
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં આવનાર સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીના ભાવિ ઉમેદવારોમાં થનગનાટ.
ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યના ભાવિ ઉમેદવારો પોતાની જીત નિશ્ચિત હોવાની પ્રજામાં દાવેદારી કરતા આંતરિક પ્રચારમાં જોડાયા.
કેટલાક ભાવિ ઉમેદવારો હરીફ ઉમેદવારને હરાવી માનીતા ઉમેદવારને જીત અપાવવા,જ્યારે અનેક ઉમેદવારો જીતની આશાએ ચૂંટણી જંગમાં ઝંપલાવવા થનગની રહ્યા છે.
ઉમેદવારો દ્વારા વર્ષોથી કોણીએ ગોળ ચોંટાડવાની પ્રથાથી વાકેફ અનેક ભાવિ ઉમેદવારોની આશા ઉપર બુલડોઝર ફેરવશે તેવો પ્રજામાં માહોલ.
સુખસર તા.10
ફતેપુરા તાલુકામાં આવનાર સમયમાં યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણીના પડઘમ સંભળાતા ગ્રામ પંચાયતમાં સરપંચ તથા સભ્યોની ઉમેદવારી નોંધાવનાર ભાવિ ઉમેદવારો ગેલમાં આવી ગયા છે.અને ચૂંટણી લડવા થનગની રહ્યા છે.ગ્રામ્ય વિસ્તારોમાં હાલથી જ આંતરિક રીતે સરપંચ તથા સભ્યોમાં ઉમેદવારી નોંધાવનાર ભાવિ ઉમેદવારો પ્રજાને પોતાના તરફ આકર્ષી રહ્યા છે.જ્યારે જાગૃત પ્રજા પોતાની જીત માટે કોણીએ ગોળ ચોંટાડતા કેટલાક ભાવિ ઉમેદવારોનો તમાશો જોઇ રહી છે. પરંતુ પ્રજામાં જાગૃતિ આવી છે ત્યારે અનેક ઉમેદવારોની આશા ઉપર પ્રજા પણ પાણી ફેરવવા તત્પર હોવાનો માહોલ સર્જાઈ રહ્યો છે.ત્યારે ફતેપુરા તાલુકામાં આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંમ્પન્ન થાય તેના માટે વહીવટીતંત્રોએ સાવચેતીના પગલા માટે હાલથી જ તૈયારી કરવી જરૂરી જણાય છે.
ફતેપુરા તાલુકામાં આવનાર ટૂંક સમયમાં પચાસ ઉપરાંત ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે.જે ચૂંટણીમાં ઝંપલાવવા સરપંચ તથા વોર્ડ સભ્ય ની એક-એક બેઠક માટે અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા થનગની રહ્યા છે.તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ ભાવિ ઉમેદવારો આંતરિક રીતે પોતાના તરફી મતદાન કરવા વિવિધ પ્રલોભનો પણ આપી રહ્યા છે જ્યારે બીજી બાજુ પંચાયતી રાજની સ્થાપના બાદ વિવિધ પ્રલોભનો આપી ચૂંટણી લડતા ઉમેદવારો પ્રજાને ઉલ્લુ બનાવતા હોય તેવા લોકોથી પ્રજા સારી રીતે વાકેફ થઈ ચૂકી છે.અને હવે કોઇ ઉમેદવાર હાથ જોડી બે મીઠા બોલે તેને મત આપી વિજયી બનાવીદે તેટલી ભોળી રહી નથી.છતાં પ્રજાના ભોળપણનો ગેરલાભ ઉઠાવવા ભાવિ ઉમેદવારો પ્રજાને પોતાના તરફ આકર્ષવાના કોઈ પ્રયત્નો જતા કરવા માંગતા ન હોય તેમ જણાઈ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે,એક ગ્રામ પંચાયતમાં સરપંચની એક સીટ તથા સભ્ય માંટે વોર્ડદીઠ એક-એક સભ્યની બેઠક હોવા છતાં સરપંચ તથા સભ્યની બેઠક માટે અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવતા હોય છે.તેમાં કેટલાક ઉમેદવારો પોતાના માનીતા સરપંચ કે સભ્યની બેઠક માટેના ઉમેદવારને જીત અપાવવા અને હરીફ ઉમેદવારના મત મતકાપવા માટે જ ઉમેદવારી નોંધાવતા હોય છે અથવા ઉભા રાખી દેવામાં આવતા હોય છે.જ્યારે કેટલાક ઉમેદવારો જીતની આશા સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવતા હોય પરંતુ ભૂતકાળમાં જે-તે ઉમેદવાર દ્વારા પ્રજાને આપેલ સહકાર દ્વારા કેટલો લાભ થયો હતો તેને ધ્યાને લઇ વોટ આપતા હોય તેવા ઉમેદવારોની હાર થતાં આવા ઉમેદવારો પાંચ વર્ષ સુધી પ્રજાની નજરે પણ પડતા નથી જ્યારે જીત પામેલા સરપંચ કે સભ્યના ઉમેદવાર પણ સમય જતા આવા લોકોને તરછોડી દેતા “નહિ ઘરના કે,નહીં ઘાટના” જેવી સ્થિતિમાં પાંચ વર્ષ સુધી ફરતા હોય છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,હવે પ્રજામાં જાગૃતિ આવી છે. અને હવે પ્રજા કોઈ પક્ષને કે કોઈ વ્યક્તિને જોઇ વોટ આપવા રાજી નથી.પરંતુ જે ઉમેદવાર ગ્રામ્ય પ્રજાના પ્રશ્નોને સુલઝાવવા સક્ષમ હોય, સમજદાર હોય અને ગ્રામ્ય પ્રજાને સરકાર દ્વારા આપવામાં આવતી ભૌગોલિક સુવિધાના નાણાંનો સદુપયોગ કરી શકે,તેમજ આગળ જે- તે ગામ કે વોર્ડમાં કોણ ઉમેદવાર છે? અને આગાઉ જે-તે ઉમેદવારે પ્રજા માટે કેટલા અને કેવા કામો કર્યા?અને હવે તે ચૂંટાશે તો પ્રજાના કાર્યોમાં સાથ સહકાર આપશે કે કેમ? તેની ગણતરી કર્યા બાદ જ પ્રજા જે તે ઉમેદવારે ઉપર વિજયનો કળશ ઢોળશે તે નિશ્ચિત છે. જોકે પારદર્શક વહીવટ ચલાવનારની શોધમા પ્રજાએ સાત દાયકા ઉપરાંતનો સમય પસાર કર્યો છે.અને જાગૃતિ આવતા હવે પ્રજા વધુ સમય શોષણનો શિકાર બનવા માંગતી નથી.તેમજ કોઈની પણ શેહશરમમાં આવ્યા વગર મતદાન કરી લાયક સરપંચ તથા વોર્ડ સભ્યોને ચૂંટી લાવવા પ્રજા પાસે વખત આવ્યો છે ત્યારે ફતેપુરા તાલુકાની પ્રજા પોતાનો જવાબ આપવા તત્પર છે.જોકે આગામી સમયમાં ફતેપુરા તાલુકાની ગ્રામ પંચાયતોમાં યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણી રસાકસી ભરી રહેવાના એંધાણ જણાઈ રહ્યા છે ત્યારે પ્રજાએ જાગૃતિ રાખી વહીવટી તંત્રોએ સજાગ થવાની જરૂરત જણાઈ રહી છે.