
દાહોદ તા.5
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આકાશવાણી ગામે ગામ પંચાયતની ચૂંટણી સંબંધે પાંચ જેટલા વ્યક્તિઓ એક સંપ થઇ પોતાની સાથે લાકડીઓ તેમજ હાથમાં પથ્થરો લઈ ઘસી આવી એક મહિલા સહિત બે જણાને માર મારી ઇજા પહોંચાડી ધિંગાણું મચાવતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
ઘટ તારીખ 21મી ડિસેમ્બરના રોજ આકાશવાણી ગામે લેઘોડીયા ફળિયામાં રહેતા સુક્રમભાઈ મૂળિયાભાઈ, મીલેશ પર્વતભાઈ, વિક્રમભાઈ મૂળિયાભાઈ, પરેશભાઈ પર્વતભાઈ અને પર્વતભાઈ મૂળિયાભાઈ તમામ જાતે સંગાડાનાઓ પોતાની સાથે લાકડીઓ લઇ પોતાના ગામમાં રહેતા કંપાબેન કબાનભાઈ તડવીના ઘરે આવ્યા હતા અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, તમે ચૂંટણીમાં જીતી ગયા છો અને અમે હારી ગયા છીએ, તમો અમારી સામે કેમ આવો છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડીઓ વડે તેમજ છૂટા પથ્થરો મારી કંપાબેન અને હિંમતભાઈને મારી શરીરે હાથે-પગે તેમજ માથાના ભાગે ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી ભારે હંગામો મચાવતાં સંબંધી ઇજાગ્રસ્ત કંપાબેન કબાનભાઈ તડવી દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.