નવીન બોરમાં મહિનાઓ વિતવા છતાં મોટરો ફીટ કરવા માટે મુહૂર્તની રાહ જોવાય છે.??
ફતેપુરા તાલુકામાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા ગ્રામ પંચાયતો દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કાઢવામાં આવ્યા છે.
તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતો દ્વારા 15 માં નાણાપંચની ગ્રાન્ટ થી બે માસ અગાઉ કાઢવામાં આવેલ બોરમાં હજી સુધી મોટરો મૂકવામાં આવી નથી.
તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા તાત્કાલિક ગ્રામ પંચાયતો દ્વારા કાઢવામાં આવેલ બોર માં મોટર ફીટ કરવી જરૂરી છે.
સુખસર,તા.09
ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયતના સરપંચનો કાર્યકાળ પૂરો થવાના છેલ્લા સમયે કેટલીક ગ્રામ પંચાયતોમાં 15 મા નાણાપંચની ગ્રાન્ટ દ્વારા યુદ્ધના ધોરણે બોરની કામગીરી શરુ કરવામાં આવી હતી.અને અનેક ગ્રામ પંચાયતોમાં 25 કે તેનાથી પણ વધુ બોર કાઢવામાં આવેલ છે.પરંતુ ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાવવાના સરકાર દ્વારા સંકેત અપાતા કેટલીક ગ્રામ પંચાયતોએ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવેલ કામગીરીને સ્થગિત કરી દેતા પાણીની સમસ્યા હલ કરવા માટે સરકાર દ્વારા બોરની કામગીરી પાછળ કરવામાં આવેલ ખર્ચ હાલ કટોકટીના સમયે નિરર્થક પુરવાર થઇ રહ્યો છે.જે બાબતે તાલુકા-જિલ્લાના વહીવટી તંત્રો તાત્કાલિક ધ્યાન આપે અને કરવામાં આવેલ બોરની કામગીરીમાં બાકી રાખવામાં આવેલ મોટર ફીટ કરવાની કામગીરી જવાબદારોને તાકીદે કરાવે તે આવશ્યક છે.
ફતેપુરા તાલુકામાં જૂની તથા વિભાજન કરવામાં આવેલ કુલ 85 જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે. જેમાં 33 જેટલી ગ્રામપંચાયતોની ગત ડિસેમ્બર-2021માં ચૂંટણી યોજાઈ હતી.જ્યારે બાકી રહેલી જૂની સહિત તેમાંથી વિભાજન થયેલ કુલ 52 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી એપ્રિલ માસમાં યોજાનાર હતી.અને જે ગ્રામ પંચાયતોનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો હતો તેવી ગ્રામ પંચાયતોમાં પ્રજાના મન જીતવા ગ્રામ વિકાસના કામો સહિત બોરની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.પરંતુ ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાવવા સરકારે નિર્ણય લેતા કરવામાં આવેલ કામગીરી મહિનાઓથી પૂર્ણ થવા રાહ જોતી હોવા છતાં થઈ નહી રહી હોવાનું નજરે જોતા જણાઈ રહ્યું છે.જેમાં ખાસ કરીને હાલમાં તાલુકાના કેટલા ગામડા ઓમાં પીવાના પાણીની સમસ્યા પણ દિવસે-દિવસે વધતી જઈ રહી છે.ત્યારે મુકવામાં આવેલ બોરમાં બે મહિના જેટલો સમય વીતવા છતાં તેમાં મોટરો ફિટ કરવામાં આવી નથી.અને લોકો પીવાના પાણી માટે અહીં-તહીં માટલા સાથે ભટકતા હોવાનું પણ જોવા મળે છે.ત્યારે તાલુકા-જિલ્લાના વહીવટી તંત્રોએ તાત્કાલિક ધ્યાન આપી ફતેપુરા તાલુકામાં મુકવામાં આવેલ બાકી બોરની કામગીરી અધૂરી હોય ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાવી બોરમાં મોટર ફીટ કરાવવી પીવાના પાણીની પડતી સમસ્યા હલ કરવી આવશ્યક જણાય છે.
અત્રે એ બાબત પણ ઉલ્લેખનીય છે કે,52 જેટલી ગ્રામ પંચાયતોના સરપંચોનો કાર્યકાળ પૂરો થતાં તેનો ચાર્જ વહીવટદારોને સોંપવાની તૈયારી ચાલી રહી છે.પરંતુ કેટલાક સરપંચો દ્વારા કરવામાં આવેલ અધુરી કામગીરી પૂર્ણ ક્યારે થશે તેવો ગણગણાટ પ્રજામા થઈ રહ્યો છે. તેમજ ચૂંટણીમાં ઝંપલાવવા અને આવનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લોકોના મન જીતવા યુદ્ધના ધોરણે કરવામાં આવેલ કામગીરી ચૂંટણી લંબાતાં પ્રજાનો એવો તો શું વાંક છે કે, કરવામાં આવેલ બોરની કામગીરીમાં મહિનાઓ સુધી મોટર ફિટ કરવામાં આવતી નથી?તાલુકાનો વહીવટ સરકારના નિયમો અને સ્થાનિક જવાબદાર અધિકારીઓની દેખરેખ હેઠળ ચલાવાય છે કે પછી પોતાના મતલબ ખાતર સરકારથી પ્રજાને વિમુખ કરનાર તત્વો દ્વારા..?તે એક વિચાર માંગી લેતો પ્રશ્ન છે.