
બાબુ સોલંકી :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં લોલમલોલ ચાલતો વહીવટ.
વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ની ઓચિંતી મુલાકાતમાં ગંભીર બેદરકારી સામે આવી:મોટાભાગના આરોગ્ય કેન્દ્રોમાં તબીબો ગેરહાજર જણાયા.
સુખસર,તા.10
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં સોમવારના રોજ વિધાનસભાના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા એ કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓચિંતી મુલાકાત લીધી હતી જેમાં ગંભીર બેદરકારી સામે આવી હોવાનું જાણવા મળ્યું હતું.
ફતેપુરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદે આવેલું છે હાલમાં કોરોના મહામારી ની ત્રીજી લહેર મંડાઈ રહી છે. તેમજ શિયાળાની ઋતુ ચાલતી હોવાથી શરદી ખાંસી તાવ ના સામાન્ય લક્ષણો મોટાભાગના લોકોમાં જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રોમાં છેવાડાના વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં પ્રજાને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે અર્થે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં સોમવારના રોજ વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા એ ફતેપુરા તાલુકાના કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી જેમાં ગંભીર બેદરકારી સામે આવી હતી લોલમલોલ વહીવટ ચાલતો હોવાનું ધ્યાને આવ્યું હતું મોટાભાગના કેન્દ્રોમાં માત્ર સ્ટાફ નર્સ અને પટાવાળા જ નજીવી સંખ્યામાં જોવા મળ્યા હતા તબીબો ગેરહાજર જોવા મળ્યા હતા સરકાર દ્વારા આપવામાં આવેલ સાધનસામગ્રી અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળી હતી સૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ જગોલા આરોગ્ય કેન્દ્ર તો બંધ હાલતમાં જોવા મળ્યું હતું તાળાં લટકતાં જોવા મળતા આશ્ચર્ય સર્જાયું હતું. હાલમાં કોરોના મહામારી ચાલતી હોવા છતાં આરોગ્ય વિભાગ ની ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી હતી. ગ્રામીણ વિસ્તારોમાં સમયમર્યાદામાં તેમજ પૂરતી સુવિધાઓ મળી રહેતી ન હોવાનું સ્થાનિક લોકોએ દંડક રમેશભાઈ કટારા એ જણાવ્યું હતું. આ બાબતે દંડક રમેશભાઈ કટારા દ્વારા લેખિતમાં રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.