Sunday, 06/07/2025
Dark Mode

અમેરિકાના સાન હોઝે શહેરમાં અંધાધૂંધ ફાયરિંગઃ ૮ના મોત, હુમલાખોર ઠાર

May 27, 2021
        1403
અમેરિકાના સાન હોઝે શહેરમાં અંધાધૂંધ ફાયરિંગઃ ૮ના મોત, હુમલાખોર ઠાર

અમેરિકાના સાન હોઝે શહેરમાં અંધાધૂંધ ફાયરિંગઃ ૮ના મોત, હુમલાખોર ઠાર

કેલિફોર્નિયા,તા.૨૭

અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યના સાન હોઝે શહેરમાં બુધવારે એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ૮ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળ્યા છે. હુમલાખોર ગોળીબાર કરીને નાસવાની કોશિશ કરી રહ્યો હતો, પણ પોલીસે તેને ઠાર કરી દીધો છે. સિટી મેયર સેમ લિકાર્ડોએ આ ઘટનાને શહેરના ઈતિહાસ પર કલંક સમાન ગણાવી છે.

સાન્ટા ક્લારા શેરિફની ઓફિસે એક નિવેદનમાં કહ્યું હતું ‘મૃતકોમાં મોટા ભાગના લોકો ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના કર્મચારી છે. તેઓ સવારે ડ્યૂટી પૂરી કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તેમના સ્થાને બીજાે સ્ટાફ આવી ચૂક્યો હતો. પોલીસને આશંકા છે કે આ બિલ્ડિંગની અંદર વિસ્ફોટક પણ હોઈ શકે છે, આથી બોમ્બ-ડિસ્પોઝલ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવાઈ હતી. આ સાથે સ્નિફર ડોગ્સની પણ મદદ લેવાઈ છે.

રિપોર્ટ અનુસાર, આ ઘટના અમેરિકન સમય અનુસાર સવારે ૬.૧૫ વાગ્યે બની. અહીં રેલવે યાર્ડમાં કેટલાક લોકો કામ કરી રહ્યા હતા. અચાનક એક વ્યક્તિએ ગોળીબાર શરૂ કરી દીધો. લોકો જીવ બચાવવા આમતેમ નાસવા લાગ્યા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આમાં અનેક લોકો ફાયરિંગનો ભોગ બન્યા. આ ઘટના પછી લોકલ ટ્રેન સર્વિસ સસ્પેન્ડ કરાઈ છે. મેયરે આ જાણકારીને સમર્થન આપ્યું છે.

પોલીસે હજુ સુધી હુમલાખોરની ઓળખ જાહેર કરી નથી. એ પણ સ્પષ્ટ નથી કે ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે તપાસ પછી વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!