
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના છાલોર ગામે ૧૭ વર્ષીય કિશોરની કથિત હત્યા સંદર્ભે મૃતકના પિતા દ્વારા ઉચ્ચ સ્તરેથી તપાસ માટે માંગ.
મૃતક કિશોર ૮ મે ૨૦૨૧. ના રોજ સાંજના ઘરેથી નીકળી ગામમાં ગયો હતો,બીજા દિવસે તેની લાશ ગામના કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.
શંકાસ્પદ મોતના બનાવને ફતેપુરા પી.એસ.આઇ તથા પીએમ કરનાર તબીબ દ્વારા હત્યાના બનાવને અકસ્માત મોતમાં ખપાવી આરોપીઓને છાવરવાનોની કોશિશ થતી હોવાનો આક્ષેપ.
મૃતકના પિતાએ ગામના જ સાત ઇસમોએના નામ સાથે રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૮
ફતેપુરા તાલુકામાં અવાર-નવાર શંકાસ્પદ મોતના બનાવોના કિસ્સા પ્રકાશમાં આવે છે.જે પૈકી મોટાભાગના કિસ્સાઓ કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં લાશો મળી આવવાના ડઝનબંધ કિસ્સાઓ બની ચૂકેલા છે.તેમાંથી મોટાભાગના બનાવો ઉપર કાયમના માટે પડદો પડી જતો હોય આવા બનાવો તાલુકામાં સમયાંતરે વધતા જઈ રહ્યા છે.તેમાં વધુ એક બનાવ ફતેપુરા તાલુકાના છાલોર ગામે ૯. મે ૨૦૨૧.ના રોજ બહાર આવતા મૃતકના પિતા દ્વારા સ્થાનિક થી લઈ રાજ્ય સરકાર સુધી રજૂઆત કરી આરોપીઓની સામે કાયદેસરનો ગુનો દાખલ કરવા માંગ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના છાલોર ગામે રહેતા તાવિયાડ અરવિંદભાઈ વીરસીંગભાઇ ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે.તેઓને સંતાનમાં બે પુત્રો હતા.જે પૈકી પહેલા નંબરનો પુત્ર નામે રવિન્દ્રભાઈ તાવિયાડ (ઉં.વ ૧૭ )ડિપ્લોમાના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો.જે હાલ લોકડાઉનના કારણે ઘરે હતો.જે તારીખ-૦૮/૫/૨૦૨૧ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં ગામમાં ગયો હતો.જ્યાંથી મોડી રાત સુધી પરત ઘરે નહીં આવતા રાતભર ઘરના સભ્યોએ આસપાસમાં તથા પરિચિતોમાં ભાળ મેળવવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.જ્યારે બીજા દિવસે રવિન્દ્રની લાશ ગામના પારગી નાથુભાઈ હીરાભાઈના કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. જેની જાણ ફતેપુરા પોલીસને કરતા બનાવના સ્થળે પી.એસ.આઈ. સિવાયના સ્ટાફ દ્વારા સ્થળ ઉપર આવી લાશને કૂવામાંથી બહાર કાઢી જોતા મૃતક રવીન્દ્રભાઇના ગળાના તથા ગુપ્ત ભાગે ઇજાઓના આંતરિક નિશાન જોવા મળતા હતાનો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બનાવના સ્થળે તથા પી.એમ સમયે પી.એસ.આઇ ની હાજરી નહીં, પોલીસ સ્ટાફ દ્વારા પંચનામા વગર લાશને પી.એમ અર્થે મોકલાઈ હોવા સહિત પી.એમ કરનાર તબીબ દ્વારા મૃતકના સ્વજનોની માંગણી ઠુકરાવાઈ હોવાનો આક્ષેપ
શંકાસ્પદ મોતના બનાવમાં સ્થળ ઉપર લાશનું પંચનામુ કરવાનું હોય છે. તેમ છતાં સ્થળ ઉપર લાશનું પંચનામુ નહીં કરી લાશને પી.એમ અર્થે ફતેપુરા સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવી હતી નો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જ્યાં મૃતકના વાલી વારસોએ લાશનું પેનલ પી.એમ કરાવવાનો આગ્રહ રાખેલ હોવા છતાં પેનલ પી.એમ કરવામાં આવ્યું નહીં હોવાનું રજુઆતમાં જણાવવામાં આવ્યું છે. તેમજ પી.એમ સમયે મૃતકના પરિવારના કોઈ બે માણસો પી.એમ કોટડીમાં હાજર રહેવા આગ્રહ કરતા ફરજ ઉપરના ફતેપુરા સરકારી દવાખાના તબીબ રાઠવા દ્વારા જણાવેલ કે,અમો પી.એમ સમયે મૃતકના પરિવારના કોઈ વ્યક્તિ ને હાજર રાખી શકીએ નહીં.નહીતો લાશને અન્ય દવાખાનામાં લઇ જવા જણાવેલ હોવાનો રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.
મારા પુત્ર ગુમ થયાં બાદ અપમૃત્યુ કેસમાં ન્યાયિક તપાસ બાબતે રજૂઆત કરતા ફતેપુરા પીએસઆઇએ ધમકાવીને બહાર કાઢી મૂક્યો હતો :- અરવિંદભાઇ તાવિયાડ(મૃતક રવિન્દ્રના પિતા,છાલોર)
મારો પુત્ર ગૂમ થયા બાદ બીજા દિવસે ગામના કૂવામાંથી તેની લાશ મળી આવી હતી.જેની અમોએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.પરંતુ આ બનાવના સ્થળે તથા પી.એમ સમયે ફતેપુરા પી.એસ.આઈ હાજર રહ્યા ન હતા.જ્યારે ફતેપુરા પી.એસ.આઇ ૧૨. મે૨૦૨૧. ના રોજ રાત્રીના આઠેક વાગ્યે અમારા ઘરે આવી અમોને જણાવેલ કે, આવતીકાલે તમો તમામ લોકો ઘરે રહેજો.તેમાંથી કોઈપણ બે વ્યક્તિ ને પોલીસ સ્ટેશનમાં બોલાવીશ અને તેઓને પોલીસ સ્ટેશનમાં આવવું પડશે. તેમ જણાવતા હું બીજા દિવસે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ગયો હતો. જ્યાં પી.એસ.આઇ બરંડા સાહેબે તેમના ચેમ્બરમાં બોલાવી કડક ભાષામાં વાત કરી તારો છોકરો ક્યાં ફરતો હતો?તેનું ધ્યાન કેમ ન રાખ્યું? તેમ જણાવી ધમકાવી મને કાઢી મૂકતા હું ઘરે જતો રહ્યો હતો.તેમજ આજદિન સુધી મારી ફરિયાદ પ્રત્યે ધ્યાન આપવામાં આવેલ નથી.અને મારા પુત્રની થયેલ હત્યા ને અકસ્માત મોતમાં ખપાવવાની કોશિશ કરવામાં આવી રહેલ હોવાનું જણાતા નાછૂટકે અમારે મારા પુત્રની હત્યામાં સંડોવાયેલા સાત જેટલા ઇસમો વિરુદ્ધ ઉચ્ચસ્તરે રજૂઆત કરવાની જરૂરત પડેલ છે.
મૃતકના પિતાએ પોતાના દીકરાના મોત સંદર્ભે ન્યાયિક તપાસ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી
મૃતક રવિન્દ્રના પિતા દ્વારા ગુજરાત પોલીસ મહાનિદેશક શ્રી,સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગર,રજીસ્ટાર શ્રી ગુજરાત હાઇકોર્ટ,અમદાવાદ.રાજ્ય માનવ અધિકાર આયોગ,ગાંધીનગર. આઇ.જી.પી, એ.ટી.એસ અમદાવાદ. રેન્જ આઇ.જી.પી પંચમહાલ,ગોધરા તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદ તરફ રજૂઆત કરી પુત્રની હત્યા બાબતે તેની તપાસ અન્ય કોઇ તપાસ એજન્સીને સોપી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.